પ્રશાંત દયાળ (દિવાલઃ ભાગ-17): કેતન મઝમુદાર ઉર્ફે કેતન બાટલીનો ખેલ ખતમ થઈ ગયો હતો, યુસુફ અને તેના સાથીઓને તો કોણ કેતન અને કોણ મંગો તેની પણ ખબર ન્હોતી કારણ તેમને પોતાના જ વોર્ડની બહાર નિકળવા મળતુ ન્હોતુ, તો તેમને જેલના અન્ય કેદીઓ વિશે વધારે ખબર હોય તેવું ભાગ્યે જ બનતુ હતું. કેદીઓ રાહ જોઈ બેઠા હતા કે તેમની બંદી ફરી ખુલે, પણ જેલમાં સાબરમતી પોલીસ સહિત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા, જ્યાં સુધી પોલીસ પોતાનું કામ પુરૂ કરે નહીં ત્યાં સુધી બંદી નહીં ખોલવાનો જેલના સુપ્રીટેન્ડન્ટ  વી એમ વસાવાનો આદેશ હતો. સાબરમતી જેલમાં એક કેદીની હત્યા થઈ તેવો પહેલો બનાવ હતો. બે કેદીઓ એક બીજાની હત્યાનું પ્લાનીંગ કરે અને જેલ પોલીસને તેની ગંધ સુધ્ધા આવે નહીં, તેના કરતા પણ વધુ મહત્વની બાબત એવી હતી કે, જ્યાં જેલમાં સીપાઈની મંજુરી વગર તણખલુ પણ ઉડીને આવી શકતુ નથી, તે જેલમાં ધારદાર ચાકુ કેદીઓ સુધી કેવી રીતે પહોંચી ગયું હતું, આવી અનેક બાબતોની પોલીસે હવે તપાસ કરવાની હતી. મંગાની પોલીસે તરત કસ્ટડી લઈ લીધી હતી, તેને એક સીંગલ ખોલીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. જો કે હત્યાને નજરે જોનાર કેદીઓના નિવેદન પ્રમાણે તો મંગો હત્યા કરવા માટે આવ્યો જ ન્હોતો, પણ તેના બે ટપોરી જીગો અને મોન્ટુંએ કેતનને પુરો કરી નાખ્યો હતો. જીગા અને મોન્ટુંની પણ જેલમાં એટલી જ દાદાગીરી હતી, તે મંગાના ફોલ્ડર હતા, મંગાનો આદેશ એટલે જાણે ઈશ્વરનો આદેશ થયો હોય તે પ્રમાણે તેનું પાલન કરતા હતા. બંન્ને એકદમ ગરીબ ઘરના હતા. તે જેલમાં હોય અથવા જેલની બહાર હોય, મંગો જ તેમના ખર્ચા-પાણી ઉપાડતો હતો, કોઈ પણ કેસ થાય પોલીસની પતાવટથી લઈ કોર્ટના વકિલના તમામ ખર્ચની જવાબદારી મંગાની હતી. આમ તો મંગા અને કેતનની બેરેકો અલગ હતી, પણ છ મહિના પહેલા કેતન અને મંગો જેલમાં આવેલી હોસ્પિટલમાં સામ-સામે આવી ગયા હતા. મંગાએ તેને ધમકાવવાનો પ્રયત્ન કર્યો અને કેતન તેના ઉપર તૂટી પડયો હતો, જો ત્યારે જેલ સીપાઈએ આવી કેતન ઉપર કાબુ મેળવ્યો ના હોત તો કેતન મંગાને ત્યારે જ પુરો કરી નાખતો. 

તે દિવસ કેતનના હાથે બચી ગયેલો મંગો ખરેખર ડરી ગયો હતો, મંગો જાણતો હતો કે તેનો ગુંડાગીરીનો ધંધો ડર ઉપર જ ચાલે છે અને કેતનને તેનો જરા પણ ડર લાગતો ન્હોતો. જો કેતને તેને માર્યો અને મંગો કઈ કરી શકતો નથી તેવી જેલમાં અને જેલની બહાર ખબર પડી તો મંગાનો ધંધો ખતમ થઈ જવાનો હતો. મંગાએ તે જ દિવસે કેતનની કથા પુરી કરવાનો નિર્ણય લઈ લીધો હતો. તે તેના માટેની વ્યવસ્થા અને સમયની રાહ જોઈ રહ્યો હતો. જો કે કેતન અને મંગાએ કરેલી મારા-મારી પછી બંન્ને સામે જેલ મેન્યુઅલ પ્રમાણે ખટલો ચાલ્યો હતો, અને તેમને પોતાના વોર્ડની બહાર નિકળવા ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. મંગો એકદમ શાંત થઈ ગયો હતો, છેલ્લાં કેટલાંક મહિનાથી તેણે જેલમાં કોઈની પાસે ખંડણી માંગી ન્હોતી, કોઈ કેદીને ધમકાવ્યો ન્હોતો, મંગાનો આ બદલાયેલા વ્યવહારની કોઈએ નોંધ લીધી ન્હોતી. જો કે જેલ અધિકારીને આ વ્યવહારની ખબર પડવી જોઈતી હતી, પણ તેવું થયું નહીં. જે દિવસે કેતની હત્યા થઈ તેની આગલી સાંજે બંદી થાય તે પહેલા મંગા પાસે બે ધારદાર ચાકુ આવી ગયા હતા, તેની પાસે ચાકુ આવી ગયા તેની ખબર જેલના વોર્ડન, સીપાઈ અને તેની બેરેકના કોઈ કેદીને પણ થઈ નહીં, મંગાએ બંન્ને ચાકુ પોતાની ઓશીકાના કવરમાં મુકી દીધા હતા. હત્યાના આગલા દિવસે કેતન ખુબ ખુશ હતો, કારણ તેને મળવા  તેની પત્ની વૈદેહી આવી હતી. જેલમાં કેદીની મુલાકાતનો સમય માત્ર વીસ મિનીટ જ હોય છે, વીસ મિનીટમાં કેદીઓને વીસ જન્મની વાત કરી લેવાની હોય છે. વૈદેહી કોલેજમાં ભણતી હતી ત્યારે કેતન સાથે તેને પ્રેમ થઈ ગયો, કેતન તો ટપોરીગીરી કરતો હતો અને વૈદેહી કોલેજની બહાર મોટરસાયકલ લઈ બેસતો હતો. વૈદેહીની બહેનપણીઓ કહેતી કે કેતન ગુંડો છે, પણ કેમ ખબર નહીં, વૈદેહીને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. કેતન અને વૈદેહીની મુલાકાતો શરૂ થઈ હતી. કેતન અને વૈદેહી મળતા ત્યારે કેતન પોતાની ગુંડાગીરીનો વાતો કરતો અને વૈદેહી અહોભાવ સાથે કેતનની વાતો સાંભળતી હતી. કેતનને કયારેય ડર લાગતો ન્હોતો, પણ વૈદેહીના પ્રેમમાં પડયા પછી તેને વૈદેહીને કોઈ નુકશાન પહોંચાડે નહીં તેવી ચિંતા રહેતી હતી.

કેતન પાસે એક ગેરકાયદે રીવોલ્વર પણ રહેતી હતી, જ્યારે કેતન અને તે ફરવા જાય ત્યારે કેતન પોતાની રીવોલ્વર વૈદેહીના પર્સમાં મુકતો હતો, વૈદેહી પણ ડર્યા વગર તે પોતાની પાસે રાખતી હતી. વૈદેહીની હિંમત જોઈ, કેતનને આશ્ચર્ય થતું હતું, પણ વૈદેહી કહેતી કે તુ મારી સાથે હોય પછી મને શું કામ ડર લાગવો જોઈએ, વૈદેહીને ખબર હતી કે તેનો પરિવાર કયારેય કેતન સાથે લગ્ન કરવાની મંજુરી આપશે નહીં, એટલે તેણે કેતનને કહ્યું હતું કે મારી કોલેજ પુરી થાય પછી હું તરત નોકરીએ લાગી જઈશ અને પછી આપણે લગ્ન કરીશું, કેતન પણ મનમાં વિચારી રહ્યો હતો કે વૈદેહી તેને ખુબ પ્રેમ કરે છે, અને તેના માટે બધુ જ કરવા તૈયાર છે, તો તેને પણ આ ગુંડાગીરી છોડી કોઈ નાનો મોટો ધંધો કરી લેવો જોઈએ, કેતનનું હ્રદય બદલાઈ રહ્યું હતું, જો કે વૈદેહીએ તેને કયારેય કહ્યું ન્હોતુ કે તુ આ ધંધો છોડી દે, વૈદેહી તો કહેતી કે તુ જેવો છે, તેવો મારો છે, પણ કેતન હવે બદલાઈ જવા માગતો હતો. કેતનના પપ્પા અને તેની વચ્ચે તો હવે સંવાદ લગભગ બંધ થઈ ગયો હતો, પણ તેની મમ્મી તેની સાથે વાત કરતી હતી, એટલે તેણે પોતાની મમ્મીને વૈદેહી અંગે વાત કરી હતી. પહેલા તો મમ્મીએ સલાહ અને ઠપકો આપતા કહ્યું કે બેટા તારા ધંધા બરાબર નથી, તુ શું કામ કોઈ છોકરીની જીંદગી ખરાબ કરે છે, ત્યારે કેતને વચન આપ્યું કે તે હવે બધુ છોડી દેશે, તેની મમ્મી ખુબ ખુશ થઈ હતી, પણ વિધાતાએ કઈક જુદો જ લેખ લખ્યો હતો. તે દિવસે કેતન અને તેના મિત્રો હવે જીંદગી સારી થશે તેવી ખુશાલીમાં હતા અને તેમણે દારૂ પીધો હતો, ત્યાર બાદ પાનના ગલ્લાવાળા સાથે માથાકુટ થઈ અને કેતને ગલ્લામાં પડેલી કાતર લઈ તેના પેટમાં ખોંસી દીધી હતી. કેતનના હાથે ગુસ્સામાં હત્યા થઈ ગઈ હતી, જ્યારે તેનો નશો ઉતર્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, પણ તેણે જોયું તો પોલીસ સ્ટેશનની બહાર વૈદેહી આંખમાં આંસુ સાથે કેતનો ઈંતઝાર કરી રહી હતી, વૈદેહી કોલેજ પુરી કરી નોકરી કરશે અને પછી લગ્ન કરશે તેવું સ્વપ્ન હવે કયારેય પુરૂ થશે નહીં તેવું વૈદેહીની લાગી રહ્યું હતું. કેતન દસ વર્ષથી જેલમાં હતો, પણ દર પંદર દિવસે વૈદેહી અચુક કેતનને મળવા માટે જેલ ઉપર આવતી હતી. તે કેતનને તે દિવસે સારા સમાચાર આપવા આવી હતી, અને બીજા દિવસે તેનો કેતન તેને કાયમ માટે છોડી જતો રહ્યો હતો.

(ક્રમશ:)

ભાગ 16 વાંચવા અહીં ક્લિક કરો- જેલમાં પણ કેદીઓના વિસ્તાર અને સામ્રાજય હોય છે, પણ કેતન બાટલીએ, મંગાને પડકરાવાની હિંમત કરી