પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-15): આમ તેનું સાચુ નામ કેતન મઝમુદાર હતું, તેના પિતા મહેશ મઝમુદાર, વિજ્ઞાનના શિક્ષક હતા, જેના કારણે તેમને અમદાવાદના વટવામાં બધા મઝમુદાર સાહેબ કહી, સંબોધતા હતા. તેઓ નખશીખ શિક્ષક હતા, તેમણે પોતાના શિક્ષણને કયારેય ધંધો બનાવ્યો ન્હોતો. તે સ્કુલમાં તો વિદ્યાર્થીઓને ભણાવતા હતા, પણ ઘરે આવ્યા પછી પણ તેમનું ઘર વિદ્યાર્થીઓથી ભરેલું રહેતુ હતું. તેમણે નક્કી કરેલું કે ઘર ચલાવવા માટે શિક્ષકની નોકરીનો પગાર મળે, એટલે કયારેય ટ્યુશન કરીશ નહીં, ઘરે તેઓ જેમને પણ તકલીફ હોય તેવા વિદ્યાર્થીઓને માત્ર ભણાવતા હતા તેવુ જ નહીં, પણ મઝમુદાર સાહેબના પત્ની બાળકોને કયારે નાસ્તો કર્યા વગર મોકલતા ન્હોતા. તેમના પત્ની પણ એટલા જ પ્રેમાળ હતા. ગામના બાળકોને ભણાવતો શિક્ષક પોતાનો કેતન સારૂ ભણે તેવી અપેક્ષા રાખે તો તે વધારે પડતી ન્હોતી, પણ કેતનને લાગતું કે તેના પિતા નાહક તેની ઉપર ભણવા માટે દબાણ કરી રહ્યા છે. કેતન ભણવામાં નબળો હોત અથવા તેને ન્હોંતુ ભણવું તો મઝમુદાર સાહેબને કોઈ વાંધો ન્હોતો, પણ સ્કુલે જવાનું બંધ કર્યા પછી કેતન ગામના છોકરાઓ સાથે દારૂ પીવા લાગ્યો છે, તેવું જ્યારે મઝમુદાર સાહેબને ગામના કેટલાક વડીલોએ કહ્યું ત્યારે તેમને ખુબ આધાત લાગ્યો હતો. પહેલા તો તેમણે પોતાની જાતને કહ્યું મઝમુદાર સાહેબ આ બધા ખોટું બોલી રહ્યા છે. તમારા દિકરો દારૂ પીવે તે વાતમાં માલ જ નથી. ગામના છોકરાઓને જ્યારે મેં ભણાવ્યા ત્યારે મારા દિકરા કેતનનું જીવનનું ભણતર કેવી રીતે કાચું રહી જાય... પણ મઝમુદાર સાહેબની હિંમત તે જ રાતે તૂટી ગઈ, તે મોડા આવતા કેતનની રાહ જોઈ રહ્યા હતા. તે કેતન પાસે સાંભળવા માગતા કે ગામવાળા જે કહે છે તે ખોટું છે, પણ તે રાતે કેતન નશામાં ધુત થઈ ઘરે આવ્યો હતો. તે પોતાના પગ ઉપર સારી રીતે ચાલી પણ શકતો ન્હોતો, તેના પગ લથડીયા ખાઈ રહ્યા હતા, તે દુરથી ઘરે આવી રહેલા કેતનને જોઈ રહ્યા તેમને લાગ્યુ તે તેમના પગમાંથી શકિત કોઈએ હણી લીધી છે અને તે હમણાં જ ફસડાઈ પડશે.

મઝમુદાર સાહેબની સ્થિતિ સમજી ગયેલા તેમના પત્નીએ તેમને સંભાળી લીધા અને તેમને સુવા માટે બેડરૂમમાં મોકલી કેતનને ઘરમાં લઈ આવ્યા હતા. મઝમુદાર સાહેબ તે રાતે ખુબ રડયા હતા. તેમના આંસુને કારણે તેમનું ઓસીકુ પણ ભીનુ થઈ ગયુ હતું, જ્યારે તેમણે ભણાવેલો કોઈ છોકરો કે છોકરી અવલ્લ નંબરે પાસ થાય ત્યારે સાહેબની છાતી ગજ ગજ ફુલતી હતી અને તમને લાગતુ હતું કે તેઓ એવરેસ્ટની ટોચ ઉપર ઉભા છે, પણ આજે પોતાના દિકરા કેતનને કારણે તેમને લાગ્યું કે તેઓ જીવનભરની કમાઈ એક ક્ષણમાં હારી ગયા હતા. સાહેબ પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે હજી કેતન નાનો છે, તેને મનાવી લેશે, સમજાવી લેશે અને તે સુધરી જશે, પણ તેવો સમય આવ્યો જ નહીં. દિવસેને દિવસે કેતન હાથ બહાર જઈ રહ્યો હતો. હવે તો કેતન દારૂ પીધા પછી ગાળા-ગાળી કરતો, મારા મારી પણ કરતો થઈ ગયો હતો. ફરિયાદ તો સાહેબને પોતાના દિકરા સામે હતી, પણ તેના બદલે કેતન જ પોતાના પિતા સામે ફરિયાદ કરી રહ્યો હતો કે તેના પિતાએ તેના માટે કઈ કર્યું નહીં, કેતન પોતાના મિત્રોની જેમ જાહોજલાલીમાં જીવવા માગતો હતો. એક શિક્ષકના પગારમાં સાહેબ પોતાના દિકરાને આપી શકે એટલુ સુખ આપતા હતા, પણ તે સુખ કેતને ટાચુ પડતુ હતું. કેતન જે સુખની કલ્પના કરી રહ્યો હતો તે સુખ તેને એક દિવસ બરબાદ કરી નાખશે તેવો ડર સતત સાહેબને થઈ રહ્યો હતો. તે દિવસ સવારે સાત વાગે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મઝમુદાર સાહેબ ઉપર ફોન આવ્યો ત્યારે ફોન સાંભળી તે સુનમુન થઈ ગયા હતા. ફોનનું રીસીવર મુકયા પછી તે કઈ જ બોલ્યા નહીં, તેમના ચહેરા ઉપર કોઈ હાવભાવ બદલાયા નહીં, જ્યારે સાહેબની પત્નીએ પુછયુ કે કોનો ફોન હતો, ત્યારે સાહેબ પોતાની પત્ની સામે એક ટસે જોઈ રહ્યા, તેમની આંખો એકદમ સાફ હતી, સાહેબનો આવો વ્યવહાર તેમની પત્નીને વિચિત્ર લાગ્યો તેમણે તેમને ખભેથી હલાવી નાખતા પુછયુ કોનો ફોન હતો, સાહેબે ડોકી ફેરવી પહેલા ફોન તરફ જોયું અને પછી પોતાની પત્ની સામે જોતા ધીરા અવાજે કહ્યું કેતન તેની બધી આદતોથી મુકત થઈ ગયો, સાહેબની પત્નીને કઈ સમજાયુ નહીં. સાહેબ અને તેમના પત્ની જેલમાં રહેલા કેતનની કાયમ ચિંતા કરતા હતા અને એકલામં રડી લેતા હતા, પણ આજે સાહેબે જે કહ્યું કેતન બધી આદતોમાંથી મુકત થયો તેનો શું અર્થ કરવો.

સાહેબને ફરી ફરી સાહેબને રીતસર હલાવી નાખતા એક અજાણ્યા ભય સાથે પુછયું બોલો તો ખરા કેતનની શું વાત છે. સાહેબની પત્નીઓ અવાજ મોટો થઈ ગયો અને અવાજમાં એક પ્રકારનો ડર હતો. તેના કારણે અવાજ ફાટી પણ જતો હતો. સાહેબે આંખો બંધ કરી, ઉંડો શ્વાસ લીધો અને જાણે પોતાને હિંમત આપતા હોય તે રીતે ફરી આંખો ખોલી અને પત્નીને એક હળવા આલીંગનમાં લેતા કહ્યું કેતન હવે નથી રહ્યો. આપણે તેની રાહ જોવી પડશે નહીં, આ વાકય સાંભળતા સાહેબના પત્ની ભાંગી પડયા અને પોક મુકીને રડી પડયા. કેતન છેલ્લાં દસ વર્ષથી જેલમાં હતો, સાહેબ જે વર્ષે શિક્ષક તરીકે નિવૃત્ત થયા તે જ વર્ષે કેતનને હત્યા કેસમાં સજા થઈ હતી. દારૂ પીધેલી હાલતમાં તેણે એક પાનની દુકાનવાળાને પેટમાં કાતર મારી દીધી હતી. સાહેબ પોતાના પ્રોવીડંડ ફંડમાંથી મોટા વકિલને રોકી કેતનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ કેતનનો કેસ હારી ગયા હતા. કેતનની જેલમાં હતો, પણ ત્યાં પણ તેની ભાઈગીરી ચાલુ જ હતી, જેલમાં ગયા પછી તેને દારૂ મળવો તો મુશ્કેલ હતો, પણ તે સતત શરાબી ફિલ્મના ગીતો ગાતો હતો. તેના કારણે કેદીઓ તેને કેતન બાટલીના નામે બોલાવતા હતા. જેલ પણ એક અલગ જ દુનિયા છે. જેલમાં આવનાર પણ જંગલના સિંહની જેમ પોતાના વિસ્તાર નક્કી કરતા હોય છે અને તેમના વિસ્તારમાં બીજો કોઈ પ્રવેશ કરે તે તેમને મંજુર નથી હોતું. જેલમાં મંગાનું સામ્રાજય હતું, તેની એક ગેંગ હતી. જેલમાં આવનાર તમામ શ્રીમંત કેદીઓને મંગો નિશાન બનાવતો હતો, મંગાને જેલમાં પણ ખંડણી મળતી હતી. મંગો જેલમાં ગરીબ કેદીઓ પાસે પોતાની સેવા કરાવતો હતો. તેને ઈચ્છા પડે તેને ફટકરાતો પણ હતો, પણ જેલમાં નવા આવેલા કેતને થોડો સમય તો મંગાનો ત્રાસ જોયો, જો કે મંગા અને કેતન વચ્ચે હજી એન્કાઉન્ટર થયું ન્હોતું, પણ મંગાની ગુંડાગીરી જોઈ કેતનનું લોહી ઉકળી ઉઠતુ હતું, કેતનની બેરેકમાં નવા આવેલા કેદી પાસે જ્યારે મંગાનો ટપોરી પૈસાની માગણી કરવા આવ્યો ત્યારે કેતન એકદમ ઊભો થઈ ગયો અને તેણે તેના ટપોરીને કહ્યું તારા મંગાને કહી દે જે આજથી મારી બેરેકમાંથી કોઈ સામે જોવાની હિંમત પણ કરતો નહીં.

(ક્રમશ:)