પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-15): તે દિવસે આખો દિવસ યુસુફ તેની મુમતાઝની વાતો કરતો રહ્યો હતો. મહંમદ તેને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. યુસુફ જ્યારે પકડાઈ ગયો ત્યારે તો મુમતાઝ બે વર્ષની જ હતી. ક્રાઈમ બ્રાન્ચમાં પકડાયો પછી પંદર દિવસ પછી તેણે મુમતાઝને કોર્ટમાં જોઈ હતી, તેની પત્ની મુમતાઝને કોર્ટમાં લઈ આવી હતી. બસ તે દિવસે તેણે છેલ્લી વખત મુમતાઝને તેડી હતી. પછી તે આજ સુધી ક્યારેય મુમતાઝને મળ્યો ન્હોતો, તે જેને તેડીને ફરતો હતો તે મુમતાઝ હવે દસ વર્ષની થઈ ગઈ હતી. તે મહંમદને વાત કરી રહ્યો હતો ત્યારે તેની આંખો અને મગજ કલ્પના કરી રહ્યા હતા કે મુમતાઝ હવે કેવી લાગતી હશે. જો કે તે જેલમાં આવ્યો ત્યારે તો મુમતાઝને કંઈ ખબર પડતી ન્હોતી પણ આજે તો તે બધુ જ સમજવા લાગી હતી. યુસુફે પોતાની પત્નીને તાકીદ કરી હતી કે તે મુમતાઝને ક્યારેય જેલમાં લાવે નહીં. મુમતાઝની ખુબ ઈચ્છા હતી કે તે તેના પિતાને મળે, તે અનેક વખતે જેલ ઉપર આવવા માટે જીદ પણ કરતી હતી, કારણ તેણે પોતાનો પિતાનો ચહેરો જોયો હોય તેવુ તેને યાદ પણ આવતુ ન્હોતુ. મુમતાઝ સ્કૂલમાં ભણવા જવા લાગી હતી. એક દિવસ મુમતાઝ સ્કૂલેથી રડતા રડતા આવી હતી, તેની સાથે ભણતા વિદ્યાર્થીએ કહ્યુ કે તેરા બાપ આતંકવાદી હૈ, જો કે મુમતાઝને ત્યારે આતંકવાદી એટલે શુ ખબર ન્હોતી પણ બધા આતંકવાદીની છોકરી કહી ચિડવવા લાગ્યા એટલે તેને લાગ્યુ કે તેનો બાપ ખુબ ખરાબ માણસ છે. યુસુફને પત્નીએ તેને સમજાવ્યું તે તારા પપ્પા આતંકવાદી નથી પણ તે સમજાવતા સમજાવતા તે ખુદ રડી પડી હતી. આ વાત કરતી ફરી યુસુફની આંખમાં ઝળઝળીયા આવી ગયા હતા. જો કે મુમતાઝની વાત યુસુફે પહેલી વખત કરી હતી. તે રાતે તે ખુબ વહેલો સુઈ ગયો હતો. 

બીજા દિવસે સવારે યુસુફ ઉઠ્યો ત્યારે તેના ચહેરા ઉપર એક પ્રકારની શાંતિ હતી, તેની બેરેકના અન્ય કેદીઓ પણ ઉઠી રોજ પ્રમાણે કામ કરી રહ્યા હતા. પરંતુ અચાનક કેદીઓ જેલ સિપાઈની સીટીઓ સાંભળી, પહેલા એક સીટી વાગી રહી હતી પછી ધીરે ધીરે જેલ સિપાઈની સીટીઓમાં વધારો થઈ રહ્યો હતો. આ પ્રકારે સીટી વાગવાનો અર્થ હતો કે જેલમાં કંઈક ગરબડ છે અને પછી એક સિપાઈ ફરજ ઉપરના અન્ય સિપાઈને ચેતવણી આપી રહ્યા હતા. સીટી વાગે તેનો અર્થ જે સિપાઈના તાબામાં તે વોર્ડ આવેલા છે તેણે પોતાના વોર્ડના તમામ કેદીને બેરેકમાં બંધ કરી દેવાના. જો કે ખરેખર જેલમાં સતત આવી રહેલી સીટીને કારણે કેદીઓમાં એક ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. દરેક કેદી પોતાના વોર્ડના દરવાજા પાસે ઉભા રહી બહાર કઈ તરફ શુ થયુ છે તે જાણવા પ્રયત્ન કરી રહ્યા હતા. જો કે જેલ સિપાઈ હાથમાં લાકડી લઈ જેલના વિવિધ ભાગમાં ફરી રહેલા કેદીઓને પોતાના વોર્ડ તરફ મોકલી આપવા દોડી રહ્યા હતા અને કેદીઓને ધક્કા મારી પોતાના વોર્ડમાં જતા રહેલા આદેશ આપી રહ્યા હતા. સવારના સાડા છ વાગ્યા હતા. કુદરતી વાતાવરણ ખુબ સરસ હતું પણ જેલનું વાતાવરણ ભયગ્રસ્ત હતું. હજી તો ખરેખર શુ બન્યુ છે તે જેલમાં સીટી વગાડી રહેલા સીપાઈઓને પણ ખબર ન્હોતી. પહેલી સીટી ક્યા સિપાઈએ વગાડી તેની પણ ખબર ન્હોતી પણ જેલ સિપાઈ પહેલા તમામ કેદીઓને પોતાની બેરેકમાં મુકી બેરેકને લોક કરી દેવાની ઉતાવળમાં હતા. આ ઉતાવળ, દોડા-દોડી અને ધમાલ વચ્ચે જેલના મુખ્ય દરવાજા ઉપર બેઠેલા સુબેદારને બનાવની જાણ થઈ ત્યારે તેણે ઈમરજન્સીની જાણ કરવા માટે સાયરન વગાડી દીધી હતી. આ સાયરનનો અર્થ થતો હતો કે જેલમાં અસામાન્ય સ્થિતિ નિર્માણ થઈ છે. જેલના કેમ્પસમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા તમામ જેલ સિપાઈ અને જેલ અધિકારીએ તાત્કાલીક જેલમાં હાજર થઈ જવુ. સાયરન સતત વાગી રહી હતી અને હજી ક્વાર્ટરમાં ઉઠી ગયેલા અથવા સુઈ રહેલા સિપાઈના અને અધિકારીઓના કાનમાં સાયરન ગુંજી રહી હતી. તેઓ ફટાફટ યુનિફોર્મ પહેરી જેલના મુખ્ય દરવાજા તરફ દોડી રહ્યા હતા. ધીરે ધીરે જેલમાં ખાખી વર્દીધારી સિપાઈઓની સંખ્યા વધી રહી હતી.

યુસુફની બેરેકની કેટલાંક કેદીઓ રોજ પ્રમાણે ઉઠી બહાર મોર્નિંગવૉકમાં ગયા હતા. તેમને પણ જેલ સિપાઈ ધકેલતો ધકેલતો તેમના વોર્ડ સુધી લઈ આવ્યો હતો. જેલ સીપાઈએ વોર્ડને આદેશાત્મક ભાષામાં તમામ કેદીઓની બેરેકમાં મુકી દેવા જણાવ્યુ હતું. સિપાઈનો અવાજ સાંભળી કેદીઓ પોતાની મેળે બેરેકમાં જવા લાગ્યા હતા. તમામ કેદીઓ બેરેકમાં આવી ગયા છે તેવી ઉતાવળે નજર ફેરવી વોર્ડને બેરેકના લોંખડી સળીયા ઉપર લોંખડી તાળુ મારી દીધુ હતું. મોટા ભાગની બેરેક બંધ થઈ ગઈ હતી જેના કારણે સિપાઈઓની સીટી વાગવાની પણ ક્રમશ: બંધ થઈ ગઈ હતી. જો કે બંધ બેરેકમાં તમામના મનમાં પ્રશ્ન હતો કે શુ થયુ છે. યુસુફની બેરેકના જે કેદીઓ મોર્નિંગ વોકમાં બહાર ગયા હતા તેમને જે કાચી-પાકી ખબર મળી હતી તે પ્રમાણે બડા ચક્કરમાં કંઈક ગરબડ થઈ છે. કેટલાંક કેદીઓએ ભેગા મળી એક કેદીને ચાકુ મારી દીધા હોવાની વાત હતી. જો કે વાત કેટલી સાચી અથવા કેટલી ખોટી તેની કોઈને ખબર ન્હોત., હજી કેદીઓના મન ઉદ્ધવેગમાં હતા ત્યારે ફરી જેલ પરિસરમાં સાયરન સંભાળી. જો કે આ સાયરનનો અવાજ પહેલા કરતા જુદો હતો. સાયરનના અવાજ ઉપરથી એવુ અનુમાન કરી શકાય તેમ હતું કે મોટા ભાગે આ સાયરન કોઈ એમ્બયુલન્સ વાનની હતી. કેદીઓનું અનુમાન સાચુ હતું. જેલના મુખ્ય દરવાજાથી જમણી તરફ નાના મોટા વાહન અંદર લાવવાનો જે રસ્તો છે તે ખોલી નાખવામાં આવ્યો હતો. ત્યાંથી એક એમ્બ્યુલન્સને તરત જેલમાં દાખલ કરવામાં આવી હતી. જેલ કેમ્પસમાં દાખલ થયા બાદ પણ એમ્બ્યુલન્સની સાયરન ચાલુ હતી અને જેલ સિપાઈ તેને સીધી બડા ચક્કરમાં લઈ ગયા હતા. થોડીક ક્ષણો બાદ સાયરન બંધ થઈ ત્યારે ફરી કેદીઓનું મન શું થયુ હશે તેવા ચકરાવે ચઢ્યુ. જો કે પાંચ મિનિટ પછી ફરી સાયરનનો અવાજ આવ્યો અને અવાજ ધીરે ધીરે દુર જવા લાગ્યો હતો. કેદીઓએ માની લીધુ કે કોઈ એમ્બ્યુલન્સ કેદીને લઈ હવે બહાર નિકળી રહી છે.

કેદીઓનું બીજુ અનુમાન પણ સાચુ હતું. એમ્બ્યુલન્સ સાબરમતી જેલમાંથી નિકળી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફ દોડી રહી હતી. એમ્બ્યુલન્સના સ્ટ્રેચર ઉપર રહેલા કેદીના સફેદ કપડાં હવે સફેદ રહ્યા ન્હોતા તે લોહીમાં લથબથ હતો, તેનો શ્વાસ ચાલી રહ્યો હતો, તેની બાજુમાં બેઠેલો એમ્બ્યુલન્સનો એટેન્ડ અને એક જેલ સિપાઈ સતત ધમણની જેમ ફુલી રહેલા શ્વાસ ઉપર નજર રાખી રહ્યો હતો. કેદીના શરીર ઉપર અસંખ્ય ઘા હતા તેમાથી પણ લોહી વહી રહ્યુ હતું. ક્યારેક કેદીના મોઢામાંથી લોહીના પરપોટા પણ બહાર આવી રહ્યા હતા, એટેન્ડ સમજી ગયો હતો કે આ સારી નિશાની નથી. જેલ સિપાઈ થોડી થોડી વારે એટેન્ડના ચહેરાને વાંચી કેદીની સ્થિતિ કેવી છે તે જાણવા પ્રયત્ન કરી રહ્યો હતો. એમ્બ્યુલન્સ  સિવિલના કેમ્પસમાં દાખલ થઈ પણ ત્યારે જ કેદીએ છેલ્લો શ્વાસ છોડ્યો હતો. આમ છતાં જેવા તેઓ ટ્રોમા સેન્ટર પહોંચ્યા એટલે તેને લઈ સીધા ઇમર્જન્સી  વોર્ડમાં સ્ટ્રેચર ઉપર લઈ ગયા. ફરજ ઉપરના ડૉક્ટરે નાડ જોઈ, લોહીથી લથબથ છાત ઉપર સ્ટેથેસ્કોપ મુક્યુ અને પછી કહ્યુ હી ઈઝ નો મોર.

(ક્રમશ:)

ભાગ-14 વાંચવા અહીં ક્લિક કરો- યુસુફના અબ્બુએ જેલ સુપ્રિટેન્ડેન્ટને આંખોમાં આંસુ સાથે કહ્યું આજનો દિવસ મહેરબાની કરો