પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-14): સવારના નવ વાગી રહ્યા હતા ત્યારે વોર્ડન યુસુફ, યુસુફના નામે બુમ પાડવા લાગ્યો. હજી થોડીવાર પહેલા જ બેરેકનો માહોલ યુસુફના કારણે ગંભીર થયા પછી હળવો થયો હતો. ત્યારે જ વોર્ડનની યુસુફના નામની બુમો સાંભળી બેરેકમાં બધાના કાન એકદમ ઉંચા થઈ ગયા. યસુફે પણ પોતાને વોર્ડન બહાર બોલાવી રહ્યો છે તેવી ખબર પડી. તે ઝડપભેર ઉભો થયો અને બેરેકની બહાર તરફ દોડ્યો, બુમો પાડી રહેલા વોર્ડન પાસે ગયો. બાકીના કેદીઓ પણ શું થયું છે તે જોવા માટે બેરેકના દરવાજા પાસે કુતુહલવશ આવી ઉભા રહ્યા., વોર્ડની બાજુમાં ટિફિન લઈ આવતી પેડલ રીક્ષા હતી. જેલના નિયમ પ્રમાણે કાચા કામના કેદીઓ જેમને સજા થઈ ના હોય તેમને ઘરનું ટિફિન જમવાની મંજુરી મળતી હતી. યુસુફ અને તેના સાથીઓ પણ કાચા કામના કેદીઓ હતા તેના કારણે તેમને પણ ટિફિન મળી શકે તેમ હતું. પરંતુ જેલ સુપ્રિટેન્ડન્ટે ગુનાની ગંભીરતા જોતા તેમના તમામના ઘરના ટિફિન બંધ કરાવી જેલનું જમવાનું આપવાનો આદેશ કર્યો હતો. જેલમાં આઠ વર્ષ થયા હતા. પહેલા પાંચ-છ મહિના તેમના ઘરના ટિફિન જે જમાત દ્વારા મોકલવામાં આવતા હતા તે આવ્યા પણ ત્યાર બાદ જો ઘરનું અથવા જેલ બહારનું જમવાનું બંધ જ થઈ ગયુ હતું. છેલ્લાં સાત વર્ષથી યુસુફ સહિત બધા જેલમાં મળતુ ભોજન જ જમતા હતા. યુસુફ વોર્ડન પાસે પહોંચ્યો અને કેમ બોલાવ્યો તેવા ભાવ સાથે ઉભો રહ્યો. વોર્ડને યુસુફને જોતા ટિફિન લઈ આવેલી પેડલ રીક્ષા તરફ ઈશારો કરતા કહ્યુ આજે તારૂ ટિફિન આવ્યુ છે. યુસુફ આશ્ચર્ય સાથે વોર્ડન તરફ જોતો રહ્યો. મારૂ ટિફિન કોણ લાવ્યુ, જેલ અધિકારીએ તો ટિફિન બંધ કરાવી દીધા તો આજે કેવી રીતે ટિફિન આવ્યુ તેવા અનેક પ્રશ્નોનો ઉત્તર યુસુફ શોધી રહ્યો હતો. ત્યારે એક પાંચ ખાનાનું ટિફિન બહાર કાઢતા પેડલ રીક્ષાવાળા કેદીએ કહ્યુ આજના દિવસ માટે તારા ટિફિનની મંજુરી સુપ્રિટેન્ડન્ટ સાહેબે આપી છે. યુસુફે ટિફિન  તરફ જોયુ. ટિફિનની બહાર જમવાનું તેલ બહાર નિકળ્યાના ડાધ હતા.

જેલમાં જેમના પણ ટિફિન આવે છે તે તમામ ટિફિન જેલનો સિપાઈ ખોલીને ચેક કરે છે. ઘણી વખત રોટલીના ચાર ટુકડા કરી નાખવામાં આવે. કદાચ રોટલીના બે પડ વચ્ચે ચિઠ્ઠી મુકવામાં આવી હોય, દાળ અને શાકમાં પણ એક ચમચો નાખી હલાવી ચેક કરવામાં આવે. ક્યારેક જેલ સિપાઈને શંકા જાય તો ટિફિન આપવા આવેલી વ્યક્તિને ટિફિનમાંથી એક કોળીયો ખાવાની સુચના આપવામાં આવે કદાચ જેલમાં ઝેર ભેળવવામાં આવ્યુ હોય તો, યુસુફના ટિફિન ઉપર તેલના ડાધા ચાડી ફુકતા હતા. જેલ સિપાઈએ બરાબર ચેક કરી ટિફિન અંદર મોકલ્યુ છે. યુસુફે ટિફિન તો હાથમાં લીધુ પણ તેનું મન જેલની બહાર દોડી ગયુ હતું. તે વિચાર કરવા લાગ્યો હતો, તેના ઘરેથી કોણ ટિફિન આપવા આવ્યુ હશે? તેના ઘરના લોકો આજે પણ તેને ભુલ્યા ન્હોતા અને ખાસ કરી આજના દિવસે તેને યાદ કરી ટિફિન આપવા આવ્યા હતા. તેના ગળામાં ડુમો બાજી રહ્યો હતો, હજી તેણે થોડીવાર પહેલા મહંમદને કહ્યુ હતું, કે તેને કંઈ થયુ નથી પણ જે વાત તે છુપાવવા માગતો હતો તે વાત ફરી વખત તેની સામે આવી હતી, તે કઈ બોલ્યો નહીં, ઉંઘો ફરી બેરેક તરફ ટિફિન લઈ ચાલવા લાગ્યો. તેણે જોયુ તો તેના સાથીઓ સહિત બધા જ કેદીઓ બેરેકના દરવાજમાં ઉભા રહી યુસુફને જોઈ રહ્યા હતા. બેરેકના દરવાજમાં ઉભા રહેલા કેદીઓની વચ્ચે થઈ પોતાની જગ્યા ઉપર આવ્યા, ટિફિન બાજુમાં મુક્યુ અને નમાઝ પઢતો હોય તેવી મુદ્રામાં પોતાના પગ ઉપર બેઠો અને ત્યાર જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મહંમદ સહિત બધા તેની પાસે આવ્યા, મહંમદે રડી રહેલા યુસુફની પીઠ ઉપર હાથ મુક્યો. હવે મહંમદ તેને એક વખત રડી દેવા માગતો હતો. પરવેઝ ઉભો થયો અને પાણીનો ગ્લાસ ભરી આવ્યો. મહંમદે તેના હાથમાંથી ગ્લાસ લીધો, મહંમદને એક હાથ યુસુફની પીઠ ઉપર હતો, બીજો હાથમાં પાણીનો ગ્લાસ હતો., થોડીવાર પછી મહંમદે યુસુફને કહ્યુ પાણી પીલે, યુસુફને ખુલ્લા મને રડી લીધા પછી સારૂ લાગ્યુ હતું. તેણે પાણીનો ગ્લાસ લીધો, પાણી પીધુ અને આંખો લુંછી નાખી હતી.

થોડીવાર પછી જેલનું જમવાનું પણ આવ્યુ. બધા કેદીઓ કતારમાં ઉભા રહી પોતાનું જમવાનું લઈ જમવા બેઠા હતા. યુસુફ અને તેના સાથીઓ પણ જમવાનું લઈ રોજ પ્રમાણે કુંડાળુ કરી બેરેકમાં જમવા બેઠા. જેવુ યુસુફે ટિફિન ખોલ્યુ તેની સાથે આખી બેરેકમાં એક ખુશબુ પ્રસરી ગઇ, દુર જમવા બેઠેલા બીજા કેદીઓના નાક પણ નક્કી કરી શકતા હતા કે યુસુફના ટિફિનમાં લિજ્જતદાર બિરીયાની આવી હતી. યુસુફે ટિફિનમાંથી બિરીયાની કાઢી પોતાના સાથીઓના થાળીમાં પીરસવાની શરૂઆત કરી. યુસુફના સાથીઓ વર્ષો પછી આવી લિજ્જતદાર બિરીયાની જમી રહ્યા હતા. બધાના ચહેરા ઉપર એક સંતોષનો ભાવ હતો. યુસુફ બિરીયાની જમી રહેલા પોતાના સાથીઓના ચહેરા ઉપરનો સંતોષ વાંચી શકતો હતો, તેને મનમાં સારૂ લાગી રહ્યુ હતું. તે કેમ રડ્યો તેવુ તેને કોઈએ પુછ્યુ ન્હોતુ, પણ હવે બિરીયાની જમ્યા અને જમાડ્યા પછી તેનું મન હળવુ હતું. તેણે મહંમદ સામે જોતા કહ્યુ આજ મેરી મુમતાઝ દસ સાલ કી હો ગઈ, ઉસકી બહુત યાદ આ રહી હૈ, યહા આયા તબ વો દો સાલ કી થી. આજે યુસુફની દીકરીની મુમતાઝનો જન્મ દિવસ હતો તેના કારણે તે દીકરીને યાદને કારણે ડિસ્ટર્બ થઈ ગયો હતો.

યુસુફના અબ્બુને ખબર હતી કે જેલમાં યુસુફને ટિફિન આપવાની મંજુરી નથી પણ આજે પોતાની પૌત્રીનો જન્મ દિવસ હતો અને તેનો બાપ જેલમાં હતો. એટલે તે સવારના સાડા સાત વાગ્યાથી ટિફિન લઈ જેલની બહાર બેઠા હતા. જેલ સિપાઈએ યુસુફનું ટિફિન છે તેવુ સાંભળતા ટિફિન લેવાની ના પાડી દીધી હતી. યુસુફના અબ્બુ વિનંતી કરતા રહ્યા પણ સિપાઈ માન્યો જ નહીં. સિપાઈને તેણે પૈસા આપવાની પણ વાત કરી ત્યારે સિપાઈએ ગુસ્સો કરતા કહ્યુ ચાચા મારી નોકરી ખાઈ જવી છે? તમારો દિકરો કંઈ રાજા હરીશચંદ્ર નથી તો હું તેનું ટિફિન લઇ લઉ. યુસુફના અબ્બુ સુપ્રિટેન્ડન્ટ વસાવાની રાહ જોતા ઉભા રહ્યા. સાડા આઠ વાગે જેવા સુપ્રિટેન્ડન્ટની કાર આવી તેની સાથે તે ટિફિન લઈ વસાવા સાહેબને મળવા દોડ્યા, તેમણે હાથ જોડી, વિનંતી કરી પણ વસાવા પણ માન્ય નહીં. યુસુફના અબ્બુની આંખમાં આંસુ આવી ગયા, તેમણે બે હાથથી પકડી રાખેલુ ટિફિન બતાડતા કહ્યુ સાહેબ આજે યુસુફની દીકરીનો જન્મ દિવસ છે. આજનો દિવસ મહેરબાની કરો,સાહેબ યુસુફની દીકરીનો જન્મ દિવસ છે, યુસુફના અબ્બુની આંખમાં આસુ અને દીકરીના જન્મ દિવસની વાત સાંભળી જેલમાં દાખલ થઈ રહેલા વસાવાએ બાજુમાં રહેલા સિપાઈને આદેશાત્મકભાષામાં કહ્યુ ટિફિન લઈ લે, પણ બરાબર ચેક કરી અંદર મોકલજે. યુસુફના પિતાએ આંસુ લુંછતા ટિફિન સિપાઈને આપ્યુ અને વસાવાનો આભાર માન્યો પણ વસાવા તેમનો આભાર સ્વિકારવા માટે પણ ઉભા રહ્યા નહીં.

(ક્રમશ:)

ભાગ-13 વાંચો યુસુફ ઉર્ફે બટકે બેરેકના બાથરૂમમાં ગયો અને ધ્રુસકે ધુસકે રડવા લાગ્યો હતો