પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ- ભાગ-13): સવારે ઉઠ્યા પછી યુસુફ ગુમસુમ બેઠો હતો. સવારથી તેણે કોઈની સાથે વાત કરી ન્હોતી. સવારની ચ્હા આવી ત્યાં સુધી તે બેરેકમાં જ બેસી રહ્યો હતો. ચ્હા લેવા માટે તે બેરેકની બહાર ગયો અને ચ્હા લઈ લીમડાના ઝાડ નીચેના ઓટલા ઉપર બેસી રહ્યો હતો. આમ તો રોજ સવારે ચ્હા આવે એટલે સૌથી પહેલા ઉત્સાહ બટકેને જ થતો હતો કારણ તે ચ્હાનો શોખીન હતો. દરિયાપુરમાં તેની સાયકલની દુકાન સામે જ ગોપાલની કિટલી હતી. ગોપાલ તેની સાથે જ સ્કૂલમાં ભણતો હતો, તે પણ યુસુફ જેવો જ ભણવામાં હતો, તે પણ ભણ્યો નહીં તેના કારણે તંબુ ચોકી પાસે જ ચ્હાની કિટલી શરૂ કરી હતી. ગોપાલના હાથમાં જાદુ હતો તેવુ બટકે માનતો હતો. ઘરેથી દુકાન ઉપર આવે એટલે સીધો તે ગોપાલની કિટલીએ જતો, ગોપાલ યુસુફને જોતાની સાથે તેની ચ્હા ભરતો છતાં બટકે તેને બુમ પાડી કહેતો ગોપાલડે એક કટીંગ લગા. ગોપાલ જે રીતે યુસુફ તેને ગોપાલડે કહેતો તે સાંભળી ગુસ્સે થતો અને ચ્હા આપવા આવે ત્યારે છણકો કરતા કહે સાલે મીયાભાઈ કૌનસી હિન્દી બોલતે હો, મુઝે ખબર નહીં. બટકે હસી પડતો અને ચ્હાની ચુસકી મારવા લાગતો, પછી તો દર કલાકે ગોપાલની ચ્હા આવી જ જતી. જેલમાં આવ્યા પછી બટકેને સૌથી પહેલી કોઈ તકલીફ પડી તો તેને ગોપાલના હાથ જેવી ચ્હા મળતી ન્હોતી. જો કે આજે તેને આઠ વર્ષ થઈ ગયા હતા, તે ગોપાલની ચ્હા ભુલી ગયો હતો. આમ છતાં ચ્હાનો શોખ યથાવત રહ્યો હતો. સવારના છ વાગ્યાથી ક્યારેય સાત વાગે અને પાણીવાળી ચ્હા આવે તેની રાહ જોતો હતો.

પરંતુ આજે જાણે તેને ચ્હા પીવાની પણ ઉતાવળ ન્હોતી, તે ચ્હાનો ગ્લાસ લઈ ઓટલા ઉપર બેસી રહ્યો હતો. તેને ધ્યાન જ ના રહ્યુ કે તેની ચ્હા ઠંડી થઈ ગઈ છે. તેણે ઠંડી થઈ ગયેલી ચ્હાનો ગ્લાસ મોંઢે માંડી એક જાટકે ચ્હા પી ગયો ત્યારે પરવેઝ લંગડો ત્યાં આવ્યો. તેણે યુસુફને જોતા પુછ્યુ શુ થયુ, બટકે કેમ મોંઢુ લટકાવી બેઠો છે. યુસુફે તેની સામે જોયુ પણ કોઈ જવાબ આપ્યો નહીં. પરવેઝને લાગ્યુ કે મામલો ગંભીર છે, કારણ બટકે તેમની ટોળીમાં સૌથી નાનો અને તોફાની હતો, તે કોઈની અને કોઈની મશ્કરી કરતો રહેતો હતો, પણ આજે યુસુફ રોજ કરતા જુદો હતો. પરવેઝે તેના ખભા ઉપર હાથ મુક્યો અને યુસુફની આંખમાં જોતા પુછ્યુ શુ થયુ, બટકે, મને તો કહે, યુસુફને લાગ્યુ કે તેની આંખોમાં આંસુ દોડી આવશે, એટલે તે એકદમ ઉભો થયો અને બેરેક તરફ ચાલવા લાગ્યો પાછળ લંગડા પગે પરવેઝ રીતસર તેની પાછળ દોડ્યો અને બટકે બટકે બુમો પાડતો રહ્યો પણ તેણે પાછુ વળી જોયુ નહીં.

બટકે બેરેકમાં ગયો અને પોતાના ન્હાવાનો સાબુ અને કપડાં લઈ તે બેરેકની અંદરની બાથરૂમ તરફ જવા લાગ્યો. પરવેઝ હજી બેરેકના પગથીયા ચઢી બેરેકમાં આવે તે પહેલા યુસુફને તેણે બાથરૂમ તરફ જતા જોયો. પરવેઝ તેની પીઠ તરફ જોતો રહ્યો, પરવેઝ જે રીતે બેરેકમાં યુસુફની પાછળ દોડતો આવ્યો તેના કારણે મહંમદ અને યુનુસનું ધ્યાન પરવેઝ તરફ ગયુ. મહંમદ તેની જગ્યા ઉપર બેસી પરવેઝ સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો હતો પણ યુનુસ ઉભો થઈ પરવેઝ પાસે આવ્યો તેણે પણ શુ થયુ તેવા ભાવ સામે પરવેઝ સામે જોયુ. પરવેઝે કહ્યુ યુનુસભાઈ આજ બટકે મુઝે ઠીક નહીં લગતા, કોઈ પ્રોબલેમ હુવા હૈ. યુનુસ વિચાર કરવા લાગ્યો એટલે પરવેઝે કહ્યુ મેને ઉસકો પુછા લેકિન કુછ બોલા નહીં, સીધા ન્હાને ચલા ગયા. યુનુસને પણ પરવેઝની ચિંતા સાચી લાગી, તેને પણ સવારથી યુસુફને શાંત જોયો હતો પણ ત્યારે તેને કઈ જુદુ લાગ્યુ નહીં પણ હવે સવારના આઠ વાગી રહ્યા હતા, પણ યુસુફે પોતાના એક પણ સાથી સાથે કોઈ શબ્દની વાત કરી ન્હોતી. ઝડપભેર બાથરૂમમાં પહોંચી ગયેલા યુસુફે બાથરૂમનો અડધો દરવાજો બંધ કર્યો. જેલમાં સંડાસ-બાથરૂમને આખા દરવાજા હોતા નથી, તેની પાછળનું કારણ એ હોય છે કે કોઈ કેદી આત્મહત્યાનો પ્રયાસ કરે તો બેરેકમાં કોઈ પણ જોઈ શકે. બાથરૂમનો દરવાજો બંધ કરતા યુસુફ ચોંધાર આસુએ રડી પડ્યો, તેને ક્યારનું જાણે રડવુ હતું પણ રડી શકતો ન્હોતો. તે લગભગ ચાર-પાંચ મિનિટ સુધી રડતો રહ્યો હતો, તેને રડતાં રડતાં મહંમદે એક મહિના પહેલી વાત સાચી લાગી હતી, આજે તેને લાગી રહ્યુ હતું કે મહંમદે જે કહે છે તે કરવુ જ જોઈએ, તેના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ત્યાર બાદ તેણે ઝડપથી ન્હાવા ખાતર નાહી લીધુ અને શરીર ઉપર પાણી રેડી તેના કપડાં બદલી બેરેકની બહાર આવ્યો, તે બેરેકની બહાર આવ્યો ત્યારે તેના બધા જ સાથીઓ તેની સામે જોઈ રહ્યા હતા. જાણે તેઓ પહેલી વખત જોઈ રહ્યા હોય. બધાએ મહંમદ સામે જાણે બધા તેને કહેવા માગતા હતા તમે વાત કરોને, મહંમદ ઉભો થઈ યુસુફ પાસે આવ્યો. યુસુફે પણ જાણે કોઈને જોયા નથી, તેમ નીચે બેસી પોતાના થેલામાં કંઈક મુકી રહ્યો હોય તેવો ડોળ કર્યો હતો. મહંમદ તેની પાસે આવ્યો તે પલાઠીવાળી તેની પાસે બેઠો તેણે બંન્ને ખભેથી યુસુફને પકડતા પુછ્યુ મેરે બટકે ક્યા હુવા? યુસુફે તેની સામે જોયુ અને નીચી નજર કરી માથુ હલાવી કંઈ નહીં તેવો ઉત્તર આપ્યો. મહંમદે તેની દાઢીને ઉપર તરફ કરતા કહ્યુ મેરે સે ભી જુઠ બોલેગા, તેરી આંખે દેખ કિતની લાલ હો ગઈ હૈ. યુસુફ હજી પણ શાંત હતો. મહંમદે પોતાના સાથીઓ તરફ જોયુ, બધાના ચહેરા ઉપર ચિંતા હતી પણ યુસુફ કંઈ કહેવા જ તૈયાર ન્હોતો. યુસુફને લાગ્યુ કે જો તે આ પ્રકારનો ચહેરો રાખશે અને પોતાની લાલ આંખો જોઈ બધા માની લેશે કે તે રડ્યો છે. ગરબડ થઈ જશે અને બધાને સાચુ કારણ કહેવુ પડશે.

મહંમદ પોતાની તકલીફ વિશે કોઈને જ કહેવા માગતો ન્હોત. મહંમદને તકલીફ પડે એટલે એકલા થઈ જવુ. શાંત બેસી રહેવુ તેનો સ્વભાવ હતો પણ હવે આઠ વર્ષથી સાથે રહેતા તેના સાથીઓ પણ તેને ઓળખી ગયા હતા. બેરેકમાં રહેલા અન્ય કેદીઓને પણ હવે લાગ્યુ કે આ આઠની ટોળીમાં કંઈક ગરબડ થઈ છે. કદાચ અંદર અંદર ઝઘડ્યા છે, તેના કારણે બટકે શાંત બેઠો છે. કેટલાક કેદીઓ ત્રાસી નજરે પણ બટકે અને તેની આસપાસ બેઠેલા તેના સાથીઓ તરફ જોઈ લેતા હતા. બટકે માટે આ સ્થિતિ અસહ્ય હતી, તે એકદમ ઉભો થયો અને મોટે મોટેથી હસવા લાગ્યો. બધા તેની સામે આશ્ચર્યની નજરે જોઈ રહ્યા, તે એટલે મોટેથી હસવા લાગ્યો હતો કે બેરેકના તમામ કેદીઓની નજર અને કાન હવે બટકે તરફ હતા. બટકેને હસતો જોઈ પરવેઝ ઉભો થયો અને બટકેને પકડી હલાવી નાખતા પુછ્યુ શુ થયુ કેમ હસે છે? એટલે બટકે ગીત ગાવા લાગ્યો, એપ્રિલ ફુલ બનાયા, તુમકો ગુસ્સા આયા.. બધા આ ગીત સાંભળી હસી પડ્યા હતા પણ મહંમદને ખબર હતી કે યુસુફ જુઠ્ઠુ બોલી રહ્યો છે. તે હસવાનો ડોળ ભલે કરે છે, તેનું હ્રદય રડી રહ્યુ હતું. વાત સાચી પણ હતી પણ યુસુફ પોતાની વેદનામાં કોઈને ભાગ આપવા માગતો ન્હોતો. (ક્રમશ:)

દીવાલ ભાગ 12 મહિલા પ્રોફેસર અને મહંમદની નજર એક થતી અને પ્રોફેસરના શરીરમાંથી વીજળી પસાર થઈ જતી, કેમ...

દીવાલ ભાગ 11 જજ દરેક વખતે પુછતાં જેલ અધિકારીઓ સામે તમારી કોઈ ફરિયાદ છે? બધાનો જવાબ રહેતો...