પ્રશાંત દયાળ (દિવાલઃ ભાગ-12): યુનુસનું ધ્યાન મહંમદની હરકતો અને નજર ક્યાં ફરી રહી છે, તેની ઉપર હતું. તેને મહંમદના મનમાં ચાલી રહેલી રમતનો થોડો અંદાજ આવવાની શરૂઆત થઈ હતી. તેનું હ્રદય વધારે ઝડપથી ધબકવા લાગ્યું હતું. તેને લાગ્યું કે મહંમદના મનમાં જે ચાલી રહ્યું છે અને પોતાને સમજાઈ રહેલી વાત જો એ જ હોય તો મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ અત્યાર સુધી યુનુસે કયારેય મહંમદની કોઈ વાત પર શંકા કરી ન્હોતી. મહંમદ જે નિર્ણય કરે તો સાચો જ હશે તેમ કહી તેણે પોતાના મનને સમજાવી લીધું હતું, તે બધા હવે પોતાની નવી સ્કૂલમાં દાખલ થઈ રહ્યા હતા. જેને જેલની ભાષામાં કૌશલ્યવર્ધન કેન્દ્ર નામ આપવામાં આવ્યું હતું. જેલમાં ચાલતા વિવિધ અભ્યાક્રમમાં અનેક કેદીઓ ભણતા હતા. જેમાં કેટલાક કેદીઓએ તો દસથીબાર ડીગ્રીઓ મેળવી હતી, પણ પહેલી વખત મહંમદ અને તેના સાથીઓ આ અભ્યાક્રમમાં જોડાયા હતા. આઠ વર્ષ જેલમાં થયા હોવા છતાં પહેલી વખત તેમણે ભણવાનો નિર્ણય કર્યો હતો જેને જેલના કેટલાક અધિકારીઓ શંકાની નજરે જોઈ રહ્યા હતા. જેલના જે સીપાઈ તેમને બેરેકથી કૌશલ્ય કેન્દ્ર સુધી લઈ આવ્યા હતા. તેમની નજરમાં પણ શંકા હતી, મહંમદની પાછળ ચાલી રહેલા જેલ સીપાઈની ચર્ચા મહંમદના કાને પડી, મહંમદને સમજાઈ ગયું કે, આ જેલ સીપાઈ તેમના નવા નિર્ણય અંગે જ ચર્ચા કરી રહ્યા હતા, પણ એક વાકય મહંમદના કાને પડ્યું તે સાંભળી મહંમદ છળી ઉઠયો હતો. એક જેલ સીપાઈએ બીજા સીપાઈને કહ્યું આ કઈ ભણવાના નથી અને આ કઈ સુધરવાના નથી.

મહંમદ પાછળ વળી પાછળ આવી રહેલા જેલ સિપાઈને જવાબ આપવા માગતો હતો, પણ ત્યારે જ તેના કાને એક મધુર સંગીતનો અવાજ સંભળાયો, તેના પગ અચાનક થંભી ગયા, વૈષ્ણવજન તો તેને કહીએ રે જે પીરપરાઈ જાણે રે.. મહંમદે આ ભજન અગાઉ પણ સાંભળ્યું હતું, પણ તેને કયારેય આ ભજન આકર્ષક લાગ્યું ન્હોતું, પણ આજે કેમ ખબર નહીં, આ ભજન તેના હ્રદયમાં એક પ્રકારની શાંતિ પ્રસરાવી રહ્યું હતું. તેણે કયાંથી ભજનનો અવાજ આવે છે, તે સાંભળવા માટે ચારે તરફ નજર દોડાવી, પણ તેને ખબર પડી નહીં, કે ભજન ક્યાં ગવાઈ રહ્યું છે.

મહંમદને ઉભો રહેલો જોઈ અને તેની ફરતી નજરથી પાછળ ઉભા રહેલા જેલ સીપાઈ સમજી ગયા, તેણે મહંમદને કહ્યું ગાંધી ખોલીમાં રોજ બાપુના ભજન થાય, છે તેણે હાથનો ઈશારો કરતા કહ્યું બાજુમાં જ ગાંધી ખોલી છે. મહંમદ જોઈ રહ્યો, લીમડાના ઘટાદાર વૃક્ષોની વચ્ચે ઢળતા નળીયા અને બેઠા ઘાટનું મકાન હતું, મહાત્મા અહીં રહ્યા હતા, એક અજાણી શાંતિનો તેને અહેસાસ થયો.

કૌશલ્ય કેન્દ્રમાં દાખલ થતાં જેલ સીપાઈએ એક પછી કેદીને તેમણે જે અભ્યાસક્રમના ફોર્મ ભર્યા હતા, તે પ્રમાણે બધાને અલગ કરી દીધા હતા. મહંમદ એમએ વીથ ઈગ્લીશના કલાસમાં જતો રહ્યો, એક મહિલા પ્રોફેસર લેકચર લેવા આવ્યા હતા. એક પછી એક કેદીએ પોતાનો પરિચય આપવાનો હતો. જ્યારે મહંમદને પોતાના પરિચય આપવાનો વારો આવ્યો ત્યારે તેણે પોતાનું નામ અને કયા ગુનામાં અંદર છે, તેનો ઉલ્લેખ પણ કર્યો, જેવું મહંમદનું વાકય પુરૂ થયું, તેની સાથે તમામ કેદીઓ નજર મહંમદ તરફ ફરી, મહિલા પ્રોફેસર પણ એક ક્ષણ મહંમદના ગુનો જાણી સ્તબ્ધ થઈ ગયા, પણ બીજી જ ક્ષણે પ્રોફેસરે પહેલા મહંમદ સામે અને પછી બીજા કેદીઓ સામે જોતા કહ્યું તમે કયા ગુનામાં આવ્યા છો? તેની સાથે મારે કોઈ નીસ્બત નથી. મારૂ કામ તમને અહીં ભણાવવાનું છે અને તમારી આવતીકાલ સારી થાય તે માટે મારે પ્રયત્ન કરવાના છે. વાકય પુરૂ થતાં પ્રોફેસર અને મહંમદની નજર એક થઈ, તે પ્રોફેસરની વાત સાંભળી મનમાં હસ્યો અને મનોમન બબડયો, આવતીકાલ સારી કેવી રીતે થશે, અહીંથી બહાર નિકળીશું તો સારી સવારની શરૂઆત થશે. મહંમદ ધ્યાન રાખી લેકચર સાંભળી રહ્યો હતો, પણ જ્યારે મહિલા પ્રોફેસર અને મદંમદની નજર એક થાય ત્યારે પ્રોફેસરના શરિરમાંથી જાણે વિજળી પસાર થઈ જતી હોય તેવો અનુભવ થતો હતો. પ્રોફેસરને ખબર પડતી ન્હોતી કે આવું કેમ થઈ રહ્યું છે. તેણે અગાઉ પણ અનેક કેદીઓને ભણાવ્યા હતા. કદાચ મહંમદનો ગુનો એટલો ભયંકર હતો કે કદાચ તેના કારણે ડર લાગી ગયો હતો. કદાચ તેવું ન્હોતુ, મહંમદની નજરમાં એક પ્રકારની સૌમ્યતા હતી અને તેનો ગુનો એટલો જ ભયંકર, જેના કારણે કદાચ મહંમદ ખોટું બોલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. મહંમદ જેલમાં આવ્યો ત્યાર બાદ એટલે કે આઠ વર્ષે તેણે પહેલી વખત મહિલા જોઈ હતી, મહંમદને પોતાની બેગમ આયત યાદ આવી ગઈ, મહંમદે આયતને યાદ કરવાનું જ છોડી દીધુ હતું, કારણ આયતની યાદ તેના મનને વ્યાકુળ કરી મુકતી હતી.

મહંમદ અને આયત કોલેજમાં સાથે ભણતા હતા, મહંમદે એલએલબી પુરુ કરી ભોપાલમાં પ્રેક્ટીસ કરવાની શરૂઆત કરી ત્યારે મહંમદના પિતાએ તેને નિકાહ કરી લેવાની સલાહ આપી હતી. જો કે મહંમદના મનને પસંદ પડે તેવું કોઈ પાત્ર તેને મળ્યું ન હતું, એક દિવસ એક પરિચત મહંમદના પિતા પાસે પ્રસ્તાવ લઈ આવ્યા કે એક સારી, ભણેલી છોકરી છે, તારી માટે એકદમ અનુકુળ છે, મહંમદની અનેક ના છતાં તે પિતાનું મન રાખવા માટે છોકરી જોવા ગયો અને તેણે ત્યાં જઈ જોયું તો તે આયત હતી. બંન્ને એકબીજાને જોતા જ રહી ગયા. મહંમદને લાગ્યું કે બસ તે કદાચ આવી જ બેગમની રાહ જોતો હતો, પણ કોલેજમાં કયારેય તેને આયત વિશે વિચાર જ ન્હોતો અને મહંમદ અને આયતના નિકાહ થયા હતા. જે દિવસે અમદાવાદ અને ભોપાલ પોલીસ તેના દરવાજે આવી ઉભી રહી ત્યારે પહેલા તો આયતને જરા પણ ડર લાગ્યો ન્હોતો, કારણ મહંમદ ક્રિમીનલ પ્રેકટીસ કરતો હોવાને કારણે પોલીસની અવરજવર તો રહેતી હતી, પણ જેટલી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હતો અને પોલીસ અધિકારીએ મહંમદને પોતાની સાથે આવવુ પડશે તેવું કહેતા આયત મહંમદની આગળ આવી ઉભી રહી ગઈ હતી. તેણે પોલીસ અધિકારીને ઠપકો આપતી હોય તે રીતે કહ્યું તમે મારા શૌહર કોણ છે જાણતા નથી, ભોપાલના એક મોટા લોયર છે. તમારે કોર્ટમાં જવાબ આપવાની ભારે થઈ જશે, મહંમદ શાંત હતો, તેણે આયતને રોકવાનો પ્રયાસ કર્યો પણ તે લડી લેવાના મુડમાં હતી, ભોપાલના પોલીસ અધિકારીએ આયતને સમજાવતા કહ્યું દેખો મોહતરમા, હમે હમારા કામ કરને દીજીએ, હમ મહંમદસાબ કો જાનતે હૈ, લેકીન અહમદાબાદ પુલીસ કે પાસ વોરંટ હૈ, તેમ કહી ભોપાલના અધિકારીએ અમદાવાદ પોલીસના હાથમાં રહેલું વોરંટ લઈ આયતને બતાડયું હતું. આયતે વોરંટ હાથમાં લીધુ અને તે વોરંટ જોતા ભાંગી પડી હતી, વોરંટ ઉપર કયા ગુનામાં મહંમદ સંડોવાયેલો છે, તેનો ઉલ્લેખ હતો

આયતની આંખોમાં ચૌંધાર આંસુ પડવા લાગ્યા તેણે પોલીસ અધિકારીઓને રડતા રડતા કહ્યું નહીં સાબ આપકી કોઈ ગલતી હુઈ હૈ, મહંમદ ઐસા કામ કરી હી નહીં શકતે, જ્યારે પોલીસ અધિકારી મહંમદને બાવડેથી પકડી નિકળ્યા ત્યારે રડતી આયતે મહંમદનો ખભો પકડી પુછયું મહંમદ આપ તો બોલો પુલીસ વાલે જુઠ બોલ રહે હૈ, પણ મહંમદે કોઈ જવાબ આપ્યો નહીં, મહંમદનું ચુપ રહેવું આયત માટે મોટો આધાત હતો, આયત મહંમદના જ ઘરમાં રહે છે, તેના બાળકો અને મહંમદના વૃધ્ધ માતા-પિતાનું ધ્યાન રાખે છે, પણ તે મહંમદને મળવા અમદાવાદ સેન્ટ્રલ જેલ એક પણ દિવસ આવી ન્હોતી.

 

(ક્રમશ:)

ભાગ 11: જજ દરેક વખતે પુછતાં જેલ અધિકારીઓ સામે તમારી કોઈ ફરિયાદ છે? બધાનો જવાબ રહેતો...