પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ ભાગ-11): સાબરમતી સેન્ટ્રલ જેલમાં દાખલ થાવ તેની સાથે અંગ્રેજોના સમયના મોટા દરવાજામાંથી પસાર થઈ તમારે જેલમાં જવુ પડે. જેલના મુખ્ય દરવાજાની અંદર જેલ સિપાઈનો જાપ્તો રહે છે. આ દરવાજામાંથી અંદર આવવા માટે દરવાજા ઉપર બેઠેલા સુબેદાર મંજુરી આપે તો જ અંદર આવી શકાય છે. જો કે જેલમાં દાખલ થનાર તમામના નામની સુબેદાર નોંધ કરે છે. જો અંદર આવનાર પાસે ફોન અથવા પૈસાનું પર્સ હોય તો અહિંયા જમા કરાવ્યા વગર એન્ટ્રી થતી નથી. જેલમાં ફરજ ઉપરના અધિકારીઓની પણ એક કર્મચારી નોંધ કરતા હોય છે, તેઓ પણ ફોન અને પૈસા સાથે જેલમાં પ્રવેશ કરી શકતા નથી. જેલ અધિકારીઓ આ દરવાજામાં અંદર દાખલ થાય પછી બીજા લોંખડી દરવાજાને પાર કરી સીધા જેલના અંદરના ભાગમાં જઈ શકે છે, પણ સિપાઈ, કેદીઓ અને બહારની કોઈ વ્યક્તિને પ્રવેશ કરવા માટે જમણી તરફના નાના દરવાજાનો ઉપયોગ કરવો પડે છે. ત્યાં હાજર એસઆરપી જવાન હાથનો સ્પર્શ કરી પગથી માથા સુધી શરીરની જડતી કરી પ્રવેશ આપે છે. મુખ્ય દરવાજો પસાર કરી તમે જેવા અંદર જાવ તેની સાથે એક રસ્તો સીધો જાય છે. જેલની અંદર પણ પાકા રસ્તા છે, સીધો જતો રસ્તો ઓપનએર થીયેટર અને 200 ખોલી તરફ જતો હતો. સીધા જતા રસ્તાની જમણી તરફ તિલક બેરેક આવેલી છે જ્યાં લોકમાન્ય તિલકને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈ દરમિયાન રાખવામાં આવ્યા હતા. તિલક બેરેકની બરાબર સામે મહિલા યાર્ડ છે. જેની ઉપર લોંખડનો મોટો દરવાજો લગાવવામાં આવ્યો છે તે દરવાજામાંથી અંદર જોઈ પણ શકાય નહીં તેવા પ્રકારનો દરવાજો છે. બહારથી પસાર થતાં જેલ અધિકારી અને કેદીઓ મહિલા બેરેકમાં રાખવામાં આવેલી મહિલા કેદીઓને ક્યારેય જોઈ શકતા નથી. મહિલા બેરેકની અંદર સુરક્ષા માટે મહિલા પોલીસ જ તૈનાત હોય છે. મહિલા બેરેક અને તિલક યાર્ડની આગળ જતાં તિલક યાર્ડને અડી એક ખુલ્લી બેરેક છે. જો કે ત્યાં કોઈ કેદીને રાખવામાં આવતા નથી. ક્યારેય જેલ અધિકારીઓ કેદીઓને કોઈ સૂચના આપવા માગતા હોય તો આ યાર્ડના ખુલ્લા મેદાનમાં કેદીઓને લાવવામાં આવે છે.

જ્યારે જેલમાં દાખલ થયા પછી પાકો રસ્તો જે જમણી તરફ જાય છે તે રસ્તા ઉપર જેલની અંદર પ્રવેશ કરતા માત્ર મોટા વાહનોને ચેકિંગ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. વાહનોના પ્રવેશ માટે મોટો ગેટ છે. આ ગેટ ઉપર કોઈ વાહન પ્રવેશ કરવા આવે ત્યારે ગેટ ઉપર રહેલો સુબેદાર વોકીટોકી દ્વારા જેલના કંટ્રોલરૂમને વાહનના નંબર અને વાહન ક્યા કારણે પ્રવેશ કરવા માગે છે તેની જાણકારી આપી. વાહનના પ્રવેશ માટે મંજુરી માંગે છે, મંજુરી મળે તેની સાથે જેલ સિપાઈ ડ્રાઈવર સહિત આખા વાહનનું ચેકિંગ કરી તેને ગેટમાં પ્રવેશ આપે છે. જો કે જેવું તે વાહન જેલમાં પ્રવેશ કરે તેની સામે બીજો મોટો ગેટ આવે છે, જે બંધ હોય છે. પહેલો ગેટ બંધ કરી દીધા બાદ વાહન બે ગેટ વચ્ચે રોકાય છે. આ જેલનો આંતરીક ભાગ છે, ત્યાં ફરી જેલ સિપાઈ બીજી વખત વાહન અને ડ્રાઈવરનું ચેકિંગ કરે છે, તેને સંતોષ થાય તો કંટ્રોલરૂમને વોકીટોકી ઉપર મંજુરી માંગી વાહનને પ્રવેશ આપે છે. વાહન પરત નિકળે ત્યારે પણ આવું જ ચેકિંગ થાય છે કારણ આ વાહનમાં સંતાઈ કોઈ કેદી ભાગવાનો પ્રયત્ન પણ કરી શકે છે.

જેલના મુખ્ય દરવાજાથી ડાબી તરફ જવાનું બધા જ કેદીઓને પસંદ છે કારણ ડાબી તરફ પચ્ચીસ મીટર ચાલો એટલે પાકા રોડની જમણી તરફ કૌશલ્ય કેન્દ્ર છે. જ્યાં જેલ દ્વારા વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. પાકા રોડની જમણી તરફ બેરેક છે જ્યારે ડાબી તરફ જેલની તોંતિંગ દિવાલ છે. કૌશલ્ય કેન્દ્ર પછી તરત સરદાર યાર્ડ આવે છે. જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલને રાખવામાં આવ્યા હતા. સરદાર યાર્ડ પછી તરત ગાંધી યાર્ડ આવે છે જ્યાં મહાત્મા ગાંધીને રાખવામાં આવ્યા હતા અને તેનાથી આગળ વધો એટલે જેલ ઉદ્યોગની શરૂઆત થાય છે જેમાં કેદીઓ દ્વારા વિવિધ પ્રકારના ઉદ્યોગો ચલાવવામાં આવે છે. આજથી ઈન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટીના કોર્સ શરૂ થતાં હતા જેના કારણે ઓપનએર થીયેટર તરફથી કેદીઓ પોતાની મેળે કૌશલ્યવર્ધન કેન્દ્રમાં આવી રહ્યા હતા. કેદીઓના ચહેરા ઉપર ભણવા મળશે તેની ખુશી હતી. જેલના નિયમ પ્રમાણે જેલની અંદર ફરજ બજવતા જેલ સિપાઈ હથિયારમાં વધુમાં વધુ લાકડી સિવાય કોઈ હથિયાર રાખી શકતા નથી. મહંમદ સહિતના તેના આઠ સાથીઓને લઈ ચાર જેલ સિપાઈ કૌશલ્ય કેન્દ્રમાં આવી રહ્યા હતા. બીજા કેદીઓ બંદી ખુલી હોય ત્યારે એકલા નિકળી શકતા હતા પણ મહંમદ અને તેના સાથીઓને જેલ સિપાઈ અથવા વોર્ડન વગર વોર્ડ છોડવાની મંજુરી ન્હોતી. મહંમદ અને તેના સાથીઓ ધીમા પગલે જેલના મુખ્ય દરવાજા તરફ ચાલી રહ્યા હતા. જો કે એક સાથે બધા બહાર નિકળ્યા હોય તેવું લાંબા સમય પછી થયું હતું. આમ પણ તેમને ઘણા વર્ષોથી કોર્ટમાં લઈ જવામાં આવતા ન્હોતા મહિનામાં એકાદ વખત જજ સાહેબ જ જેલમાં આવી જતા હતા. તેમના માટે કોર્ટ પણ જેલમાં જ શરૂ કરવામાં આવી હતી. પોલીસને ડર હતો કે આ કેદીઓને કોર્ટમાં લઈ જવામાં આવશે તો તેઓ ભાગી જશે, જેના કારણે કોર્ટ પણ જેલમાં આવતી હતી. જજ દરેક વખતે પુછતાં હતા કે બોલો જેલ અધિકારીઓ સામે તમારી કોઈ ફરિયાદ છે? તો બધા મહંમદ સામે જોતા હતા અને મહંમદ કાયમ જવાબમાં ના જ કહેતો હતો.

 આજે મહંમદના ચહેરા ઉપર એક પ્રકારની ખુશી હતી, તેણે જોયું કે બીજા કેદીઓ તેમની તરફ શંકા અથવા કોઈ વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા, પણ તેને તેમની નજરની પડી ન્હોતી. તે જેલનો એક એક ખુણો ધ્યાનથી જોવા માગતો હતો, તેણે તિલક બેરેકનું બોર્ડ પણ જોયું, તેણે સાંભળ્યું હતું કે હવે તિલક બેરેકમાં હિરા ઘસવાની તાલીમ આપવામાં આવે છે, તેનું વાંચન તેના સાથીઓ કરતા સારૂ હતું તિલક બેરેક પાસેથી પસાર થયો ત્યારે જાણે મંદિર પાસેથી પસાર થયો હોય તેમ તેણે તિલક બેરેક તરફ સહેજ માથુ નમાવી પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. જો કે બીજી જ ક્ષણે તે તેને પોતાની જાત ઉપર ગુસ્સો પણ આવ્યો કારણ આ બેરેકમાં તિલક રહ્યા હતા, ત્યાર બાદ કોઈ કેદીને અહિંયા રાખતા ન્હોતા, પણ હત્યા કેસમાં પકડાયેલા મંત્રી અમર ઠાકોરને આ તિલક બેરેકમાં રાખ્યા હતા. ક્યાં લોકમાન્ય તિલક અને ક્યાં મંત્રી અમર ઠાકોર.. જો કે મંત્રીને જેલમાં વીઆઈપી સગવડ મળી રહે તે માટે તેમને તિલક યાર્ડમાં બધા કરતા અલગ રાખવામાં આવ્યા હતા. મહંમદે પોતાના મનમાં આવેલી ધૃણાના ભાવ ખંખેરી નાખી હવે ભણવું છે તે વિષય ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું. તિલક યાર્ડ વટાવી તેઓ જમણી તરફ વળ્યા જ્યાં હવે તેમની સ્કૂલ શરૂ થવાની હતી, તે જોવા ન્હોતો માંગતો છતાં તેનું ધ્યાન ડાબી તરફની તોતિંગ દીવાલો તરફ ગયું, તેને લાગ્યું કે ખુબ ઉંચી દીવાલો છે અને તેની ઉપર જીવતા ઈલેક્ટ્રોક કરંટના વાયરો પણ પસાર થાય છે. અહિંયા સુધી પહોંચવું અશકય જ છે, છતાં હારવાનું નથી તેવું તેણે પોતાની જાતને કહ્યું.

(ક્રમશ:)

દીવાલ ભાગ 10: મહંમદે તેના સાથીઓની મુંઝવણમાં વધારો કરી દીધો, હવે શુ થશે તેની કોઈને ખબર ન્હોતી