પ્રશાંત દયાળ (દીવાલ-ભાગ 10): મહંમદે જમતી વખતે પોતાના સાથીઓને જે વાત કરી ત્યારે લગભગ બધાનું જમવાનું થંભી ગયુ હતું. તેમને ક્યારેય આવો વિચાર સુધ્ધા આવ્યો જ ન્હોતો. જમ્યા પછી કોઈક બેરેકમાં હતા તો કોઈક વોર્ડમાં આવી બેસી ગયા હતા. થોડીવાર પછી બપોરની બંદી થવની હતી કારણ બપોરના બાર થવા આવ્યા હતા પણ જાણે સમય થંભી ગયો તેમ બધાના વિચાર સ્તબ્ધ થઈ ગયા હતા. સૌથી વધુ મુંઝવણ યુસુફ અને પરવેઝની હતી. તેમને લાગી રહ્યુ હતું કે મહંમદ કહેતો નથી પણ તે બધુ તેમના કારણે તે કરી રહ્યો છે. જેલમં આઠ વર્ષમાં તેમને ક્યારેય આવો વિચાર ન્હોતો પણ મહંમદને  તે વિચાર આવ્યો હતો. જો કે હજી મહંમદે પુરી વાત કરી ન્હોતી, તેણે પોતાની ટેવ પ્રમાણે વાતને અધુરી જ છોડી દીધી હતી. છતાં તેની અધુરી વાતે હ્રદયના ધબકારા વધારી દીધા હતા. જો મહંમદે કહ્યુ તેવુ ના થાય તો શુ થશે તેવો સરખો વિચાર તો બધાના મનમાં એક સાથે ચાલી રહ્યો હતો. યુસુફ અને પરવેઝ વોર્ડના લીમડાના ઝાડ નીચે એકલા બેઠા હતા. થોડી થોડી વારે તેઓ એકબીજાની સામે જોઈ રહ્યા હતા, તેઓ એકબીજાને કંઈક કહેવા માગતા હતા પણ તેમના હોઠ ખુલતા અને બંધ થઈ જતા હતા. તેમને ઘણુ બોલવુ હતું પણ જાણે તેમના શબ્દો ખલાસ થઈ ગયા હતા. તેમને ત્યાં બેસી સમયનો અંદાજ જ રહ્યો નહીં. બપોરના 12 વાગ્યા, વોર્ડને બુમ પાડી ત્યારે તેઓ એકદમ ઉભા થઈ ગયા, વોર્ડને ગણતરી કરી બધા કેદીઓને એક પછી બેરેકમાં મુકી બેરેકના લોંખડી દરવાજાને તાળુ મારી દીધુ હતું. આવુ તો છેલ્લાં આઠ વર્ષથી થતુ હતું. આ પહેલા કોઈ દિવસ તેમને માઠુ લાગતુ ન્હોતુ પણ મહંમદની વાત પછી પહેલી વખત વોર્ડન ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. યુસુફને લાગ્યુ તાળુ મારી રહેલા વોર્ડનને એક ફેંટ મારી જમીન ઉપર પાડી દઉ અને જેલમાંથી ભાગી નિકળીએ. જો કે બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે માત્ર બેરેકમાંથી બહાર નિકળી તે ભાગી શકતો નથી કારણ કે જેલની ઉંચી દિવાલો, તેની ઉપર વીજ વાયરો અને દિવાલોની પાછળ પણ સશસ્ત્ર જવાનો સુરક્ષામાં તૈનાત રહેતા હતા, તે જયારે પહેલી વખત જેલમાં આવ્યો ત્યારે તેણે જેલની બહારનો પહેરો પણ જોયો હતો.

યુસુફ પોતાની જગ્યા ઉપર જતો રહ્યો હતો. બધા જ શાંત હતા, કોઈક આડા પડ્યા હતા તો કોઈક દુરદર્શનના કાર્યક્રમો જોઈ રહ્યા હતા. યુસુફે ટીવી સામે જોયુ તો લોકસભામાં ચાલી રહેલી ધમાલના સમાચાર ટીવી ઉપર આવી રહ્યા હતા. તેણે મહંમદ સામે જોયુ, મહંમદ કંઈક લખી રહ્યો હતો, યુસુફનું ધ્યાન તેની તરફ જતા તે એકદમ ચમકી ગયો, તેને લાગ્યુ કે હવે મહંમદ નવો કોઈ નિર્ણય કરે નહીં, તે ઉભો થયો અને મહંમદ પાસે ગયો. તેણે જોયુ તો મહંમદ પોતાના મરોડદાર અક્ષરોથી એક ફોર્મ ભરી રહ્યો હતો. બાજુમાં અચાનક આવી ઉભા રહેલા યુસુફને કારણે મહંમદનું ધ્યાન તેની તરફ ગયુ, તે જમીન ઉપર બેસી ફોર્મ ભરી રહ્યો હતો. તેણે પોતાની ડોકી ફેરવી અને નજર યુસુફ તરફ ફેરવી, તેના ચહેરા ઉપર એક સ્મિત આવ્યુ, તેણે યુસુફ સામે જોઈ ધીમા અવાજે કહ્યુ મેં એમએ વીથ ઈગ્લીશ કરના ચાહતા હું, મેરે ફોર્મ મેં આજ ભર દુગાં આપ સભી ભી અપના ફોર્મ ભર દેના. યુસુફ તરત કહેવા માગતો હતો, મેજર રહેવા દો આ બધુ કંઈ કરવાની જરૂર નથી, તેના હોઠ સુધી આવેલા શબ્દો અટકી ગયા, કારણ મહંમદનો પ્રભાવ જ એવો હતો કે તેની વાત કોઈ ઉથાપી શકતુ ન્હોતુ. તે કઈ બોલ્યો નહીં, મહંમદ ફરી પોતાના ફોર્મને ભરવામાં મુશગુલ થઈ ગયો. યુસુફ ત્યાં જ ઉભો રહ્યો અને થોડીવાર પછી પોતાની જગ્યા ઉપર ગયો અને તેણે પણ પોતાના થેલામાં રહેલુ ફોર્મ જે મહંમદે આપ્યુ હતું તે કાઢ્યુ, તેની તરફ એક વખત નજર કરી અને તે પણ ફોર્મ ભરવા લાગ્યો. જો કે આટલા વર્ષો પછી પહેલી વખત તેણે લખવા માટે પેન ઉપાડી હતી જેના કારણે તેને પોતાનું ફોર્મ ભરવા માટે પુરા બે કલાક લાગ્યા હતા.

યુસુફનું ફોર્મ ભરવાનું પુરૂ થયુ, ત્યારે તેને લાગ્યુ કે જાણે તેણે પહેલી વખત કોઈ મહેનતનું કામ કર્યુ છે. તેનું માથુ ભારે થઈ ગયું કદાચ તેને લખવાની આદત જ જતી રહી હતી. આમ પણ તેના પિતા તેને ભણાવવા માગતા હતા પણ તેને તો ભણવાનું ગમ્યુ જ ન્હોતુ જેના કારણે ભણવાનું છોડી તેણે પિતાની સાયકલની દુકાન ઉપર કામ શરૂ કરી દીધુ હતું. તેને સ્વપ્નમાં પણ અંદાજ ન્હોતો કે તેને નહીં ગમતુ ભણવાનું કામ તેને જેલમાં કરવુ પડશે. છતાં મહંમદને તે ના પાડી શક્યો નહીં. મહંમદનું નામ યાદ આવતા તેણે મહંમદ સામે જોયુ તો તે પોતાનું ફોર્મ ભરી ઘસઘસાટ ઉંઘી રહ્યો હતો. બેરેકમાં કેદીઓની વાતો અને ટીવીના અવાજ વચ્ચે પણ મહંમદને ઉંઘ લાગી ગઈ હતી. યુસુફે બીજા સાથી કેદીઓ સામે જોયુ તો પરવેઝ, ચાંદ-દાનીશ, અબુ રીયાઝ, અને યુનુશ પણ ફોર્મ ભરી રહ્યા હતા. યુસુફને મનમા હસવુ આવ્યુ કારણ મહંમદ સિવાય કોઈને ભણવામાં રસ ન્હોતો. બધાને મહંમદની વાત ઉપર ગુસ્સો આવ્યો હતો પણ કોઈનામાં પણ મહંમદને ના પાડવાની હિમંત ન્હોતી. મહંમદ શુ કામ આવુ કરી રહી રહ્યો છે અને તેની પુરી યોજના શુ હતી તેણે તેનો ફોડ જ પાડ્યો ન્હોતો, છતાં યુસુફનું હ્રદય એકદમ ધબકવા લાગતુ હતું તેને મનમાં ઉંડે ઉંડે ડર પણ લાગી રહ્યો હતો ક્યાંક નવી ઉપાધીનો સામનો કરવો પડે નહીં. યુસુફ વિચારમાં હતો ત્યારે જ ચાવીઓના જુમખાનો અવાજ આવ્યો તેણે બેરેકના લોંખડી દરવાજા તરફ જોયુ તો સીપાઈ ચાવીઓ લઈ બેરેક ખોલી રહ્યો હતો, તેનો અર્થ બપોરના ત્રણ વાગી ગયા હતા અને બપોરની બંદી ખુલી હતી. હજી મહંમદ સુઈ રહ્યો હતો, યુસુફ તેની પાસે ગયો તેની પાસે ઉભડક પગે બેઠો અને તેના ખભા ઉપર હાથ મુકતા તે એકદમ જાગી ગયો, તેણે યુસુફ સામે જોયુ અને પછી તરત બેરેકનો દરવાજો ખુલ્યો કે નહીં તેની ખાતરી કરવા માટે દરવાજા તરફ નજર કરી અને જાણે કંઈક ઉતાવળમાં હોય તેમ ઉભો થઈ ગયો જાણે તેને ક્યાંક જવાનું હોય. (ક્રમશ:)

દીવાલ ભાગ 9: વોર્ડના એક ખુણામાં યુનુસ અને યુસુફ ઉભા હતા પણ જાણે મનમાં શુન્યઅવકાશ છવાયો હતો

દીવાલ ભાગ 8: મહંમદે બેરેકમાં જતા પહેલીવાર હનુમાનજીની દેરી સામે માથુ નમાવી દેરીને વંદન કર્યા

દીવાલ ભાગ 7: આજે કોઈને ખબર ન્હોતી કે મહંમદને જેલના અધિકારીએ શા માટે બોલાવ્યો છે