મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ આંતર રાષ્ટ્રીય માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમનો ખાસ માણસ ગણાતો ફારુક દેવડીવાલા દુબઈથી પકડાયો હોવાનું જાણવા મળ્યું છે. જે સુરત પોલીસના ચોપડે 17 વર્ષથી વોન્ટેડ હતો. 2001ના વર્ષમાં ફારુક સામે ક્રાઇમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ મથકમાં બે ગુના નોંધાયા છે. આ ગુનામાં દાઉદ ઇબ્રાહીમ પણ વોન્ટેડ છે.

2001ના વર્ષમાં બોમ્બ બ્લાસ્ટના કાવતરામાં આરડીએક્સ મગાવવાથી લઈ છેક સુધી ભૂંડી ભૂમિકા ભજવનારા ફારુક ઉર્ફે આલમ અબ્દુલગની દેવડિવાલાએ સુરતના એક ધારાસભ્ય તેમજ તત્કાલીન કોર્પોરેટર નવલ પટેલને ટાર્ગેટ બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. જેથી તેના સહિત દાઉદ ઇબ્રાહીમ સામે ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનો ગુનો ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો હતો. ગુના રજિસ્ટર નં.. 42-2001, આઈપીસીની કલમ 121 અને 122 મુજબ નોંધાયેલા આ ગુનામાં દાઉદ ઇબ્રાહીમ પણ વોન્ટેડ છે. તો સલાબતપુરા પોલીસ મથકમાં ગુના રજિસ્ટર નં. 156-2001, આઈપીસીની કલમ 307,, 120 (બી) મુજબ નોંધાયેલા ગુનામાં પણ ફારુક દેડિવાલાને વોન્ટેડ દર્શાવાયો છે. 

2001ના વર્ષમાં આ રીતે સુરત, મુંબઈ, દિલ્હી સહિત અનેક જગ્યાએ ગુના આચરી ફારુક દેડિવાલા નામ બદલાવીને દુબઈ ભાગી ગયો હતો. જેનું સરનામુ શોધવા એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડની ટીમે સતત મહેનત જારી રાખી હતી. જેવું સરનામું મળ્યું કે તુરંત જ દુબઈ પોલીને જાણ કરી ફારુકની ધરપકડ કરાવી દીધી હતી. ફારુક સામે જે તે વખટે રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યૂ કરવામાં આવી હોવાથી તેનો કબજો મેળવવામાં સરળતા રહેશે.