મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાવનગરના વલ્લભીપુરના પચ્છે ગામમાં તાજેતરમાં ભાવનગરના આરઆર સેલ દ્વારા ગામની સીમમાં જુગાર રમતા કેટલાંક લોકોને પકડી તેમની સામે કેસ કર્યો હતો, પરંતુ હવે આ મામલે રાજકારણ ગરમાયુ છે, આ ગુનામાં પકડાયેલા તમામ દરબાર જ્ઞાતિના હતા. તેમને પોલીસે ગુનો નોંધ્યો અને માર્યા તેમાં પણ વાંધો ન્હોતો પરંતુ પોલીસ દ્વારા કેટલાંક ચોક્કસ વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કઢાયું તેની સામે તેમનો વાંધો હતો. જેના કારણે હવે દરબારો જીદ્દે ચઢયા છે અને જે પોલીસ અધિકારીએ સરઘસ કાઢયું તેની સામે હાઈકોર્ટ સુધી લડી લેવાની તૈયારીઓ શરૂ કરી છે.

સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં આજે પણ દરબારો અને કારડિયા રાજપુતો વચ્ચે ખટરાગ ચાલે છે. જેમાં ભાવનગર પણ બાકાત નથી. થોડા દિવસ પહેલા પોલીસે પચ્છે ગામની સીમમાં રેડ કરી ગામની સીમમાં પત્તા ઉપર જુગાર રમી રહેલા કેટલાંક વયોવૃધ્ધો અને યુવાનોને પકડયા હતા, આ તમામને પકડી વલ્લભીપુર પોલીસ સ્ટેશન લાવવવામાં આવ્યા હતા, ત્યાર બાદ જાણે બહુ મોટા ગુનેગાર પકડયા હોય તે રીતે તેમનું ગામના ચોક્કસ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યુ હતું. આ રીતે સરઘસ કાઢવામાં આવતા દરબારો નારાજ થયા હતા અને તેમણે પોલીસ સામે લડી લેવા માટે સંમેલન બોલાવવાની શરૂઆત કરી છે.

દરબારો જુગાર રમતા હતા અને પકડાયા અને પોલીસે ગુનો નોંધ્યો તેમની સામે પણ વાંધો ન્હોતો, જેમણે ગુનો કર્યો છે તેમની સામે પગલા ભરવામાં આવે તેવી પણ તેમની માગણી હતી, પરંતુ જાહેરમાં જે વિસ્તારમાં દરબારોને સરઘસ રૂપે ફેરવ્યા તે વિસ્તારમાં કારડિયા રાજપુતોની વસ્તી વધારે છે. જ્યારે કારડિયા અને દરબારોને ભુતકાળમાં એક-બીજા ઉપર કેસ પણ થયા છે. આ સંજોગોમાં કારડિયાની બહુમતી વિસ્તારમાં દરબારોનું સરઘસ કાઢી પોલીસે દરબારોને કારડિયાની નજરમાં અપમાનીત કર્યા છે તેવું દરબારો માની રહ્યા છે. જેના કારણે હવે દરબારો પણ પોલીસ સાથે સમાધાન કરવાના મુડમાં નથી.

અગાઉનો અહેવાલ વાંચોઃ DGPનો આદેશ છતાં હજી પોલીસ અધિકારીઓ આરોપીઓના જાહેરમાં સરધસ કાઢે છે, જુઓ Video