મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગત તારીખ 21 નવેમ્બરે દહેજથી ઘોઘા આવી રહેલું રો રો ફેરીનું જહાજ બંધ થયું હતું. અને આગામી 6 ડિસેમ્બર સુધી આ જહાજ બંધ રહેવાની શક્યતા કંપની દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ જહાજ બંધ થવાનું કારણ સામે આવ્યું છે. જેમાં કરોડોના ખર્ચે લેવામાં આવેલું આ જહાજ માવા-મસાલાની કોથળી ફસાવાને કારણે એન્જીન ગરમ થઇ જતાં બંધ થયું હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ જહાજના એન્જિનને ઠંડુ રાખતી કુલિંગ સિસ્ટમની પાઈપમાં પ્લાસ્ટિકથી કોથળી ફસાઈ ગઈ હતી. જેના કારણે તેમાંથી પાણી પસાર ન થઈ શક્યું, અને તેનાથી એન્જિન ઓવરહિટ થઈ જતાં તેને ત્યાં જ બંધ કરી દેવું પડ્યું હતું. જહાજના એન્જિનને ઠંડુ રાખવા માટે જે કુલિંગ સિસ્ટમ હોય છે તેમાં દરિયાનું જ પાણી ઉપયોગમાં લેવાતું હોય છે. દરમિયાન પાણીમાં તરતી કોથળી ખેંચાઈ આવતા તે પાઈપમાં ફસાઈ ગઈ હોઈ એન્જીનની કુલિંગ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, કુલિંગ સિસ્ટમ માટે પાણી સમુદ્રમાંથી ખેંચાય છે તે ખાસ ઉંડેથી નહીં, પરંતુ ઉપરની સપાટીમાંથી જ ખેંચાય છે. જેના કારણે પાણી સાથે કાદવ પણ ખેંચાઈ આવે છે. કાદવ ભરાવાને લીધે પાઈપ આમ પણ સાંકડી થઈ ગઈ હતી. અને તેમાં આ પ્લાસ્ટિકની કોથળી ફસાઈ જતાં પાણી કુલિંગ સિસ્ટમ સુધી પહોંચી શક્યું નહોતું. જેને લઈને એન્જીનના શાફ્ટ તેમજ બોલ-બેરિંગ ડેમેજ થવાની સાથે ઓઈલ સીલ પણ બળી ગયા હોવાનું સામે આવ્યું છે.