મેરાન્યૂઝ નેટવર્ક, ગોલ્ડ કોસ્ટ: ૨૧મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમે આજે ગોલ્ડ મેડલ જીતીને પૂરી કરેલી સોનેરી સફરમાં ૨૬ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ સાથે કુલ ૬૬ મેડલ મેળવ્યા છે. જો કે, ૨૦૧૦માં દિલ્હી તેમજ ૨૦૦૨માં માન્ચેસ્ટરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં મેળવેલા ગોલ્ડ સહિતના મેડલ કરતા આ વખતે ઓછા મેડલ મળ્યા હોવા છતાં ૧૯૩૪થી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહેલી ભારતીય ટીમે કુલ ૫૦૦ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે આ ગેમ્સમાં કુલ ૧૫ રમતોમાં ભાગ લઇ ૯ ગેમ્સમાં ૬૬ મેડલ મેળવી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પછી ત્રીજું સ્થાન મેળવ્યું છે.

૨૧મી કોમનવેલ્થ ગેમ્સના આજે ૧૧માં દિવસે ભારતે સાઈના નેહવાલના ગોલ્ડ સાથે સમાપન કર્યું હતું. આ ગેમ્સમાં ભારતની પૂરી થયેલી ગોલ્ડન સફરમાં ૨૬ ગોલ્ડ તેમજ ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ સાથે કુલ ૬૬ મેડલ મેળવ્યા છે. આ સાથે ૧૯૩૪થી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહેલી ભારતીય ટીમે કુલ ૫૦૦ મેડલ પોતાના નામે કરી દીધા છે. આ ગેમ્સમાં ભારતે ૨૦૦૨માં માન્ચેસ્ટરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ૩૦ ગોલ્ડ, ૨૨ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ સાથે મેળવેલા કુલ ૬૯ મેડલ કરતા ૩ મેડલ ઓછા મેળવ્યા હતા. જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સૌથી વધારે ૧૦૧ મેડલ ઘરઆંગણે ૨૦૧૦માં દિલ્હીમાં મેળવાયા હતા. જેમાં ૩૮ ગોલ્ડ,૨૭ સિલ્વર અને ૩૬ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આમ છેલ્લી બંને કોમનવેલ્થ ગેમ્સ કરતા આ વખતે ગોલ્ડ અને સિલ્વર મેડલ ઓછા મળ્યા છે. જ્યારે ૨૦૧૪ની ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીતેલા ૬૪ મેડલ કરતા આ વખતે ૨ મેડલ વધારે મળ્યા છે.

આજે આ ગેમ્સના છેલ્લા દિવસે ભારતની સાઈના નેહવાલે બેડમિન્ટનમાં ગોલ્ડ જીતી ભારતને ૨૬મો ગોલ્ડ અપાવ્યો હતો. તેની સામે હારી જનાર ભારતની જ પી.વી. સિંધુને સિલ્વર મેડલ મળ્યો હતો. આ ગેમ્સમાં ભારતે સૌથી વધારે શુટીંગમાં ૭ ગોલ્ડ સાથે કુલ ૧૬ મેડલ જીત્યા છે. જ્યારે વેઇટ લિફ્ટિંગમાં ૫ ગોલ્ડ સાથે કુલ ૯ મેડલ જીત્યા છે. રેસલીંગમાં પણ ૫ ગોલ્ડ સાથે કુલ ૧૨ મેડલ મેળવ્યા છે. આ ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમને મેડલ વગર જ પરત ફરવું પડતા ભારે નિરાશા સાંપડી છે.