મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આજે રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની પ્રથમ બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત જુદાજુદા ક્ષેત્રથી આવેલા 35 વક્તાઓ પોતાની વાત રજૂ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યાં પાર્ટીનો વોટ બેઝ વધારવાને સૌથી મોટો પડકાર ગણાવ્યો તો તેની સાથે જ બિન જવાબદારીભર્યા નિવેદનોને લઇને પણ નારાજગી વ્યક્ત કરી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, હું મોટી લડાઇ લડી રહ્યો છું. બધાને પાર્ટી ફોરમમાં બોલવાનો અધિકાર છે. પરંતુ પાર્ટીના કોઇ નેતા બિન-જવાબદારીભર્યા નિવેદનો કરશે તો હું કાર્યવાહી કરતા જરા પણ નહીં અચકાઉ. માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીનો ઇશારો શશિ થરુર તરફ હતો.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટિ સ્વાંત્રતા સંગ્રામ દરમિયાન પણ કામ કરતી હતી. આ એ જ ફોરમ છે જ્યાં દેશે ચર્ચા કરી અને દેશને અંગ્રેજોના શાસનમાંથી આઝાદ કરવાનો રસ્તો નક્કી કર્યો. કોંગ્રેસ વર્કિંગ કમિટિએ દરેક ભારતીયને અવાજ આપ્યો છે. હું દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરનારા લોકોને અને સૌથી નબળા વર્ગમાંથી આવનારા લોકોના દ્રષ્ટિકોણ સ્થાન આપ્યુ છે. આપણો પ્રથમ પડકાર કોંગ્રેસ વર્કિંગ કમિટિને તે સ્તર સુધી લઇ જવાનો છે.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે પાર્ટીનો વોટ બેઝ વધારવો સૌથી મોટો પડકાર છે. દરેક ક્ષેત્રમાં આપણે તે લોકો સુધી પહોંચવાનું છે જેમણે આપણે વોટ નથી આપ્યો અને આપણે તેમનો વિશ્વાસ જીતવાનો છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી ગઠબંધન કરવાના નિર્ણય લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.