મેરાન્યૂઝ નેટવર્ક.સુકમાઃ છત્તીસગઢના સુકમામાં મંગળવારે સર્ચ ઓપરેશનમાં જોડાયેલા સીઆરપીએફના જવાનો પર ઘાત લગાવીને બેસેલા માઓવાદિઓના હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે અને 9 જવાન શહીદ થઈ ગયા છે. ઘાયલો પૈકી ઘણાની હાલત હજુ નાજુક છે. જવાનોને પહેલા આઈડી બ્લાસ્ટથી નિશાન બનાવાયા હતા, પછી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ મુજબ હુમલામાં અંદાજીત 100 માઓવાદીઓ શામેલ હતા.

નક્સલ અસરગ્રસ્ત સુકમામાં કિસ્તરામ વિસ્તારમાં બપોરે 12.30 વાગે સીઆરપીએફની 212મી બટાલિયન પર આ હુમલો થયો. જવાન સર્ચ ઓપરેશન માટે જઈ રહ્યા હતા, ત્યારે ઘાત લગાવી બેઠેલા નક્સલીઓ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો. માહિતી મુજબ નક્સલીઓએ જવાનોની મુવમેન્ટની જાણકારી મળી ગઈ હતી અને આ પૂર્વ નિયોજીત હુમલો હતો. સૂત્રોના અનુસાર પીપલ્સ લિબરેશન ગ્રુપનો આ હુમલા પાછળ હાથ હોવાનું મનાય છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહએ સુકમા નક્સલી હુમલામાં શહીદોના પરિવારજનો પ્રતિ શોક સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે હુમલામાં ઘાયલ જવાનોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. રાજનાથ સિંહે કહ્યું, મેં ડીજી સીઆરપીએફ સાથે સુકમા હુલમા પર વાત કરી અને તેમને છત્તીસગઢ જવાનું કહ્યું છે.

નક્સલ વિરોધી અભિયાનના સ્પેશ્યલ ડીજી ડીએમ અવસ્થીએ કહ્યું, એક પેટ્રોલીંગ પાર્ટી આર્મ્ડ ગાડીમાં કિસ્તરામથી પાલોદી જઈ રહી હતી. રસ્તામાં નક્સલીઓએ આઈઈડીથી બ્લાસ્ટ કરી દીધો. વધુ ફોર્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. હાલ ગોળીબાર બંધ થઈ ગયો છે.

તેના ગત વર્ષે એપ્રિલ મહિનામાં સુકમામાં નક્સલીઓના ઘાત લગાવીને કરાયેલા હુમલામાં સીઆરપીએફના 25 જવાન શહીદ થઈ ગયા હતા. તે તમામ જવાન સીઆરપીએફની 74મી બટાલીયનના હતા. જવાનોની ટીમ રોડ ઓપનીંગ માટે જઈ રહી હતી. સીઆરપીએફ જવાન જ્યારે જમવા જવાના હતા, ત્યારે જ ઘાત લગાવી બેઠેલા નક્સલિઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

25 મે 2013: છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક હજારથી વધુ નક્સલીઓને કોંગ્રેસની પરિવર્તન યાત્રા પર હુમલો કરી દીધો હતો. તે ઘટનામાં કોંગ્રેસના નેતા વિદ્યાચરણ શુક્લ, મહેન્દ્ર કર્મા અને નંદકુમાર પટેલ સહિત 25 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

6 એપ્રિલ 2010: દંતેવાડા જિલ્લાના ચિંતલનાર જંગલમાં નક્સલિઓએ સીઆરપીએફના 75 જવાનો સહિત 76 લોકોની હત્યા કરી દીધી હતી.

4 એપ્રિલ 2010: ઓડિશાના કોરાપુટ જિલ્લામાં પોલીસની એક બસ હુમલામાં વિશેષ કાર્ય દળના 10 જવાન શહીદ થયા હતા અને 16 ઘાયલ.

23 માર્ચ 2010: બિહારના ગયા જિલ્લામાં રેલવે લાઈન પર વિસ્ફોટ કરીને ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસને પાટા પરથી ઉતારી, તે દિવસે ઓડિસાના રેલવે પાટા પર હુમલો કરીને હાવડા-મુંબઈ લાઈન ક્ષતિગ્રસ્ત કરી હતી.

15 ફેબ્રુઆરી 2010: પશ્ચિમ બંગાળના સિલ્દામાં અંદાજીત 100 નક્સલિઓએ પોલીસ કેમ્પ પર હુમલો કરી 24 જવાનોની હત્યા કરી, હથિયાર લૂંટી લીધા.

8 ઓક્ટોબર 2009: મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં લાહિડી પોલીસ સ્ટેશન પર હુમલો કરી 17 પોલીસ કર્મીઓની હત્યા કરી હતી.