મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૂની યોજના નવા નામથી પાક વીમા યોજના અમલમાં મૂકી હતી. અરવલ્લી જીલ્લાના ખેડૂતોમાં માટે પાક વીમા યોજના આશીર્વાદના બદલે અભિષાપ રૂપી સાબિત થતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૧૬૧ ખેડૂતોએ પાકના નુકસાન વળતર માટે વીમા કંપનીઓમાં દાવો કરતા તમામ દાવાઓ ફગાવી દેતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. જીલ્લા કલેક્ટરમાં ખેડૂતોએ ન્યાય માટે ગુહાર નાખતા કલેક્ટરે વીમા કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, પરંતુ કોઈ હલ નીકળી શક્યો નથી.

અરવલ્લી જીલ્લામાં કુદરતી હોનારત અથવા પાક નિષ્ફળ જાય તો ખેડૂતને આર્થિક નુકસાન સહન ન કરવું પડે તેવા હેતુ સાથે વર્ષ 2016-17માં પ્રધાનમંત્રી પાક વિમા યોજના અમલી બનાવામાં આવી હતી. આ યોજનામાં નોટીફાઈડ થયેલા પાકો માટે સહકારી મંડળી અથવા બેંક દ્વારા ખેડૂતોનું પ્રિમિયમ ભરી પાકનો વિમો ઉતરાવ્યો હતો. જ્યારે ૨૦૧૮-૧૯માં મોટા ભાગના ખેડૂતો પાક વીમા યોજના નકામી સાબિત થતા વીમા લેવાથી દૂર રહ્યા હતા.

સમગ્ર ભારતમાં મોટા ભાગના ખેડૂતો નુકસાન સામે વળતર મેળવવા માટે આ યોજનામાં સહભાગી થાય છે. જોકે નુકસાન સામે વળતર મૃગજળ સમાન છે કેમ કે, વિમા કંપનીઓ ખેડૂતોના વિમા ક્લેમ બીજા કારણસર રદ કરે છે.

મોડાસા તાલુકામાં યોજનાના પ્રથમ વર્ષમાં એટલે કે 2016-17માં જુજ ખેડૂતોના વિમા ક્લેમ પાસ કરવામાં આવ્યા હતા અને તેની રકમ પણ નગણ્ય હતી. જ્યારે વર્ષ 2017-18માં 161 ખેડૂતોએ નુકસાનીનો દાવો કર્યો હતો. વર્ષ 2017-18 વિમા કંપનીના અધિકારીઓ સર્વે કર્યા બાદ તમામ દાવાઓ ‘નો ક્લેમ’ એટલે કે રદ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ખેડૂતોની ફરિયાદ આવતા જિલ્લા કલેકટરે કંપનીના અધિકારીઓ જોડે બેઠક કરી હતી, પરંતુ કોઇ હલ ન નીકળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ચાલુ વર્ષે પણ મળતી માહિતી મુજબ ખરીફ પાકમાં વિમા ધારક ખેડૂતોએ નુકશાનીનો દાવો વિમા કંપનીમાં કર્યો હતો, પરંતુ 10 ટકા ખેડૂતોનો દાવો, એ પણ ખુબ નજીવી રકમનો માન્ય કરવામાં આવ્યો છે. આ યોજનાથી નિરાશ થઇ કેટલાક ખેડૂતોએ ચાલુ વર્ષે વિમો લીધો નથી.

મહત્વ બાબત એ છે કે ખેડૂતોને એ પણ ખબર નથી કે તેઓ કઇ કંપનીનો વિમો લઇ રહ્યા છે કારણ કે, બેંક અથવા મંડળીનું સીધુ જોડાણ સરકાર દ્વારા નક્કી કરેલી કંપની સાથે છે. આ ઉપરાંત એક નક્કી કરેલ વિસ્તારમાં એક જ કંપનીને પરવાનો આપેલ હોય છે જેથી કંપનીની મોનોપોલી પણ રહે છે. એમાં પણ કંપની દર વર્ષે બદલાતી રહે છે એટલે ખેડૂત આ ચક્કરથી બીલકુલ અજાણ છે.

બીજી મહત્વની બાબત આ યોજનામાંએ જાણવા મળી કે, ખાનગી બેંકોમાંથી જો ખેડૂતોએ ધીરાણ લીધુ હોય તો વિમો લેવા મજબુર કરવામાં આવે છે. આ અંગે મોડાસા તાલુકાના ખડોદા ગામની મુલાકાત લેતા ખેડૂતોએ જણાવ્યું હતુ કે, દર વર્ષે તેઓ નુકસાની સામે વળતરની આશાએ મંડળી થકી પ્રીમીયમ જમા કરે છે, પરંતુ તેમની આશા ઠગારી નિવડે છે જ્યારે અન્ય ખેડૂત દિપકભાઇ પટેલ જેમણે સતત બે વર્ષ 25 હજાર જેવી માતબર રકમનું પ્રિયમિયમ ભર્યું હતું અને સતત બે વર્ષ મગફળીના પાકમાં રૂ.10 લાખનું નુકસાન ગયું તેમ છતાં વિમા કંપનીમાં દાવો કર્યા પછી પણ નુકસાનના વળતર પેટે ચુકવવામાં આવ્યા નથી.

આમ સરકારની યોજનાઓ થકી ખેડૂતોને લાભ મળવાની જગ્યાએ મોટી વિમા કંપનીઓ તગડો નફો કરી રહી છે જેનો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.