મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ક્રિકેટ પ્રેમીઓ તેના ફેવરિટ ક્રિકેટર ક્યારે આવશે, શું ખાશે અને ક્યાં રહેશે તેવી બાબતો જાણવા માટે ભારે ઉત્સુક હોય છે. રાજકોટમાં ક્રિકેટ મેચ રમાવાની હોય એટલે ક્રિકેટ પ્રેમીઓનો ઉન્માદ ચરમસીમાએ હોય છે. ભારતીય ટીમ આજે રાજકોટ આવી રહી છે, શનિવારે ટી ટવેન્ટી મુકાબલો યોજાશે. ભારતીય ટીમ હોટેલ ફોર્ચ્યુનમાં રોકાવાની છે. ભારતીય ટીમ માટે હોટેલમાં ખાસ ફૂડ, ટીમ રૂમ અને થિમ બેઇઝડ બેડરૂમ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત પાંચમીએ વિરાટ કોહલીનો જન્મદિવસ ઉજવવા માટેની તૈયારીઓ હોટલમાં ચાલી રહી છે. 

મહેન્દ્રસિંહ ધોનીને રાજકોટના પૌવા-બટાટા ખૂબ ભાવે છે અને સવારના નાસ્તા માટે દૂધ સાથે પૌવા બટાટાની ખાસ ડિમાન્ડ કરવામાં આવી છે. તેમજ વિરાટ કોહલીએ એક્સક્લુઝિવલી જાપાનીઝ વાનગીઓ માટેનું મેનુ મોકલ્યું છે. એ ઉપરાંત પણ જુદા-જુદા ક્રિકેટરો માટે કુલ મળીને 400 જેટલી વાનગીઓ ચાર દિવસમાં બનાવવામાં આવશે. દિલ્હીમાં ઓબામા ઉતર્યા ત્યારે આઇટીસીએ જે ટોચના શેફની ટીમ રોકી હતી. એમાંથી સાત જેટલા શેફ ખાસ રાજકોટ આવી પહોંચ્યા છે. તેઓ ક્રિકેટરોને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગીઓ જમાડશે. 

પાંચમી નવેમ્બરના દિવસે વિરાટ કોહલીનો જન્મદિવસ છે. હોટેલ ફોર્ચ્યુનમાં તેની ઉજવણી કરવા માટે પણ મેનેજમેન્ટ તૈયારી કરી રહ્યું છે. આ માટે ટી-ટવેન્ટી પૂર્ણ થઇ જવા છતાં ટીમ પાંચમીએ રોકાઇ જવાની હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ હોટેલ પહોંચે ત્યારે પરંપરાગત હાર ઉપરાંત ગામઠી બાંધણી વડે સ્વાગત કરવામાં આવનાર છે. તેમજ ધોનીના માસ્ટર બેડમાં ધોની, સાક્ષી ઉપરાંત તેની દિકરી ઝીવાના ફોટોગ્રાફવાળા કુશન બનાવવામાં આવ્યા છે. વિરાટના રૂમને પણ અનોખી રીતે શણગારવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ માટે હોટેલ ઇમ્પિરિયલ પેલેસમાં ઉતારો રાખવામાં આવ્યો છે.