મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના ભીમરાણા ગામ નજીક ટ્રેન નીચે જંપલાવી યુવા પ્રેમી પંખીડાઓએ આપઘાત કરી લીધો છે. બંને વચ્ચે પાંગરેલા પ્રેમને સંસારનું રૂપ આપવામાં બાધાઓ આવતા બંનેએ સવારે એક સાથે ઘર છોડી ધસમસતી ટ્રેન નીચે જંપલાવી જીવાદોરી ટૂંકાવી લેતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવને પગલે બંને યુવા હૈયાઓના પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા- ઓખા વચ્ચે આવેલ ભીમરાણા ગામે આજે બારેક વાગ્યાના આસપાસ પસાર થતી ભાવનગર – ઓખા ટ્રેન નીચે કુદકો લગાવી અજાણ્યા યુવા હૈયાઓએ આપઘાત કરી લીધો હતો. આ બનાવના પગલે સ્થાનિક રેલ્વે અને પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં બંને યુવા હૈયાઓના કટકામાં પથરાયેલા દેહને ટીમ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા. બંનેના પહેરવેશના આધારે સ્થાનિક રહેવાસી હોવાનો પોલીસે અંદાજ લગાવી ગુમ યુવક યુવતી અંગે તપાસ કરાવી, દરમિયાન આ બનાવની જાણ થતા જ યુવક અને યુવતીનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંનેની ઓળખ થવા પામી હતી.

જેમાં મૃતક યુવાન લાલાભાઈ સજુભાઈ ચોહાણ ઉંવ ૧૯ અને યુવતી કાજલબેન રેણાભા માણેક ઉંવ ૧૮ હોવાની ઓળખ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરંભડા ગામે રહેતા અને મજુરી કામ કરતા યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ આ પ્રેમ સંબંધમાં સગાઇ- લગન શક્ય ન હતા. બંનેની જ્ઞાતિ અને અન્ય સામાજિક પરિબળો વચ્ચે આવી જતા બંને હતાશ થઇ ગયા હતા. આજે સવારે દસેક વાગ્યે બંને પોતપોતાના ઘરેથી નીકળી રેલ્વે ટ્રેક પર આવ્યા હતા અને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો એમ તપાસકર્તા ઇન્ચાર્જ પીએસઆઈ વસાવાએ જણાવ્યું હતું. આ બનાવને લઈને ઓખામંડળમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.