મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: સાયબર ક્રાઇમની તપાસમાં અતિ મહત્વના એવા ડિઝીટલ પુરાવા ભેગા કરવાની કાર્યપધ્ધતિ સહિતના તમામ પાસા આવરી લેતું પુસ્તક તૈયાર કરાયું. આજના કોમ્પ્યુટર મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં સાયબર ક્રાઇમ અને કોમ્પ્યુટરના ઉપયોગથી આચરવામાં આવતાં ગુનાઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયેલ છે અને આ ગુનાઓ ભવિષ્યમાં વધે તેવી શક્યાતાઓ છે. આવા ગુનાઓ સામે અસરકારક મુકાબલો કરવા પોલીસ તંત્ર આધુનિક સાધનોની સાથે-સાથે આવા ગુનાઓમાં વાપરવામાં આવતી ટેક્નોલોજીથી પણ વાકેફ થાય તે ખૂબ જરૂરી છે.

ખાસ કરીને આવા ગુનાઓની તપાસ દરમ્યાન જે પુરાવાઓ ભેગા કરવાના હોય છે, તે અંગે પણ પોલીસ વિભાગ પાસે પુરતું જ્ઞાન હોય તો જ આવા ગુનાઓની અસરકારક તપાસ અને ન્યાયીક કાર્યવાહી થઇ શકે. આવા ડિઝીટલ પુરાવા મેળવવા અંગેની કાર્યપધ્ધતિ વિશે ગુજરાતી જ નહીં અંગ્રેજી કે અન્ય ભાષામાં પણ પોલીસને મદદરૂપ થાય તેવું કોઇ સાહિત્ય ઉપલબ્ધ ન હોવાની બાબત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના ધ્યાને આવેલ હતી. જેથી સાયબર ક્રાઇમ જેવા કેસોમાં ડિઝીટલ પુરાવાને લગતા પાસાઓની જાણકારી પોલીસને મળી રહે તે માટેની એક માર્ગદર્શિકા તૈયાર કરવાની સૂચના શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી હતી. 

આ અન્વયે તૈયાર થયેલા પુસ્તક “ડિજિટલ પુરાવા એકત્રીકરણ, વિશ્લેષણ અને પ્રસ્તુતિકરણ”નું વિમોચન આજ રોજ ડીજીપી શિવાનંદ ઝા દ્વારા વિકાસ સહાય (અધિક પોલીસ મહાનિદેશક-તાલીમ) અને કે.કે.ઓઝા (અધિક પોલીસ મહાનિદેશક-SC/SCT & Weaker Sections)ની હાજરીમાં કરવામાં આવ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે પોલીસને આ પ્રકારના ગુનાઓની તપાસમાં ઉપયોગી થાય તેવું પોલીસ માટેનું આ દેશનું પ્રથમ પુસ્તક છે. આ માર્ગદશિકા ગુજરાત પોલીસની વેબસાઇટ https://police.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. આશરે ૩૦૦ પાનાના આ પુસ્તકની ૨૦૦૦ નકલો રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને પોલીસ અધિકારીઓની કચેરીઓમાં મોકલવામાં આવશે.

ડિઝીટલ પુરાવા ખુબ જ સંવેદનશીલ હોય છે અને તેમાં સહેલાઇથી ચેડા કરી શકાય છે. જેથી કાનૂની કાર્યવાહીમાં પોલીસ દ્વારા લેવામાં આવેલ ડિઝીટલ પુરવા/ઇલેકટ્રોનિક ર્રકર્ડની ગ્રાહ્યતા, વિશ્વસનીયતા અને સ્વીકૃતિ માટે કાયદામાં જે વિશેષ જોગવાઇઓ કરવામાં આવી છે, તે તમામને આ પુસ્તકમાં આવરી લેવામાં આવેલ છે. આ પુસ્તિકામાં વિવિધ સ્ત્રોતોમાંથી ડિઝીટલ પુરાવા એકત્ર કરવા માટેની પ્રક્રિયા, જેમ કે ઇ-મેઇલ, વિદેશ સ્થિત સોશ્યલ મીડિયા સર્વર, MLAT/LR તૈયાર કરવા વગેરે બાબતે પણ વિગતવાર જાણકારી આપવામાં આવેલ છે.

મોબાઇલ ફોનના ફોજદારી ગુનાઓની તપાસમાં પુરાવા તરીકે વધતા મહત્વને ધ્યાને રાખીને, આ મુદ્દા પર અલગ પ્રકરણનો સમાવેશ પણ કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ બેન્કિંગથી લાગતા ગુનાઓની તપાસ માટેની પ્રક્રિયા પણ દર્શાવવામાં આવેલી છે. ડિઝીટલ પુરાવા એકત્ર કરવા માટે જે ખાસ સાધનો અને સોફટવેરની જરૂર પડે છે તેની છણાવટ પણ પુસ્તકમાં કરવામાં આવેલ છે. પુસ્તકના વિમોચન પ્રસંગે શિવાનંદ ઝાએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલી માહિતીના કારને ગુજરાત પોલીસની ડિઝીટલ પુરાવા એકત્ર કરવાની કુશળતામાં ઘણો વધારો થશે.