મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: કર્ણાટકમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ દ્વારા ઝંઝાવાતી પ્રચાર અને તાજેતરમાં યોજાયેલ ચૂંટણી બાદ આજે પરિણામ જાહેર થઇ રહ્યાં છે. કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠક છે જેમાંથી 222 બેઠક પર ચૂંટણી યોજાઇ છે. કર્ણાટકમાં  બહુમતિ માટે 113 જરૂરી છે. આજે સવારે 10 વાગ્યા સુધીના પરિણામોમાં ભાજપ 109 બેઠક કોંગ્રેસ 66 અને જેડીએસ 41 બેઠક પર આગળ ચાલી રહ્યો છે. આમ ભાજપ સૌથી મોટો પક્ષ બની રહ્યો છે. ત્રીજો પક્ષ જેડીએસ આ વખતે કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે કારણ કે અન્ય પક્ષોને કોઈ બેઠક મળતી દેખાઇ રહી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે યેદીયુરપ્પા છે જ્યારે કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સિદ્ધારમૈયા છે. જ્યારે જેડીએસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર એચડી કુમારસ્વામી છે. આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શહીદોના અપમાન, પરિવારવાદ સહિતના આક્ષેપ કર્યા હતા. તો બીજી તરફ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને સારુ ભાષણ આપતા અભિનેતા, રોજગારી આપવામાં નિષ્ફળ ગયા હોવાના ભાષણ કર્યા હતા.