મેરાન્યૂઝ નેટવર્ક, પુણે: શંકાસ્પદ હેકર્સે પુણેની કોસ્મોસ બેંકમાંથી 94.42 કરોડ રૂપિયા ઉપાડી લીધા અને તેને દેશ તથા વિદેશની બેંકોના ખાતામાં ટ્રાંસફર કરી દીધા. કોસ્મોસ બેંક ભારતની બીજા નંબરની સૌથી જૂની અને મોટી કો-ઓપરેટિવ બેંક છે. પોલીસે આજે મંગળવારે આ માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખુણે ખુણા સુધી અને દરેક નાગરિક ઓનલાઇન ટ્રાંજેક્શન કરે અને ક્રેડિટ, ડેબિટ કાર્ડથી ઓનલાઇન ચુકવણીઓ કરે તેવા ભાષણો આપી રહ્યા છે ત્યારે આવા સાયબર હુમલા બેંકના ઓનલાઇન ટ્રાંજેક્શન પરથી લોકોનો વિશ્વાસ ઉઠાડી દેવા છે કારણ કે હેકર્સે ગ્રાહકો નહીં પણ સીધુ બેંકની સિસ્ટમને જ હેક કરી રહ્યા છે.

11 ઓગસ્ટ અને 13 ઓગસ્ટે કેનેડા, હોંગકોંગ અને ભારતના કેટલાક ATM સહિત કુલ 25 ATMમાંથી હેકિંગ દ્વારા આ ટ્રાન્જેક્શન થયા. કોસમોસ બેંકનું કહેવુ છે કે આ સાયબર હુમલો તેની કોર બેંકિંગ સિસ્ટમ (CBS) પર નહીં પરંતુ વીઝા અને ડેબિટ કાર્ડની પેમેન્ટ સિસ્ટમને નિશાન બનાવી કરવામાં આવ્યો છે. બેંકના એક અધિકારીએ જણાવ્યુ કે આ સાયબર હુમલાથી જે ગ્રાહકના રૂપિયા ગયા છે તેની ચુકવણી બેંક કરશે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે સાયબર હુમલા દરમિયાન બેંકના મુખ્યકાર્યાલયના સર્વર પર હેંકર્સે ગ્રાહકોના વીઝા અને રુપે ડેબિટ કાર્ડની માહિતી પણ ચોરી લીધી. શરુઆતી અનુમાન અનુસાર હેકર્સે 12 હજાર વીઝા કાર્ડ ટ્રાંઝેક્શનના માધ્યમથી 78 કરોડ રૂપિયા હોંગકોંગ સહિત અન્ય દેશોની બેંકોના ખાતામાં જમા કર્યા. જ્યારે 2.50 કરોડ રૂપિયાની રકમને 2849 ટ્રાંજેક્શનના માધ્યમથી દેશની જુદીજુદી બેંકોના ખાતામાં ટ્રાંસફર કર્યા. જ્યાર બાદ સોમવારે પણ સ્વિફ્ટ ટ્રાંજેક્શનના માધ્યમથી 13.92 કરોડ રૂપિયા હોંગકોંગની હેંગસેંગ બેંકના એએલએમ ટ્રેડિંગના ખાતામાં ટ્રાંસફર કર્યા અને ત્યાર બાદ આ રકમ હેકર્સે ત્યાથી ઉપાડી પણ લીધી.