મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં લગભગ બે દાયકા પહેલા ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવાના સ્લોગન સાથે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર આજેપણ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે અનેક પગલાં લીધા હોવાની વાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જમીન વિકાસ નિગમના ભારે ચર્ચાસ્પદ કેસ ઉપરાંત વર્ષ ૨૦૧૮ના ત્રણ માસમાં જ આઠ કેસો પંચાયત, ગૃહ, નાણાં, શહેરી વિકાસ જેવા વિવિધ ખાતાઓના અધિકારીઓ-કર્મચારીઓ અને ખાનગી ઈસમો સામે કરાયા છે. જેમાં ૨૦ લોકો સામે રૂપિયા ૨,૮૯,૨૪,૬૦૦ની રકમના આ કેસો કરાયા છે.તો વર્ષ ૨૦૧૭માં ૨૦ લોકો સામે રૂપિયા ૩૪,૬૭,૫૦૦ની રકમના કેસ કરાયા છે.એટલે કે, સામાન્ય બહુમતી સાથે છઠ્ઠીવાર સત્તા ઉપર આવતા જ ભાજપ સરકારમાં ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર બુલેટ ગતિએ વધી ગયા છે.

ગાંધીનગર ખાતે જમીન વિકાસ નિગમના અધિકારીઓ પાસેથી ડ્રોઅરમાં જ લાખો રૂપિયા મળવા સાથે ઘરેથી પણ લાખો રૂપિયા અને દાગીના-સંપતિ મળતા પાટનગરમાં કર્મચારી-અધિકારીઓથી લઇ સરકારમાં ખુલ્લેઆમ ચાલતો ભ્રષ્ટાચાર ચર્ચાનો વિષય બન્યો છે.જેમાં ભાજપ સરકાર વડાપ્રધાનથી લઇ મુખ્યમંત્રી સુધી ભ્રષ્ટાચાર નિર્મુલન યજ્ઞની ભલે વાતો કરતી હોય પણ પૈસા વેર્યા વિના આ સરકારમાં કોઈ જ કામ થતા નહિ હોવાની લોકલાગણી પ્રબળ બની ગઈ છે. જેમાં ભાજપના પાયાના કાર્યકરોને જ સરકારી તંત્રની આ ભ્રષ્ટ નીતિ-રીતીમાંથી પસાર થવું પડતું હોવાથી સંગઠનમાં પણ રોષ વ્યાપેલો જોવા મળે છે. ભાજપની રૂપાણી સરકારમાં ભ્રષ્ટાચાર બેફામ બન્યો હોવાની સાક્ષી આંકડા પૂરી રહ્યા છે. ત્યારે કેસ નહિ કરવા સાથે ભીનું સંકેલાઈ જવાના અનેક કિસ્સાઓ વચ્ચે મોટાભાગના કેસોમાં રાજકીય દબાણથી જ છૂટી જનાર પણ અનેક કર્મીઓ છે. આમ ભ્રષ્ટાચારના ભય સાથે રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એ.સી.બી. માટે આગામી પાંચ વર્ષનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યો છે. ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન એકેડેમી, ઓસ્ટ્રીયા સાથે મહત્વના એમ.ઓ.યુ. કરાયા છે.

આ ઉપરાંત આગામી સમયમાં દરેક સેશન્સ કોર્ટમાં ટ્રાયલના એ.સી.બી.ના કેસો માટે કોર્ટ દીઠ બે પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક કરાશે. આવા કેસોમાં પ્રોસિક્યુશનની મંજૂરી ઝડપથી મળે તે માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અને એ.સી.બી.ના નિયામક દર માસે એક બેઠકનું આયોજન કરશે.જયારે વર્ગ-૧ના અધિકારી વિરુધ્ધ તપાસ કરવા માટે એ.સી.બી.એ માંગેલી મંજૂરીની પેન્ડીંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા ગૃહ વિભાગના અધિક મૂખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ત્રણ સચિવોની કમિટિ બનાવવામાં આવશે.જાહેર સેવકોએ વસાવેલ બેનામી તથા અપ્રમાણસર મિલકતો અંગે કેસો કરવા માટે એ.સી.બી.માં ખાસ ડીએ યુનિટની રચના કરવામાં આવશે.આવા કેસોના ઝડપી નિકાલ સારૂ એફ.એસ.એલ. ગાંધીનગર અને એફ.એસ.એલ.ની વિભાગીય કચેરીઓને વધુ સાધન-સંપન્ન બનાવવાનો નિર્ણય કરાયો છે.રાજ્ય સરકારે ૨૨ વર્ષે પણ ભ્રષ્ટાચાર નાથવા આટલી સુસજ્જતા કેળવી નથી.ત્યારે લાંચ લઈને રૂપિયા ખાઈ જવાથી લઇ પૈસા ફેંકીને ભાગી જનારા કર્મીઓ-અધિકારીઓ આજે પણ બિન્દાસ્ત રીતે મલાઈદાર વિભાગોમાં સારામાં સારા ટેબલ ઉપર નોકરી કરી રહ્યા છે.એસીબીની સાથે સરકારે કડક નિયમો કરી આવા ભ્રસ્ટ અધિકારીઓને પકડાય ત્યારથી તપાસ દરમિયાન બિલકુલ પગાર મળે નહિ તેવી જોગવાઈ કરવી જોઈએ. આ ઉપરાંત ફરી તેમનું સારી જગ્યાએ પોસ્ટીંગ થવું ના જોઈએ. ઉચ્ચ અધિકારીના બેંક ખાતાઓનું ચેકિંગ કરી જો ભ્રષ્ટાચાર વિરુદ્ધ સાચો યજ્ઞ કરવામાં આવે તો કરોડો રૂપિયા પકડાવવા સાથે ભ્રષ્ટાચાર કરવા માટે કોઈની પણ ભૂખ નહિ ઉઘડે.