મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી વખતે જ રાજકોટમાં એઈમ્સ મળી હોવાની જાહેરાત કરતા રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, જસદણની પેટાચૂંટણી પછી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જયારે કેન્દ્રીય કેબીનેટની ૧૭ ડિસેમ્બરે મળેલી કેબિનેટમાં તમિલનાડુ અને તેલંગણા એમ બે જ સ્થળોએ એઈમ્સ આપવાનો નિર્ણય કરવામાં આવતા ગુજરાતમાં એઈમ્સ બાબતે વિવાદ સર્જાયો છે. જો કે સૌરભ પટેલની આ જાહેરાત સામે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ એઈમ્સ અંગે પોતે અજાણ હોવાનું પત્રકારોને જણાવ્યું હતું.

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આજે પત્રકારો સમક્ષ જાહેરાત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્ધારા ગુજરાતમાં સૌરાષ્ટ્ર ખાતે એઈમ્સ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જસદણની પેટાચૂંટણીના કારણે તેની સત્તાવાર જાહેરાત આ ચૂંટણી પછી કરવામાં આવશે. આ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ જસદણમાં કહ્યું કે, રાજકોટને એઇમ્સ મળી રહી છે. રાજકોટને એઈમ્સ મળી તે સારી વાત હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ટુક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. જો કે હાલ જસદણની પેટાચૂંટણી હોવાથી કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જ્યારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો ઓફ દિલ્હીની અખબારી યાદીમાં પણ ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં તમિલનાડુ અને તેલંગાણામાં એઈમ્સ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું, પરંતુ આજે રાજકોટને એઇમ્સ મળી હોવાની હવા વહેતી થઈ હતી. તેની સામે જસદણની પેટાચૂંટણી હોવાથી આવી જાહેરાત કરવામાં આવી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે.

ગુજરાતમાં એઈમ્સના મુદ્દે રાજકારણ પણ ગરમાયુ છે. ગુજરાતમાં બરોડા કે રાજકોટ એઇમ્સ અપાશે તેવું કેન્દ્ર સરકાર ત્રણ-પાંચ વર્ષથી કહી રહી છે. જેમાં નરેન્દ્ર મોદીએ વડોદરામાં સંસદની ચૂંટણી લડતા એઈમ્સ લાવવાની વાત કહી હતી. આ પછી રાજકોટમાં એઈમ્સ લાવવાની વાત રૂપાણી સહીત અનેક નેતાઓ કરી ચુક્યા છે.

જ્યારે વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પણ આજે રાજકોટમાં એઈમ્સનો વિરોધ કરી વડોદરા જ એઈમ્સ માટે યોગ્ય હોવાનું જણાવ્યું છે. એકતરફ કેન્દ્ર તરફથી ગુજરાત માટે એઈમ્સની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે બીજીતરફ રાજ્યના મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખની રાજકોટમાં એઈમ્સની જાહેરાતથી વિવાદ સર્જાયો છે.