મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને અપાયેલો ભારત રત્ન એવોર્ડ પરત લઇ લેવા દિલ્હી વિધાનસભામાં પસાર કરાયેલા પ્રસ્તાવથી રાજકીય ગરમાવો આવ્યો છે. જેમાં વિવાદોમાં ઘેરાઈ ગયેલી સત્તાધારી પાર્ટી AAP અને સરકાર દ્ધારા જુદા જુદા દાવાઓ કરવા સાથે સોશિયલ મીડિયામાં આ બાબતને શેર કરવા બદલ ધારાસભ્ય અલકા લાંબાનું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે.
      
દિલ્હી વિધાનસભામાં ગઈકાલે પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીને એનાયત કરાયેલો ભારત રત્ન એવોર્ડ પરત લઇ લેવા કરાયેલા પ્રસ્તાવથી રાજકીય વિવાદ સર્જાયો છે. જેમાં AAPનાં ધારાસભ્ય અલકા લાંબાનું કહેવું છે કે, રાજીવ ગાંધી પાસેથી આ સન્માન પરત લેવાની વાત પહેલાથી જ લખાણમાં હતી. જ્યારે દિલ્હી વિધાનસભાના સ્પીકરનું કહેવું છે કે, મૂળ પ્રસ્તાવમાં સ્વ. રાજીવ ગાંધીના નામનો કોઈ ઉલ્લેખ જ નહોતો. પરંતુ જરનૈલ સિંહે પોતાના હાથે આ બાબત લખી દીધી હતી. આ પ્રસ્તાવ પર વોટીંગ પણ થયું નથી કે તે પસાર પણ થયો નથી. એમ તેમણે ઉમેર્યું છે.
      
જ્યારે ચાંદની ચોકના ધારાસભ્ય અલકા લાંબાએ ટ્વિટ કરી કહ્યું હતું કે, આ પ્રસ્તાવના વિરોધમાં તે વોકઆઉટ કરી ગઈ હતી. અલકા લાંબાએ આ બાબત સોશિયલ મીડિયામાં જાહેર કરતા નારાજ થયેલા હાઇકમાન્ડે તેમનું રાજીનામું લઇ લીધું છે. જ્યારે અલકા લાંબાના સમર્થકોએ મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખી રાજીનામું નહિ લેવા જણાવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, અલકા લાંબાને તેમના વિચાર રજુ કરવાનો હક્ક છે. કોંગ્રેસ દ્ધારા આ બાબતે ઉગ્ર પ્રતિક્રિયા આપતા પ્રદેશ અધ્યક્ષ અજય માકને જણાવ્યું છે કે, રાજીવ ગાંધીએ દેશ માટે જીવન કુરબાન કર્યું છે. જો કે આ પ્રસ્તાવથી આપ પાર્ટીનો અસલી રંગ સામે આવ્યો છે. અમે પહેલાથી જ કહેતા આવ્યા છે કે, આમ આદમી ભાજપની B ટીમ છે.