મેરા ન્યૂઝ નેટવર્ક. મોરબીઃ મોરબી નજીકથી ગત મોડી રાત્રે આર આર સેલ દ્વારા ઈંગ્લીશ દારૂ ભરીને લઇ જવાતું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે પોલીસે બે શખ્સોને દબોચી લઇ ટ્રક તથા દારૂનો જથ્થો કબજે કર્યો છે.

હળવદ માળિયા (મી.) હાઇવે પરથી એક ટ્રકમાં દારૂનો જથ્થો જઈ રહ્યો હોવાની બાતમીના આધારે રાજકોટ આર આર સેલના રામભાઈ માઢ, રસિક પટેલ, તથા સુરેશ હુંબલ સહિતના સ્ટાફે અણીયારી ટોલનાકા નજીક વૉચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા હરિયાણા પાસિંગ વાળા ટ્રક (HR ૬૬ A ૧૬૦૩) ને અટકાવી કન્ટેનરની તપાસ કરતાં પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસને ટ્રકના કન્ટેનર માંથી ૧૧૦૮૮ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ ૩૩.૨૬ લાખનો દારૂ તથા ટ્રક મળીને રૂ ૪૩,૨૭,૯૦૦નો મુદામાલ કબજે કર્યો છે. પોલીસે રાજસ્થાનના સત્યવીર હરચંદ ગુર્જર તથા અશોકકુમાર ગણેશરામ ભાદુની અટકાયત કરી આ જથ્થો મોકલનાર ગુંડગાવના જગતસિંહ તથા જીતેન્દ્ર હવાલદાર નામના શખ્સોની શોધખોળ આદરી છે.

પ્રાથમિક પૂછપરછમાં આ દારૂ કચ્છમાં મોકલવાનો હોવાનું ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે એક જ મહિનામાં બીજી વખત આર આર સેલ દ્વારા મોરબી જીલ્લમાં દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે.