મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી:  ગુજરાત રાજ્યમાં ૬.૨૨ લાખ વીજ ગ્રાહકોનાં બાકી બીલ-વ્યાજમાં માફ કરવા સાથે આસામમાં ૮ લાખ ખેડૂતોનું દેવું માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંને રાજ્યોમાં ભાજપ સરકારના નિર્ણય પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવીટ કરીને કહ્યું કે, હજુ વડાપ્રધાન ઊંઘી રહ્યા છે તેમને પણ જગાડીશું.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બનતા જ ખેડૂતોના વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયના પગલે રાજકીય દબાણમાં આવેલા ભાજપ દ્ધારા ગુજરાતમાં વીજ ચોરી અને આસામમાં ખેડૂતોના દેવા માફીની જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ સરકારના આ નિર્ણયો સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. જેમાં રાહુલ ગાંધીએ ટવીટ કરીને કહ્યું કે, કોંગ્રેસ ઘેરી ઊંઘમાં રહેલા ગુજરાત અને આસામના મુખ્યમંત્રીઓને જગાડવામાં સફળ રહી છે. પરંતુ વડાપ્રધાન હજી પણ ઊંઘી રહ્યા છે. અમે વડાપ્રધાનને પણ જગાડીશું.

કોંગ્રેસ દ્ધારા મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બનતા જ ખેડૂતોના કુલ ૪૧.૧૦૦ કરોડ રૂપિયા માફ કરી દેવામાં આવ્યા છે. ચુંટણી પહેલા કોંગ્રેસે આપેલું વચન સત્તામાં આવતા જ પાળવામાં આવ્યું છે. કોંગ્રેસના આ નિર્ણયોના કારણે રાજકીય દબાણમાં મુકાયેલા ભાજપ દ્ધારા પણ આસામમાં ૮ લાખ ખેડૂતોના ૬૦૦ કરોડ રૂપિયાના દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ વીજ ગ્રાહકોના બાકી બીલ અને વ્યાજમાં રૂપિયા ૬૨૫ કરોડ માફ કરવામાં આવ્યા છે.

આ સાથે જ રાહુલ ગાંધીએ ટવીટ કરીને કહ્યું કે, કોંગ્રેસ ગુજરાત અને આસામનાં ગાઢ નિંદ્રામાં રહેલા મુખ્યમંત્રીઓને જગાડવામાં સફળ રહી છે. જયારે આ અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ખેડૂતોના દેવાં માફી માટે વડાપ્રધાન ઉપર દબાણ લાવીશું અને જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહિ થાય ત્યાં સુધી પ્રધાનમંત્રીને ઊંઘવા નહિ દઈએ. સમગ્ર વિપક્ષ સાથે મળીને ખેડૂતોના દેવા માફ કરાવીને જ ઝંપશે.