મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : કોંગ્રેસ પક્ષ દ્વારા ઠેર-ઠેર ઝોન વાઇઝ બેઠકો યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના તમામ આગેવાનો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ તકે પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખેત તલાવડીના ભ્રષ્ટાચારને અમે સામે લાવીશું.

ભાજપના કમલમ સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખેત તલાવડીના ભ્રષ્ટાચારને કોંગ્રેસ સામે લાવશે. અમરેલીમાં પણ ગત વર્ષે કોંગ્રેસના કાર્યકરોએ ખેત તલાવડીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો. આ તકે ધાનાણીએ ભાજપ પર જમીન વિકાસ બેંકના ભ્રષ્ટાચારને લઇને પણ આકરા પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ અધ્યક્ષ તરીકેનો પદભાર સાંભળ્યા બાદ કોંગ્રેસ દ્વારા ઝોન વાઇઝ બેઠક યોજી પાયાના કાર્યકરો સાથે સીધો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.