પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આમ જુવો તો ગુજરાતમાં કોંગ્રેસ 1990થી સત્તાની બહાર નીકળી ગઈ છે, થોડોક સમય ચીમનાભઈ પટેલને ટેકો આપી અને થોડોક સમય શંકરસિંહને ટેકો આપી સરકારમાં ભાગીદાર બની હતી, પણ એકલા હાથે કોંગ્રેસને સત્તા મળી તેવી સ્થિતિ છેલ્લાં 28 વર્ષથી નિર્માણ થવા પામી નથી. આટલા બધા વર્ષો વિરોધપક્ષની ખુરશીમાં બેઠા પછી પણ કોંગ્રેસ ખરેખર વિરોધ પક્ષમાં છે તેવો ડર ભાજપને લાગ્યો નથી અને પ્રજાને ક્યારેય કોંગ્રેસે સફળ વિરોધ પક્ષની ભૂમિકા અદા કરી હોય તેવું લાગ્યું નથી. 2017ની વિધાનસભાની આ પ્રથમ ચૂંટણી હતી જેમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરી હતી અને ગુજરાતની ભાજપ સરકાર અનેક મુદ્દે ઘેરાયેલી હતી. આ સ્થિતિમાં સત્તા સુધી જવા માટે કોંગ્રેસે રસ્તા ઉપર ઉતરી અને લોકોના ઘરે ઘરે જઈ પોતાની તાકાત બતાડવાની જરૂર હતી.

પણ કોંગ્રેસે મહેનત કરવાને બદલે હાર્દિકનો હાથ પકડી ગાંધીનગર સુધી જવાનો નિર્ણય કર્યો હતો, જાણે કોંગ્રેસને જીતાડવાની જવાબદારી હાર્દિકની જ હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. જેના કારણે કોંગ્રેસની સ્થિતિ ભગવાન સામે મુકવામાં આવેલા છપ્પન ભોગના માત્ર દર્શન કરી શકાય પણ તેનો સ્વાદ ચાખવા ના મળે તેવી થઈ હતી. સત્તાની નજીક પહોંચી પણ સત્તા મળી ન્હોતી. ભાજપને સત્તા સોંપવામાં શહેરોનો મોટો ફાળો રહ્યો છે, પણ કોંગ્રેસના મતી બુઠ્ઠા નેતાઓને પોતાની ભુલ અને મર્યાદાઓ સમજાતી નથી. તેમને આટલા વર્ષે ભાન થવું જોઈએ કે માત્ર નરેન્દ્ર મોદીને ગાળો આપવાથી સત્તા મળતી નથી. અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં બેસી પ્રેસ કોન્ફરન્સ કરવાથી પણ સત્તા મળવાની નથી.

રાજ્યના શહેરી અને ગ્રામિણ નાગરિકોની અનેક સમસ્યાઓ છે. સતત સત્તામાં રહેલા ભાજપના નેતાઓને માને છે કે પ્રજા જખ મારી તેમને મત આપશે જશે ક્યાં? જેના કારણે ભાજપના નેતાઓને મન પ્રજા એક મચ્છર સમાન છે. આ સ્થિતિમાં કોંગ્રેસે પ્રજાના પ્રશ્નો લઈ રસ્તા ઉપર ઉતરી જવું પડે, ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે વીજળી અને તેલના ભાવ વધારાના મુદ્દે રસ્તા ઉપર ઉતરી રસ્તો જામ કરી દેતા હતા. ભાજપની વિરોધ પક્ષની ભૂમિકાએ પ્રજાના મનમાં રહેલી કોંગ્રેસની સરકારની છાપને ભુસી નાખી હતી. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે હિન્દુત્વના નામે સત્તા મેળવી અને હજી તેઓ સાંપ્રદાઈકતાને આધારે રાજ કરે છે.

કોંગ્રેસના આ આરોપમાં તથ્ય હોવા છતાં માત્ર લાચારી વ્યકત કરી પોતાની વિરોધ પક્ષની ભૂમિકામાંથી છટકી શકે નહીં. રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, પણ કોંગ્રેસના નેતાઓના પેટમાં પાણી હાલતુ નથી. ભાજપ ભલે સુશાસનનની વાત કરે છે, પણ એક નાગરિક તરીકે અને ભાજપને મત આપનાર મતદારને પણ સુશાસન કેવું છે તેની ખબર છે. પ્રજા ત્રસ્ત છે, પણ કોંગ્રેસના નેતાઓ પ્રજાની નાડ પારખી શકતા નથી. હાર્દિકનો અનામતનો મુદ્દો બાજુ ઉપર રાખી તો પણ હાર્દિક ખેડૂતોના દેવા માફીની વાત કરે છે અને ઉપવાસ કરે છે અને હાર્દિકને ત્યાં ગુજરાતના કોંગ્રેસી નેતાઓ ઉમટી પડે છે. ખરેખર તો ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ કેમ કાંઈ કરતી નથી, કેમ કોંગ્રેસના કોઈ નેતાને હમણાં સુધી તેવો વિચાર આવ્યો નહીં કે હું આમરણાંત ઉપવાસ કરીશ.

ગુજરાતના વિવિધ વર્ગના મુદ્દા લઈ કોંગ્રેસે રાજ્ય વ્યાપી આંદોલન કરવાની જરૂર છે, પણ કોંગ્રેસના તમામ કાર્યક્રમ પ્રતિકાત્મક હોય છે. ટેલીવીઝન ડીબેટમાં ઉશ્કેરાઈ બોલતા કોંગ્રેસના નેતાનો ઉશ્કેરાટ સ્ટુડીયોની બહાર નીકળતા ઠંડો પડી જાય છે. કોંગ્રેસી નેતાઓને સ્વમાન જેવુ પણ નથી આટલા વર્ષો સુધી સત્તા મળી નથી પણ તેનું માઠું પણ લાગતુ નથી.

હાર્દિક પટેલને ટેકો આપવો તેમાં કઈ વાંધો નથી, પણ માત્ર હાર્દિકના ભરોસે ભાજપ સામે લડી લઈશું તેવા ભ્રમમાં રહેવાની પણ જરૂર નથી કારણ ભાજપના અમિત શાહ રાજકીય ચોખટા ગોઠવવામાં કોંગ્રેસના નેતાઓ કરતા અનેક ગણા માહિર છે. કદાચ એવું પણ બને કે ભાજપ હાર્દિકને સમજાવવામાં સફળ રહે અને કોંગ્રેસ ફરી ડેલી હાથ દઈ ઊભી રહેલી જોવા મળે. કોંગ્રેસે ચારે તરફથી મોર્ચો ખોલવો પડશે. લડવાની માનસીકતા અને જીતવાના વિશ્વાસ સાથે કામ કરવુ પડશે એકલો હાર્દિક તેમને ગાંધીનગર સુધી લઈ જશે તેવો આસાર તો હમણાં દેખાતો નથી.