મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે અમિત ચાવડાની વરણી થયા બાદ ઘણા લાંબા સમય પછી નવા પ્રદેશ માળખાની આજે જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ધ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કુલ ૩૦૦ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૪૩ આમંત્રિત સભ્યો અલગ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી વચ્ચેની ખેંચતાણ અને જૂથબંધીમાં અટવાયેલી આ નિમણુંકોમાં જૂથબંધી સપાટી પર આવવા સાથે પ્રમુખ અમિત ચાવડાના હાથ નબળા પડ્યા હોવાનું જણાઈ આવે છે. પ્રદેશ કોંગ્રેસના આ જમ્બો માળખામાં ૨૨ ઉપપ્રમુખો, ૪૩ મહામંત્રીઓ, ૧૬૯ મંત્રી, ૬ પ્રોટોકોલ સેક્રેટરી અને ૭ જોઈન્ટ સેક્રેટરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની નવી ટીમની ઘણા લાંબા સમય બાદ જાહેરતા કરવામાં આવી છે. લગભગ ૬ મહિના કરતા વધારે સમયથી કોંગ્રેસની તીવ્ર જૂથબંધી તેમજ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચેની ખેંચતાણમાં ૩૦૦ હોદ્દેદારોનું જમ્બો માળખું જાહેર કરવું પડ્યું છે. કેન્દ્રીય મોવડી મંડળે પણ ભારે નારાજગી છતાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આ જમ્બો યાદીને મંજુરી આપી છે. તેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ દરેક જૂથોને સાચવવા સાથે પરેશ ધાનાણી સાથેના મતભેદોમાં હર સ્વીકારવી પડી હોય તેવું લાગી રહ્યું છે. આ હોદ્દેદારો ઉપરાંત આમંત્રિત સભ્યોમાં પણ ૧૪૩ આગેવાનોનો સમાવેશ કરવો પડ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આ વિશાળકાય માળખામાં માળખામાં ૨૨ ઉપપ્રમુખો, ૪૩ મહામંત્રીઓ, ૧૬૯ મંત્રી, ૬ પ્રોટોકોલ સેક્રેટરી અને ૭ જોઈન્ટ સેક્રેટરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૪૮ એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર,૪૧ કાયમી આમંત્રિત અને ૫૪ ખાસ આમંત્રિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે ૨૨ ઉપપ્રમુખોમાં માત્ર બે જ મહિલા અગ્રણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ જ રીતે ગણ્યાગાંઠ્યા મહિલાને સેક્રેટરી બનાવનાર કોંગ્રેસને ૪૩ મહામંત્રીમાં એકપણ મહિલા અગ્રણી યોગ્ય જણાઈ નથી.