મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસને અપેક્ષા કરતા વધારે કારમો પરાજય વેઠવાનો વારો આવ્યો છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને પછડાટ આપવાનો અવસર ગુમાવનાર કોંગ્રેસને જીતની અપેક્ષા હતી. તેની સામે જંગી સરસાઇથી હાર થતાં ગુજરાત રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન તેમજ ધારાસભ્યોની તાકાત ખૂબ જ નબળી હોવાનું પુરવાર થયું છે. ભાજપ અને રાજ્ય સરકારે ઉતારેલા સમગ્ર તંત્રની સામે કોંગ્રેસ પક્ષે પણ આ વખતે કોઈ પાછીપાની કર્યા વિના નવજોત સિધ્ધુ જેવાં સ્ટાર પ્રચારકને અજમાવી સંગઠન પરિણામ લક્ષી હોય તે રીતના પ્રચાર-પ્રસાર કર્યા હતા. 

જસદણમાં પેટા ચૂંટણીમાં વિજય મેળવી ભાજપને પછાડવાનો અવસર કોંગ્રેસે ગુમાવ્યો છે. જસદણ બેઠકની પેટાચૂંટણીએ પુરવાર કર્યું છે કે, રૂપાણી સરકાર સામે પ્રજાનો વિશ્વાસ અકબંધ છે. જ્યારે 80 જેટલા ધારાસભ્યો સાથે કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં નવું નેતૃત્વ હોવા છતાં પરાજયનો સ્વાદ ચાખવો પડયો છે. જસદણમાં ધારાસભ્યોની ટીમ અને કોંગ્રેસ સંગઠન કોઈ મતભેદ વિના ખભેખભા મિલાવી કામ કરતા હોવાનો દેખાડો કરવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા દિવસે વિશાળ રેલી સહિત સ્ટાર પ્રચારક નવજોત સિધ્ધુની આક્રમક જાહેર સભા છતાં કોંગ્રેસ તેનો ગઢ સાચવીને લોકસભા પહેલાનો વિજય અવસર ચૂકી ગઈ છે.

જસદણ બેઠકમાં હવે બીજી ચૂંટણીમાં પણ ભાજપે વિજય મેળવ્યો છે. આ બંને પેટાચૂંટણી સિવાય આ બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. પરંતુ ભાજપ અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના વતન અને મત વિસ્તારમાં સતત પાંચ ટર્મથી જીતતી કોંગ્રેસને ધૂળ ચાટતી કરી દીધી છે. આ સાથે કોંગ્રેસ ગુજરાતમાં નબળી હોવાનું બહાર લાવી દીધું છે આ મતવિસ્તારમાં ખાસ કરીને પાણી, સિંચાઈ તેમજ રોજગારી જેવી સમસ્યાઓ છે. પરંતુ પ્રજાએ એક ધારાસભ્ય ચૂંટવાના બદલે કેબિનેટ મંત્રી ઉપર કળશ ઢોળી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ મતદારોએ ખુલ્લેઆમ જાહેર કર્યું હતું કે અમારે વિકાસ જોઈએ છે. જેના પરિણામે કોંગ્રેસ માટે સદાય વિજય રથના સારથી રહેલા કુવરજી બાવળિયાના ચેહરામાં પ્રજાને વિકાસ દેખાયો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ નહીં ચાલતા ભાજપ સરકારના કેબિનેટ મંત્રીને વિજયી બનાવી પ્રજાએ કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા હોમ વર્કે કરવા માટે લપડાક મારી છે.