મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભારતરત્ન અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર આજે પ્રથમ વખત સંસદ ભવનમાં ભાષણ આપવાના હતાં. પરંતુ સંસદની કાર્યવાહી 22 ડિસેમ્બરે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવતા તેઓ પોતાનું ભાષણ આપી શક્યા ન હતાં. સચિન તેંડુલકર આજે રાજ્યસભામાં ‘રાઇટ ટુ પ્લે’ પર બોલવાના હતાં પરંતુ તેઓના ભાષણની શરુઆત કરતા પહેલા જ વિરોધ પક્ષો દ્વારા હંગામો શરુ કરવામાં આવ્યો. વિરોધ પક્ષ સતત મનમોહનસિંહના મુદ્દે હંગામો કરતું રહ્યું હતું.

હંગામા વચ્ચે રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિરોધ પક્ષને સતત અપીલ કરી કે જે વ્યક્તિ બોલી રહ્યાં છે તેઓ ભારતરત્ન છે. તેમને આખો દેશ જોઇ રહ્યું છે. કૃપા કરી શાંતિ જાળવો. વિરોધ પક્ષ દ્વારા બુમો પાડવાથી કશું નહીં થાય. પરંતુ વિરોધ પક્ષનો હંગામો જારી રહેતા અંતે સદનની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી. સચિન પોતાની પત્ની અજંલી સાથે રાજ્યસભામાં પહોંચ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરને વર્ષ 2012માં રાજ્યસભામાં સાંસદ તરીકે નિમવામાં આવ્યા હતાં. ત્યાર બાદ સદનની 348 દિવસની કાર્યવાહીમાં સચિન માત્ર 23 દિવસ જ સદનમાં હાજર રહ્યાં છે. એવી જ રીતે બોલીવુડ અભિનેત્રી રેખા પણ રાજ્યસભામાં સાંસદ હોવા છતાં અત્યાર સુધી માત્ર 18 દિવસ જ સદનની કાર્યવાહીમાં હાજર રહ્યાં છે.

નોંધનીય છે કે સચિન તેંડુલકર આજે સદનમાં રમત અને ખેલાડીઓને લઇને વ્યવસ્થા, ઓલિમ્પિકની તૈયારીઓ અને કેવી રીતે ભારતના ખેલાડીઓ દુનિયાભરમાં સારુ પ્રદર્શન કરી રહ્યાં છે સહિતના મુદ્દાઓ પર બોલવાના હતાં.