મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ સામે છેલ્લા ત્રણ મહિનાથી અમરેલીના રાજુલામાં ચાલી રહેલું આંદોલન હવે ગાંધીનગર પહોંચ્યું છે. રિલાયન્સ દ્વારા કોન્ટ્રાક્ટર અને સપ્લાયર્સને ચૂકવવા પાત્ર કરોડો રૂપિયાની રકમ પૈસા નથી તેવું કારણ આપી ચુકવવામાં નહીં આવતા હવે મંગળવારના રોજ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ કરશે.

પીપાવાવ પોર્ટ ખરીદ્યા બાદ રિલાયન્સ ડિફેન્સ દ્વારા સંરક્ષણના સાધનો બનાવવાનું શરૂ કર્યું હતું. આ કામ માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટા કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે. આમ છતાં ગુજરાત અને ગુજરાત બહારના કોન્ટ્રાક્ટર અને સપ્લાયરના કરોડો રૂપિયાના બિલ ચુકવવામાં આવતા નથી. આ મુદ્દે ત્રણ મહિનાથી રાજુલા ખાતે  આંદોલન ચલાવી રહ્યા હતા. પણ આ મુદ્દે કોઈ કાર્યવાહી નહીં થતા હવે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર 200 લોકો સાથે ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર બેસી રહ્યા છે.