મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: એક તરફ જસદણ વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસનો આંતરિક કકળાટ ચરમસીમાએ છે. ગઈકાલે પાટીદારોએ અન્યાય મામલે સામુહિક રાજીનામાની ચીમકી આપી હતી. ત્યારે આજે એક ઈ-મેઇલ બૉમ્બ સામે આવ્યો છે. આ ઈ-મેઇલમાં જસદણની ચૂંટણીમાં ભોળાભાઈ ગોહિલને ટિકિટ ન આપવા માટે રાહુલ ગાંધીને રજૂઆત કરવામાં આવી છે. 

કોંગ્રેસ માલધારી અગ્રણી રણજીતભાઈ મૂંધવાએ કોંગ્રેસ અધ્યક્ષરાહુલ ગાંધીને એક ઈ-મેઇલ કર્યો છે. જેમાં ભોળાભાઈ ગોહિલને ટિકિટ ન આપવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ રાજ્યસભામાં અહેમદ પટેલને હરાવવા ભોળાભાઈ ગોહિલે પાર્ટી વિરુદ્ધ મત આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે અને કુંવરજીભાઈ-ભોળાભાઈ ગુરૂચેલા હોવાથી તેમને ટિકિટ આપવાથી પક્ષને નુકસાન થવાની તેમજ બાવાળીયા નિર્વિઘ્ને જીતી જવાની શક્યતા હોવાનું પણ આ ઈ-મેઈલ દ્વારા રાહુલ ગાંધીને જણાવવામાં આવ્યું છે.