પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): શુક્રવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદના પત્રકારોને પ્રેસ કોન્ફરન્સ માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતું. આ આમંત્રણની સાથે એક નોંધ હતી કે પ્રેસ કોન્ફરન્સ બાદ ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે. નર્મદાના મુદ્દા ઉપર પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકી અને કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે નર્મદાના મુદ્દે તેમણે ભાજપ કરતા કોંગ્રેસના શાસનમાં ખુબ કામ કર્યુ હતું તેની માહિતી પુરી પાડી. જો કે માહિતી આંકડાકીય વધુ હોવાને કારણે પત્રકારોને જ રસ પડતો ન્હોતો તો સામાન્ય પ્રજાને રસ કેવી રીતે પડવાનો હતો. છેલ્લાં 22 વર્ષથી સત્તાની બહાર હોવા છતાં કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ અને ટેલિવિઝન ડિબેટ સુધી જ સીમિત વિરોધ કરતી રહી. નર્મદાના મુદ્દે ગોટાળા થયા છે અને પ્રજાને પાણી નથી મળતુ તે વાત સાચી હોવા છતાં કોંગ્રેસના નેતાઓ AC ચેમ્બર છોડી ક્યારેય રસ્તા ઉપર ઉતરી આવ્યા નથી.

વરસાદ બાદ અમદાવાદ શહેર ‘ખાડાવાદ’ બની ગયુ છે. ત્યારે કોંગ્રેસ પ્રજા દ્વારા વહેતા થયેલા વિકાસ ગાંડો થયો છે ના મેસેજ વધુ વાયરલ કરી અને તેના પોસ્ટર બનાવી વિરોધપક્ષની ભુમીકા અદા કર્યાનો સંતોષ લઈ રહી છે. જો કોંગ્રેસના શાસનમાં અમદાવાદની આવી હાલત થઈ હોત તો ભાજપવાળા કોંગ્રેસવાળાના ભુક્કા બોલવી દેતા તેમા કોઈને શંકા નથી. કોંગ્રેસના નેતાઓ સતત અપેક્ષા રાખે છે કે રાજ્યની દુર્દશા માટે અખબારો અને ટીવી ચેનલો કંઈક કરે, અરે ભાઈ બીજો કોઈ મહેનત કરે તો આપણા ઘરે ઘોડીયા બંધાતા નથી તેવુ સાદુ વિજ્ઞાન પણ કોંગ્રેસી નેતાઓને સમજાતુ નથી. પ્રજાનો એક મોટો વર્ગ ભાજપથી નારાજ હોવા છતાં તેઓ હજી કોંગ્રેસ તરફ વળ્યા નથી. કારણ કોગ્રેસે આટલા વર્ષોમાં ક્યારેય તેઓ પ્રજા સાથે અને પ્રજા માટે ઉભા છે તેવો અહેસાસ ગુજરાતમાં અપાવી શક્યા નથી. ભાજપથી લોકો કંટાળી ગયા હોવા છતાં અને તેઓ સરકારમાં હોવા છતા સત્તા ટકાવી રાખવા ગઘાવૈતરા જેવી મહેનત કરે છે. પછી તેને મીડિયા તાયફા ગણાવે તો પણ તેઓ તાયફા દ્વારા પણ લોકોની વચ્ચે રહે છે.

પત્રકારો સતત કોંગ્રેસના નેતાઓને જગાડવાનો પ્રયત્ન કરે છે પણ જાગતા પલાળતા  નેતાઓને કઈ રીતે જગાડી શકાય. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે કોંગ્રેસના ઉત્તમ કામ છતાં પ્રજા કોંગ્રેસને મત કેમ આપતી નથી? ત્યારે તેમણે જવાબ આપ્યો કે પ્રજા કંટાળી ગઈ છે. હવે તેઓ ભાજપને મત આપશે નહીં. આમ કોંગ્રેસના નેતાઓ કોઈ ચમત્કાર થાય અને પ્રજા તેમને મત આપી જાય તેની રાહ જોઈ બેઠા છે. પણ કોંગ્રેસની મહેનત કરવાની માનસિક તૈયારી પણ નથી. પ્રેસ કોન્ફરન્સ બાદ પત્રકારો માટે ભોજન હતું, પણ કોંગ્રેસ ઓફિસની પાછળ ખુલ્લા આકાશ નીચે જાણે કોઈ માટે સદાવ્રત રાખ્યુ હોય તેમ પત્રકારોની જમવાની વ્યવસ્થા રાખી હતી. કોંગ્રેસની ઓફિસમાં ભરતસિંહ અને શક્તિસિંહ જેવા સિનિયર નેતાઓ હાજર હોવા છતાં એક પણ નેતા સૌજન્ય ખાતર ભોજનમાં આવ્યા નહીં. નેતાઓ તો ઠીક પણ કોંગ્રેસનો પટાવાળો પણ ત્યાં તમે જમજો તેવુ કહેવા માટે હાજર ન્હોતો.

જો આવી જ વ્યવસ્થા ભાજપના કમલમમાં રાખવામાં આવે તો ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત એક ડઝન સિનિયર નેતાઓ પત્રકારો સાથે ડીશ લઈ જમતા હોત.પોતાના ઘરે કોઈને જમવા બોલાવીએ પછી કહીએ રસોડમાં જઈ જમી લેજો તેવી સ્થિતિ કોંગ્રેસના ભોજન સમારંભમાં હતી. આમ બીજા બધા જ મુદ્દે કોંગ્રેસી નેતાઓ ભાજપ કરતા ગરીબ હોવાની સાથે સૌજન્ય દાખવવાના મુદ્દે પણ ભાજપ કરતા ઘણા પાછળ છે.