મેરાન્યૂઝ નેટવર્ક, દાહોદ: લોકસભા ચૂંટણી નજીકમાં છે કે ત્યારે ગુજરાતની ફતેપુરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રમેશ કટારાનો વધુ એક વિવાદિત વીડિયો બહાર આવ્યો છે. જેમાં રમેશ કટારા કહી રહ્યા છે કે જો ભાજપને મત નહીં આપો તો મોદી ઓછું કામ કરશે. મોદીએ કેમેરા લગાવી રાખ્યા છે, તે બધુ ભાળે (જુએ) છે.

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે નેતાઓ શામ,દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મતદારોના મત અંકે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં દાહોદની ફતેપુરા બેઠકના ધારાસભ્ય રમેશ કટારાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, જો ભાજપને મત નહીં નાખો તો મોદી કામ ઓછું આપશે. ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહીં નાખે. મોદી કેમેરામાં બેઠા બેઠા બધું ભાળે છે કે, કયા બુથમાં કેટલા મત ભાજપને અને કોંગ્રેસને પડ્યા અને જો તમે ભાજપને મત નહીં આપો અને કોંગ્રેસને આપશો તો અવળું થાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પરના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ ભાજપના લોકસભા ઉમેદવારનો પ્રચાર કરતા તાજેતરમાં જ કહ્યું હતું કે જે લોકો ગેરકાયદે રહે છે તેઓ જો ભાજપને વોટ નહીં આપે તો તેમને ઠેકાણે પાડી દઇશ.