મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત શહેર પોલીસ જે યુવતીને અઠવાડિયાથી વધુ સમયમાં શોધી ન શકી તે યુવતીને કોંગ્રેસના આગેવાનોએ શોધી કાઢી હતી. આ યુવતીને લઈ કોંગ્રેસના આગેવાનો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. તે વખતે પોલીસે યુવતીને પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશે તે પૂર્વે જ કારમાં બેસાડી ચાલતી પકડી હતી. આ યુવતીને ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું નિવેદન લેવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ યુવતી એટલે બીજું કોઈ નહીં પણ પ્રદેશ ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે બળાત્કારનો આરોપ મૂકનારી યુવતી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે બળાત્કારનો આરોપ લગાડનારી પિડીતા, યુવતી ગુરુવારે સવારે નિવેદન લખાવવા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી હતી તે વખતે કોગ્રેંસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહેતા ભારે હોબાળો મચી ગયો હતો. યુવતીને પોલીસ કમિશનર સુધી જવા દેવામાં નહોતી આવી અને પોલીસના માણસો કારમાં યુવતીને લઇને ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ગયા હતા. કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની લાંબા સમય સુધી પોલીસ સાથે જીભાજોડી ચાલી હતી.પોલીસે સરથાણા પોલીસને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી અને એક મહિલા પોલીસ ઓફિસરને સાથે રાખીને યુવતીનું નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું હતું કે અમે યુવતીને ન્યાય અપાવીને રહીશું તેના માટે હાઇકોર્ટના દરવાજા ખટખટાવીશું. કોંગ્રેસી નેતાઓએ પોલીસ આખો કેસ દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાના પણ આક્ષેપ કર્યા હતા.પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

સુરતમાં રહેતી અને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી એક યુવતીએ પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે બળાત્કારનો આરોપ લગાવતી અરજી સુરત પોલીસ કમિશનરને ગઈ તા. 10મીએ કરી હતી. તે અરજી વરાછા, બાદ કાપોદ્રા અને છેલ્લે સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી હતી. સરથાણા પોલીસે  અગાઉ કહ્યું હતું કે યુવતીના ઘરે તાળું હોવાને કારણે યુવતીનું નિવેદન લેવાતું નથી.

દરમિયાન ગુરુવારે સવારે પિડીતા યુવતી પોલીસ કમિશનર કચેરી ખાતે નિવેદન લખાવવા આવી હતી.પોલીસને જાણ થઇ ગઇ હતી કે યુવતી અને કોંગ્રેસના કાર્યકરો પણ આવી રહ્યા છે એટલે તાબડતોબ પોલીસ કમિશનર કચેરી ખાતે લોંખડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જે કારમાં યુવતી આવી હતી તે કારને દરવાજા પાસે જ રોકીને પોલીસનો એક માણસ બેસાડીને કારને રવાના કરી દેવામાં આવી હતી. પિડીતાને કમિશનર સુધી નહીં પહોંચવા દેતા કોંગ્રેસના કાર્યકરો ગિન્નાયા હતા અને પોલીસ અધિકારીઓ સાથે જીભાજોડી કરી હતી. લાંબા સમય સુધી કોંગ્રેસ અને પોલીસ વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. સુરત કોંગેસના પ્રમુખ  હસમુખ દેસાઇએ કહ્યું  હતું કે અમે તો  લો એન્ડ ઓર્ડરની સ્થિતિ માટે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવા આવ્યા હતા. ત્યારે ભાનુશાળી સામે બળાત્કારનો આરોપ લગાડનારી યુવતી પણ આવી હતી. યુવતીને કમિશનર સુધી નહીં જવા દેતા અમે હોબાળો કર્યો હતો. હસમુખ દેસાઇએ આક્ષેપ કર્યો હતો કે ભાજપની પોલીસ હોય એ રીતે પોલીસ કામ કરી રહી છે. આખો કેસ દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.