મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પહેલા ફરી એક વખત  EVM  વિવાદ ચર્ચામાં આવ્યો છે. શનિવારે કોંગ્રેસની ટીમએ ચૂંટણી પંચ સમક્ષ જઇ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી પરિણામને પ્રભાવિત કરવા માટે કાવતરુ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરતા ઇવીએમની સુરક્ષાને લઇને સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી અને મનીષ તિવારીના નેતૃત્વમાં કોંગ્રેસની ટીમે ચૂંટણી પંચને બે જુદાજુદા આવેદનપત્ર આપ્યા છે. ચૂંટણી પંચને આગ્રહ કરવામાં આવ્યો છે કે આ રાજ્યોમાં ચૂંટણી પરિણામ અને વોટની ગણતરી પ્રભાવિત કરવાના પ્રયાસો રોકવા માટે પગલા ભરવામાં આવે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મધ્ય પ્રદેશમાં ચૂંટણી પરિણમને પ્રભાવિત કરવા માટે ઇવીએમ સાથે ચેડાનું એક મોટુ કાવતરુ ઘડવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મધ્ય પ્રદેશમાં મતદાન સમાપ્ત થયાના 48 કલાક બાદ એક નંબર પ્લેટ વિનાની સ્કૂલ બસથી ઇવીએમ લઇને સાગર જીલ્લા કલેક્ટર ઓફિસ પહોંચી હતી. અ ઘટનાથી એ વાતનું સ્પષ્ટ ઉદાહરણ છે કે એક પક્ષ અને કેટલાક લોકો હાલમાં થયેલ ચૂંટણીના પરિણામને પ્રભાવિત કરવાના પ્રયાસમાં છે. કોંગ્રેસે આ મામલે તપાસની માગણી કરી છે સાથે જ બસમાં આવેલ ઇવીએમને અન્ય ઇવીએમથી અલગ રાખવા માટે કહ્યું છે.

કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે કે મોડલ કોડ ઑફ કન્ડક્ટ છતાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને જીલ્લાના કલેક્ટર્સ વચ્ચે ગેરકાયદે બેઠક થઇ છે. પ્રતિનિધિમંડળે કહ્યું કે છત્તીસગઢમાં કલેક્ટર કાઉટિંગ રૂમની અંદર મોબાઇલ ફોન અને બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરે છે. કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી છે કે સ્ટ્રોંગરુમ પાસે હાજર ગેરકાયદે લોકોને પણ હટાવવામાં આવે.