મેરાન્યૂઝ નેટવર્ક, લીંબડી: લીંબડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. અને બે પોલીસકર્મી પર બે સગીરવયના બાળકોની ગેરકાયદાકિય કસ્ટડી અને ઇલ-ટ્રીટમેન્ટ કરવા અંગે કોર્ટના ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

લીંબડી હાઇવે પર અબ્દુલભાઇ કુરેશી છેલ્લા 25 વર્ષથી ચાની દુકાન ધરાવે છે. એક સવારે PSI ઇસરાણીએ અબ્દુલભાઈને ધમકી આપી કે, કાલે સવારે કેબીન હટાવી નાખજો આ જમીનનો હવાલો મેં લીધો છે. આ ધમકીથી ડરી ગયેલા અબ્દુલભાઇ અને તેમના પુત્ર મયુરભાઈએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરતા પોલીસકર્મીઓ તેમને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ PSI અને બે પોલીસકર્મીઓએ અબ્દુલભાઈને ઢોરમાર મારતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પુત્ર મયુરભાઈએ આ અંગે Dy. SP ને રજુઆત કરવા છતાં પણ કોઈ ફેર પડ્યો ન હતો. તા. 2 ડિસેમ્બરે સાંજે મયુરભાઈના બે ભાણેજ સોહિલ અને આબીદ ચાની કેબિને બેઠા હતા ત્યારે PSI અને બે પોલીસકર્મીઓએ બંને સગીરોને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ જઈ લોક-અપમાં પુરી દીધા હતા. તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના અને મામાને કેબીન ઉપાડી લેવાનું કહેવાના આક્ષેપો બંને ભણેજોએ કર્યા છે. આ અંગે લીંબડી તાલુકા કોર્ટમાં ફરીયાદ નોંધાતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે PSI ઇસરાણી સાથે વાત કરતા સમગ્ર વાત મનઘડંત હોવાનું જણાવ્યું હતું.