મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ ગુજરાતના સંવેદનશીલ મનાતા દ્વારકા તાલુકાના દરિયામાંથી ઓખા કોસ્ટગાર્ડ કેટલીક શંકાસ્પદ ચીજ વસ્તુઓ કબ્જે કરી છે. ઓખા કોસ્ટગાર્ડ વિભાગના કર્મચારીઓ દ્વારા ખાસ બોટ મારફતે દ્વારકાની દરિયાઇ પટ્ટીમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ગઇ તા. 17 ના રોજ રાત્રીના સમયે તેમના દ્વારા વેસલ એમ.બી. નીના આઇ.એમ.ઓ. 8824323 વાડી પકડી પાડી, ગઇકાલે બુધવારે આ વેસલ ઓખા પોર્ટની ડી.સી.બી. જેટી પર લાવવામાં આવી હતી. 

કોસ્ટ ગાર્ડ-પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ વેસલ ઇરાન દેશના બસરાથી નીકળી મોઝામ્બીક જવા નીકળ્યાનું ધ્યાનમાં આવ્યું હતું. આ વેસલમાં ચેકીંગ કરાતા જીપ્સમ પાઉડરની 300 બેગ નીકળી હતી. જેમાંથી 4,14,500 કિલોગ્રામ જીપ્સમ પાઉડર હોવાનું ખુલવા પામ્યું હતું. આ સાથે 3,181 કિલોગ્રામની 1600 પીસ રબ્બર/થર્મોકોલ સીટ) પણ મળી આવી હતી.આ શંકાસ્પદ વેસલ તથા મુદ્દામાલ સંદર્ભે ઓખા કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ દિલીપ ચક્રવર્તીએ ઓખા મરીન પોલીસમાં કાયદેસર નોંધ કરાવી છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઇ. પી.જી. રોહડીયાએ હાથ ધરી છે.