પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): દિલ્હી ભાજપમાં ફરી એક વખત ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરબદલનો ગણગણાટ શરૂ થયો છે, જો કે આ મામલે ભાજપના કોઈ નેતા જાહેરમાં કઈ બોલવા તૈયાર નથી, પણ આ ફેરબદલના ભાગ રૂપે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ સામે ચાલી પોતાનું રાજીનામુ પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપે તેવી શકયતા હોવાનું દિલ્હીના સુત્રોએ જણાવ્યું છે. 2019ની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં તેમજ ગુજરાત ભાજપ સરકારની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ હાઈકમાન્ડ ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરફાર કરી નવા ચહેરાઓને સ્થાન આપવા માગે છે, જેમાં નવા પ્રધાનમંડળમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની બાદબાકી થાય તેવી પણ શકયતા છે.

દિલ્હીના સુત્રોની જાણકારી પ્રમાણે પોતાને મુખ્યમંત્રી પદથી હટાવી રહ્યા છે તેવી જાણકારી ખુદ રૂપાણીને પણ થઈ ચુકી છે જેના કારણે તેઓ બહુ રાજી નથી. આ જ કારણસર ગુજરાતના આઈએએસ અને આઈપીએસની અધિકારીઓની બદલી ઉપર રોક લાગેલી છે. આ બદલી નવા મુખ્યમંત્રી પોતાની રીતે કરી શકે તે માટે બદલીની ફાઈલ બાજુ ઉપર મુકી દેવામાં આવી છે. ગુજરાત ભાજપના નિર્ણય હોવાને કારણે આ મામલે માત્ર અમિત શાહ અને નરેન્દ્ર મોદી નિર્ણય લેતા હોવાને કારણે વધુ જાણકારી ભાજપના ટોચના નેતાઓ પાસે પણ નથી. 2017માં વિધાનસભાની જે વિસ્તારમાં બેઠકો ઘટી તેમાં સૌથી મોટું ધોવાણ સૌરાષ્ટ્રમાં થયું છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનું જ્યાં ધોવાણ થયું છે તેવા વિસ્તારમાં ભાજપનું નુકસાન સરભર કરી લે તેવી વ્યકિતને મુખ્યમંત્રી પદ ઉપર બેસાડવામાં આવે તેવી શકયતા છે. 2001માં કેશુભાઈ પટેલ પછી સૌરાષ્ટ્રને મુખ્યમંત્રી પદ મળ્યું જ નથી અને નારાજ સૌરાષ્ટ્રના પટેલોને મનાવી લેવા માટે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને કેન્દ્રમાંથી લાવી ગુજરાતની ગાદી ઉપર બેસાડી દેવામાં આવે તેવી સંભાવના પ્રબળ છે. જો કે નરેન્દ્ર મોદીના સ્વભાવ પ્રમાણે જેમનું નામ બજારમાં ચર્ચાય તેના નામ ઉપર મોદી ચોકડી મારી દેતા હોય છે અને નરેન્દ્ર મોદી કાયમ પોતાના તમામ નિર્ણયમાં લોકોને આંચકો આપવાની ટેવ હોવાને કારણે કોઈ સાવ નવું જ નામ સામે લાવે તો નવાઈ નહીં. વિજય રૂપાણી ક્યારે રાજીનામુ આપશે તેવી કોઈ સ્પષ્ટ માહિતી હજી મળી રહી નથી, પણ આજની કેબીનેટ બેઠક આખરી હોય તો પણ નવાઈ નહીં.