મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ઉપલેટામાં ગત તારીખ 3 જુલાઇ 2018 ના રોજ જુગારના દરોડા દરમિયાન તત્કાલિન DIG ડી.એન. પટેલ અને આર.આર.સેલના PSI કૃણાલ પટેલે તોડ કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ કમ્પલેન ઓથોરિટી ગુજરાત સ્ટેટમાં કરવામાં આવેલી આ ફરિયાદ અંતર્ગત આજે સીઆઇડીના ઉચ્ચ અધિકારી અજય તોમર રાજકોટ આવી પહોંચ્યા છે.

આ જુગારની રેડ દરમિયાન રૂપિયા 10 લાખની માગણી કરાયા બાદ રૂપિયા 6 લાખમાં સેટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 5 લાખ અપાયા હતા અને 1 લાખ બાકી હતા. આ મામલે મહત્વની બ્રાંચના ચોક્કસ પોલીસમેન અને વચેટીયાઓની મધ્યસ્થીથી આ બ્રાંચ દ્વારા મોટી રકમનો તોડ કરાયાનો આક્ષેપ જેઠાભાઇ ડેરની અરજીમાં કરાયો હતો. જેને લઈને અજય તોમર દ્વારા જેઠાભાઇ ડેરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જે-તે સમયે આરોપીઓને સરકિટ હાઉસમાં લઈ જઈ તોડ કરવામાં આવ્યો હતો અને વધુ રૂપિયા પડાવવાની લાલચે મુખ્ય આરોપીને રાજકોટ રેન્જ આઈજીની ઓફિસમાં બે દિવસ સુધી રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં નગ્ન કરી વધુ રૂપિયાની માંગ પણ કરવામાં આવી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.