મેરાન્યૂઝ નેટવર્ક,  અમદાવાદ: હિંમતનગરના કોંગ્રેસી નેતાના પુત્ર દ્વારા સગીર વયના બાળકનું અપહરણ કરી  તેને  નગ્ન કરી માર માર્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી તેને વાયરલ પણ કર્યો હતો. આ મામલે  હિમતનગર પોલીસે નેતા પુત્ર અને તેના મિત્રોની સામાન્ય મારામારીના કેસમાં ધરપકડ કરી હતી. આ મામલે ભોગ બનનાર બાળકના પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવતા આ મામલો ગુજરાત  સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ તપાસના અંતે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગર કોર્ટમાં પોક્સો હેઠળ ગુનો બનતો હોવાનો રિપોર્ટ  સોંપ્યો છે.

હિંમતનગર પોલીસે ડિસેમ્બર મહિનામાં કોંગ્રેસી નેતા કમલેશ પટેલના પુત્ર અને તેમના મિત્રો સામે સગીરને માર મારવાની  ફરિયાદ નોંધી હતી. પરંતુ ભોગ બનનાર બાળકનો દાવો હતો કે તેની શાળામાં  ભણતી કોંગ્રેસી  નેતાની ભત્રીજી સાથે પ્રેમ  પ્રકરણ છે તેવી શંકા કમલેશ પટેલના પુત્ર અને તેમના ભાઈ અલ્પેશ પટેલને હતી.  આશંકાના આધારે કમલેશ પટેલના પુત્ર અને તેના મિત્રોએ શાળાએ જઈ રહેલા આ સગીરનું અપહરણ કરી તેને નિર્જન સ્થળે લઈ ગયા હતા જ્યાં માર મારી  નગ્ન કરી તેનો વીડિયો ઉતાર્યો હતો. પરંતુ હિંમતનગર પોલીસે રાજકીય દબાણ હેઠળ કેસને નબળો પાડતા ધરપકડના કલાકમાં તમામ આરોપીઓ છૂટી ગયા હતા.

આ મામલે તપાસ કરવા  ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાએ સીઆઇડી ક્રાઇમને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તપાસના અંતે સીઆઇડી દ્વારા હિંમતનગર કોર્ટને આરોપીઓ સામે પોક્સો હેઠળ ગુનો બનતો હોવાનું જણાવ્યું છે. જોકે સીઆઇડી ક્રાઇમે આ કેસમાં કોંગ્રેસી નેતા કમલેશ પટેલ અને તેમના ભાઈ અલ્પેશ પટેલને આરોપી નહીં બનાવતા ભોગ બનનાર સગીર દ્વારા ફરી એક વખત ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી છે. હાઈકોર્ટે આ મામલે સીઆઇડીને હાઈકોર્ટ સામે હાજર થવા આદેશ આપ્યો છે.