મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનું કાવત્રુ ઘડનાર છબીલ પટેલ હત્યામાં સામેલ નથી તેવુ બતાડવા માટે હત્યાના ચાર દિવસ પહેલા જ ભારત છોડી ફરાર થઈ જાય છે. પરંતુ હત્યામાં છબીલના નામનો ઉલ્લેખ આવતા પોતાનની ધરપકડ ટાળવા સતત  પ્રયત્ન કરી રહેલા છબીલ પટેલે આખરે એસઆઈટી સામે શરણાગતી સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી હતી, ગુરૂવારની વહેલી સવારે ત્રણ વાગે આરબ અમીરાત ફલાઈટ દ્વારા અમેરીકાથી અમદાવાદ પહોંચેલા છબીલ પટેલને એરપોર્ટ બહારથી જ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ ઝડપી લીધા હતા.

આખા પ્રકરણમાં પોતાનો પુત્ર સિધ્ધાર્થની કોઈ ભુમીકા નથી , તેવી રીતે મનિષા અને ભાઉ પણ સામેલ નથી તેવો દાવો કરનાર છબીલ પટેલને સમજાયુ કે હવે પોલીસના શરણે  જવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી. બીજી તરફ સાક્ષી પવન મૌર્યના ઘરની રેકી કરવા ગયેલા છબીલના વેવાઈ અને ભત્રીજો ઝડપાઈ જતા, છબીલને બહારથી મદદ મળવાની બંધ થઈ ગઈ હતી જેના કારણે છબીલે પહેલા પુત્ર સિદ્ધાર્થને હાજર કરાવી પોતે હાજર થવાની તૈયારી બતાડી હતી.

પોલીસ સામે હાજર થવુ એક માત્ર વિકલ્પ રહેતા છબીલ પટેલે એસઆઈટી અધિકારીઓને જાણ કરી હતી કે તેઓ હાલ અમેરીકા છે અને તા 14મીના રોજ અમદાવાદ આવી તેઓ પોલીસના શરણે આવશે. આ જાણકારીને આધારે સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી રાઓલ અને ઈન્સપેકટર દવે અમદાવાદ એરપોર્ટ ઉપર ગોઠવાઈ ગયા હતા, જો કે ફલાઈટ તેના શીડયુલ કરતા 45 મિનીટ મોડી લેન્ડ થઈ હતી, સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ એરપોર્ટ ઉપર હાજર ઈમીગ્રેશન સ્ટાફ અને સલામતી અધિકારીઓને જાણ કરી હતી કે તેમના કેસનો હત્યાનો આરોપી છબીલ પટેલ આ ફલાઈટમાં આવી રહ્યો છે. જેના કારણે તમામ એજન્સીઓ સતર્ક હતી.

છબીલ પટેલે જાણ કરી હતી તે પ્રમાણે  તે આરપ અમીરાત ફલાઈટમાં જ અમદાવાદ પહોંચ્યા અને અને અમદાવાર એરપોર્ટની બહાર નિકળતા સીઆઈડીના અધિકારીઓએ તેમની કસ્ટડી લઈ તેમને એસઆઈટીની ઓફિસ લઈ ગયા હતા, સવારના સાડા ચાર વાગે છબીલ પટેલ સાથે અધિકારીઓ એસઆઈટીની ઓફિસ પહોંચતા રેલવેના ડીઆઈડી ગૌતમ પરમાર પણ એસઆઈટીની ઓફિસમાં આવી ગયા હતા અને તેમણે છબીલ પટેલની પુછપરછ શરૂ કરી છે.