​​​​​મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: હમણાં સુધી ચૌકીદારને કોઈ માન આપતુ ન્હોતુ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે દેશના ચૌકીદાર છે તેવું કહેતા ચૌકીદારનું સ્ટેટસ બદલાઈ ગયું છે, જ્યારે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ચૌકીદાર ચોર છે, તેવું કહી નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાક્યું હતું, એક દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ પોતાની સોશ્યલ મીડિયાના સ્ટેટસમાં પોતાની નામની આગળ ચૌકીદાર ઉમેરી દેતા ભાજપના નાના મોટા તમામ નેતાઓ પોતાના નામની આગળ ચૌકીદાર શબ્દ લખી નાખ્યો છે. જોગાનું જોગ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં શંકરસિંહ વાઘેલાના બંગલાની કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે કે બાપુના બંગલા વસંત વગડાના ચોકીદારે જ પાંચ લાખ રૂપિયાની ચોરી કરી છે. જેના કારણે સોશ્યલ મીડિયા ઉપર આ ફરિયાદ ખુબ વાયરલ થઈ કે બાપુનો ચૌકીદાર ચોર નિકળ્યો.

ગાંધીનગર હાઈવે ઉપર આલીશાન હવેલી જેવા શંકરસિંહ વાઘેલા વસંત વગડોની ઓફિસમાં કામ કરતા કર્મચારી સુર્યસિંહ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે બાપુના વસંત વગડોમાં ચૌકીદાર તરીકે બાસુદેવ નેપાળી કામ કરતો હતો, અને તેની પત્ની શારદા બાપુના બંગલાની સફાઈ સહિતની કામગીરી કરતી હતી, જ્યારે બાસુદેવના બાળકો નજીકની એક ઈન્ટરનેશન સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. શંકરસિંહ વાઘેલાએ બાસુદેવના પરિવારને રહેવાની વ્યવસ્થા પણ વગડામાં જ કરી હતી. છેલ્લાં વર્ષથી વગડાની રખોપુ કરતા બાસુદેવે ઓકટોબર મહિનામાં બાપુને કહ્યું કે હવે તેના બાળકો નેપાળ ભણવા માગે છે જેના કારણે તેને રજા આપવામાં આવે, ત્યાર બાદ બાસુદેવ પોતાના પરિવાર સાથે નેપાળ જતો રહ્યો હતો.

તા 2 માર્ચના રોજ શંકસિંહ વાઘેલાના પત્ની ગુલાબબાને લગ્ન પ્રસંગે જવાનું હતું અને લગ્નમાં થોડો વ્યવહાર કરવાનો હતો જેના કારણે તેમણે તીજોરી ખોલતા તીજોરીમાં રહેલા રૂપિયા બે લાખના દાગીના અને વ્યવહાર માટે રાખેલા ત્રણ લાખ રોકડા મળી આવ્યા ન્હોતા. જેના કારણે આખા ઘરમાં તપાસ કરી હતી, પણ ચોરી થયાનું માલુમ પડયું હતું, આથી બાસુદેવ અને શારદા વગડાની જે રૂમમાં રહેતા ત્યાં પણ તપાસ કરતા કઈ મળી આવ્યું ન્હોતું, આથી બાસુદેવ નેપાળીને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેનો સંપર્ક થયો ન્હોતો. અમને શંકા છે કે તે દાગીના અને રોકડ મળી પાંચ લાખની ચોરી થઈ છે તે બાસુદેવ અને શારદાએ જ કરી છે.