મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માટે સામે વાળાએ વાપરેલા શબ્દોનો ચૂંટણી દરમિયાન એક અલગ જ પ્રકારે પ્રયોગ કરી છવાઈ જવાની આવડત ધરાવે છે. અગાઉ પણ તેમણે ચા વાળો, નીચો માણસ, મોતના સૌદાગર વગેરે શબ્દોનો બખુબી જવાબ આપી ચૂંટણીનું પાસુ જ પલ્ટી નાખ્યું છે. તેમની આ જ આવડત હાલ ફરી સામે આવી છે જ્યારે રાહુલ ગાંધી વારંવાર કહેતા આવતા હતા કે ચૌકીદાર હી ચૌર હૈ, તો સામે ચૌકીદારોનું અપમાન કહીને નરેન્દ્ર મોદીએ તેનો જવાબ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓએ પોતાના ટ્વીટર પરના નામની આગળ ચૌદીદાર શબ્દ લખ્યો છે. જેમકે ચૌકીદાર નરેન્દ્ર મોદી, ચૌકીદાર અમિત શાહ, ચૌકીદાર પીયુશ ગૌયેલ...

15 માર્ચે મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કરીને મેં ભી ચોકીદાર અભિયાનની શરૂઆત કરી હતી. આ વીડિયોમાં કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના, ભ્રષ્ટાચારને કાબુમાં લેવો, હાઈવે નિર્માણ અને દેશની સુરક્ષા મજબૂત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં 31 માર્ચે સાંજે 6 વાગે મોદી સાથે જોડાવાની અપીલ પણ કરવામાં આવી છે. મોદીએ કહ્યું હતું કે, જે પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છે તે ચોકીદાર છે. આ સાથે ચૌકીદાર ચૌર હૈ અને તેની સામે ચૌકીદાર ફીરસેના હૈશ ટેગ સાથે કેમ્પેઈન ચાલુ થયું છે.

આ સાથે જ દેશભરમાં ઘણા લોકો પોતાનું ટ્વીટર નેમ ચેન્જ કરી ચૌકીદાર શબ્દ પોતાના નામ આગળ લગાવી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં નામ બદલાઈ ચુક્યા છે. આમ સોશ્યલ મીડિયાનો બખુબી ઉપયોગ નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી કેમ્પેઈન તરીકે કરી ગયા અને તેમાં સફળ પણ રહ્યા છે. હજુ આ અંગે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રીયા મળી રહી નથી.