મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર એક યુવાને હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. સચિવાલયમાં જ એક યુવાન દ્ધારા માચીસમાં લવાયેલા મરચાના પાવડરથી કરાયેલા આ હુમલામાં મરચાનો પાવડર કેજરીવાલની આંખોમાં પડવા સાથે થયેલી ધક્કા-મુક્કીમાં કેજરીવાલના ચશ્માં પણ તૂટી ગયા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સચિવાલયમાં પોતાના કાર્યાલયમાં આવ્યા હતા. સચિવાલયમાં તેઓ એક બેઠક પૂરી કરીને પોતાની ઓફીસ તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમની ઓફીસની બહાર ઉભેલો એક યુવક માચીસના ખોખામાં મરચાંનો પાવડર લઈને આવ્યો હતો. જેવા મુખ્યમંત્રી કેજરીવાલ નજીક આવ્યા કે તેણે આ મરચાંનો પાવડર નાખ્યો હતો. આ મરચાનો પાવડર કેજરીવાલની આંખોમાં પણ પડ્યો હતો.

આ વખતે સુરક્ષા કર્મચારીઓએ તે યુવકને પકડી લીધો હતો. પરંતુ ત્યારે દોડધામ અને ધક્કા-મુક્કી થતા કેજરીવાલના ચશ્માં પડી જવા સાથે તૂટી ગયા હતા. સુરક્ષા કર્મચારીઓએ પકડેલા આ યુવકને આઈપી એક્સ્ટેન્શન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. આ આરોપીનું નામ અનીલકુમાર શર્મા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી દિલ્હીમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં આપના નેતા રાઘવ ચઢ્ઢાએ આ બનાવને સુરક્ષા કર્મચારીઓની મોટી નિષ્ફળતા ગણાવી છે.

સમગ્ર દેશમાં જાહેર કાર્યક્રમો તેમજ જાહેર સ્થળોએ રાજકીય નેતાઓ ઉપર શાહી નાખવાથી લઇ જુત્તું ફેકવાના બનાવો બની રહ્યા છે. તેમાં આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આ અગાઉ પણ આ પ્રકારના હુમલાઓના બનાવ બન્યા છે. જેમાં દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન એક મહિલાએ શાહી ફેંકી હતી. જયારે એક રેલી દરમિયાન રિક્ષા ચાલકે કેજરીવાલને થપ્પડ મારી દીધી હતી.