મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણીસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, હું તો રોજ પોતાના ચાર વર્ષોનો હિસાબ આપું છું. કોંગ્રેસવાળા અત્યાર સુધી આંસુ વહાવે છે કે, ચાવાળો દેશનો પીએમ કેવી રીતે બની ગયો? જ્યાં સુધી તમે લોકતંત્રને નહીં સમજો ત્યાં સુધી ચાવાળાને ગાળો આપતા રહેશો. આ લોકો કહી રહ્યા છે કે નેહરૂના કારણે ચાવાળો વડાપ્રધાન બન્યો, તો એકવાર 5 વર્ષ માટે પોતાના પરિવાર વગર કોઇ પાર્ટીના અધ્યક્ષ બનીને દેખાડો.’ વડાપ્રધાનના સવાલનો પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સણસણતો જવાબ આપ્યો હતો અને ગાંધી કે નહેરૂ પરિવાર સિવાયના હોવા છતાં કોંગ્રેસ અધ્યક્ષ બનેલા 15 નામો આપ્યા હતા.

પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમે શનિવારે એક પછી એક ટ્વિટ કરીને પોતાનો જોરદાર જવાબ રજૂ કર્યો હતો. જેમાં તેમણે વડાપ્રધાન મોદીની યાદાસ્ત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 1947માં આઝાદી પછીથી કોંગ્રેસમાં 15 એવા અધ્યક્ષ બન્યા જે ગાંધી પરિવારના નહોતા. તેમજ તેમણે આચાર્ય જેબી કૃપલાણી, પટ્ટાભિ સિતારમૈયા, પુરુષોત્તમ દાસ ટંડન, યૂએન ધેબર, નીલમ સંજીવ રેડ્ડી, સંજીવૈહા, કામરાજ, એલ નિજલિંગપ્પા, સી સુબ્રમણિયમ, જગજીવન રામ, શંકર દયાલ શર્મા, ડીકે બરૂઆ, બ્રહ્માનંદ રેડ્ડી, પીવી નપસિમ્હા રાવ અને સીતારામ કેસરી સહિતના નામો પણ લખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. જે અંતર્ગત વડાપ્રધાનને કોંગ્રેસ અધ્યક્ષ અંગે કરેલી ટિપ્પણી ભારે પડી હતી. ચિદમ્બરમે વધુમાં કહ્યું હતું કે, તમે કોંગ્રેસ માટે આટલું વિચારો છો તે સારી વાત છે. પરંતુ કોંગ્રેસ કરતા ખેડૂતોની દેવામાફી, પાકવીમો તેમજ વેપારી-ઉધોગકારોને જીએસટીમાં થતી મુશ્કેલીઓ સહિતના મુદ્દે વાત કરવી જરૂરી છે.