મેરાન્યૂઝ નેટવર્ક.રાયપુરઃ છત્તિસગઢના નકસલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં નકસલીઓએ એક ભાજપના ધારાસભ્યના કાફલા પર હુમલો કર્યો છે. દંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા માડવીના કાફલા પર માઓવાદીઓએ આઈઈડી હુમલો કર્યો છે. આ હુમલામાં ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીનું મોત થયું છે. ત્યાં આઈઈડી બ્લાસ્ટની ઝપટમાં આવવાને કારણે ધારાસભ્યની સાથે કાફલામાં હાજર ત્રણ સુરક્ષા કર્મચારીઓ અને એક વાહન ચાલકનું પણ મોત થયું છે. દંતેવાડા છત્તિસગઢના બસ્તર લોકસભાનો વિસ્તાર છે અને અહીં આગામી 11 એપ્રિલે ચૂંટણી થવા જઈ રહી છે.

હુમલો ત્યારે થયો જ્યારે ધારાસભ્ય મંડાવી ચૂંટણી પ્રચાર કરી પરત ફરી રહ્યાં હતા. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાને કારણે દંતેવાડામાં ચૂંટણી પ્રચાર બપોરે 3 વાગ્યે જ પૂરો થઈ ગયો હતો. મંડાવી બુલેટપ્રુફ ગાડીમાં સવાર હતા. તેમના કાફલામાં સુરક્ષા દળની ગાડી પણ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મંડાવી અને સુરક્ષા દળની ગાડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

25 મે, 2013ના રોજ ઝીરમઘાટીમાં થયેલા નક્સલી હુમલામાં છત્તીસગઢ કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ માર્યા ગયા હતા. જેમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વિદ્યાચરણ શુક્લ, છત્તીસગઢ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નંદકુમાર પટેલ, મહેન્દ્ર કર્મા, ઉદય મુદલિયાર સહિત 30 લોકોના મોત થયા હતા. મહેન્દ્ર કર્મા દંતેવાડા બેઠક પરથી 3 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. 2008ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભીમા મંડાવીને હરાવ્યા હતા. જો કે, 2013 વિધાનસભા ચૂંટણીમાં મંડાવી મહેન્દ્ર કર્માના પત્ની દેવતી કર્મા સામે હારી ગયા હતા.