મેરાન્યૂઝ નેટવર્ક.છત્તીસગઢઃ નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં છત્તીસગઢ તેમજ તેલંગાણા પોલીસના એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. મૃતક નક્સલીઓમાં 6 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સાથે જ આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ શહિદ થઈ ગયા છે. 
રાજ્યના દક્ષિણ બસ્તર વિસ્તારના ડેપ્યૂટી કમિશનર ઓફ પોલીસ સુંદરરાજ પીએ જણાવ્યું કે, જિલ્લાના ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પામેડ અને ઉસૂરના મધ્ય પુજારી કાંકેર ગામના જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં પોલીસે 10 નક્સલીઓને ઠાર માર્યા હતા. તેમની પાસેથી એકે-47 સહિત અનેક રાઇફલ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, છત્તીસગઢ અને તેલંગણા પોલીસને ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં નક્સલીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. જે પછી તેલંગણાના ગ્રેહાઉન્ડ બળ તથા બીજાપુર જિલ્લાના ડીઆરજી, એસટીએફ અને જિલ્લા પોલીસ દળના જવાનોએ કાર્યવાહી કરી હતી. પોલીસ જેવી ગ્રેહાઉન્ડના પુજારી કાંકેર ગામના જંગલમાં પહોંચી ત્યારે નક્સલીઓએ પોલીસ પર ફાયરિંગ કરી દીધું હતું. બાદમાં પોલીસે વળતો હુમલો કરી નક્સલીઓને ઠાર માર્યા હતા જ્યારે એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. આ છત્તીસગઢ અને તેલંગણા પોલીસનું સંયુક્ત ઓપરેશન હતું.