મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના બે નેતા જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે ચાલી રહેલી લડાઈ ચરમસીમાએ પહોંચતા છબીલ પટેલે ભાડૂતી મારાઓ મારફતે જયંતિ ભાનુશાળીની સયાજી એકસપ્રેસમાં હત્યા કરાવી નાખી હતી, જાન્યુઆરી માસથી ફરાર છબીલ પટેલ ઉપર પોલીસની ભીંસ વધતા છબીલના પુત્ર સિધ્ધાર્થ પટેલે એસઆઈટી સામે શરણાગતી સ્વીકારી હતી. હવે ખુદ છબીલ પટેલે પણ ત્રણ મહિના બાદ એસઆઈટી સામે હાજર થવાની જાણકારી મળી રહી છે. અમેરિકામાં સંતાઈ બેઠેલા છબીલ પટેલ ભારત પાછા ફરવા માટે એર ટિકિટ પણ કરાવી લીધી છે, સંભવ છે તે તા 14મીના રોજ છબીલ પટેલ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે.

જયંતિ ભાનુશાળીની હત્યા કરવા માટે છબીલ પટેલે કાવત્રુ ઘડી જયંતિની સ્ત્રી મિત્ર મનીષા ગોસ્વામી અને તેના બોયફ્રેડ ભાઉની મદદથી પુનાના બે ગેંગસ્ટરને જયંતિની હત્યા કરવાનું કામ સોંપ્યુ હતું, જો કે હત્યામાં પોતાની સંડોવણી નથી તેવુ બતાડવા માટે છબીલ પટેલે તા 2 જાન્યુઆરીના રોજ ભારત છોડી દીધુ હતું અને મસ્કત ચાલ્યા હતા, છબીલને મસ્કત જવાની ટિકિટ તેમના જ પુત્ર સિધ્ધાર્થે કરી હતી અને તા 29મી જાન્યુઆરીની રિર્ટન ટિકિટ પણ કરાવી હતી, જો કે જયંતિની હત્યા બાદ ફરિયાદમાં જ છબીલનું નામ જાહેર થઈ જતા, છબીલ મસ્કતથી દોહા અને ત્યાંથી અમેરિકા જતા રહ્યા હતા.

જ્યારે છબીલનો પુત્ર સિધ્ધીર્થ ગોવા જતો રહ્યો હતો. છબીલ અને તેમનો પુત્ર સિધ્ધાર્થ પોલીસ સામે શરણે આવવા માગતા હતા પરંતુ છબીલના જ કેટલાંક નજીકનાને રસ હતો કે છબીલ અને સિધ્ધર્થ ભાગતા રહે, જેના કારણે છબીલની નજીકની વ્યકિત તેમને પોલીસ સામે હાજર થવા દેતી ન્હોતી, સિધ્ધાર્થની તપાસમાં બહાર આવ્યું કે મનિષા અને ભાઉ છબીલ ઉપર સતત દબાણ કરતા હતા કે આખો મામલો છબીલ પટેલ પોતાની ઉપર લઈ લે અને આ પ્રકરણમાં મનિષા અને ભાઉની કોઈ સંડોવણી નથી તેવું પોલીસ સામે પ્રસ્થાપિત કરે, જો કે જયંતિની હત્યા માટે મનિષા અને ભાઉ કયાં કયાં મળ્યા અને કેવી રીતે છબીલને ભાડૂતી  મારાઓ મળ્યા તેના પુરાવા એસઆઈટી પાસે હોવાને કારણે તે શકય બન્યું ન્હોતું.

બીજી તરફ આ કેસના સ્ટાર વીટનેસ પવન મોર્યને ત્યાં છબીલ પટેલે પોતાના ભત્રીજા અને વેવાઈને મોકલતા તે પકડાઈ ગયા હતા, આમ છબીલના પરિવાર ઉપર પોલીસની ભીંસ વધતા સિધ્ધાર્થ પટેલ પોતાના નાના પ્રેમજીભાઈ દ્વારા એસઆઈટી સામે હાજર થયો હતો હવે છબીલ પટેલ પણ આવતીકાલે અમેરિકાથી સીધા અમદાવાદ એરપોર્ટ આવી એસઆઈટીની શરણે થશે જો કે છબીલ પટેલની રેડકોર્નર નોટિસ જાહેર થઈ ગઈ હોવાને કારણે હવે તેઓ વિમાનમાં પ્રવાસ કરવા એરપોર્ટ ઉપર આવશે તેની સાથે ઈમીગ્રેશન વિભાગ પોલીસને તેની જાણકારી આપશે.