મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીએ આજે પત્રકાર પરિષદ યોજી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર અઢી રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે ગુજરાત સરકારે પણ એક્સાઇઝ ડ્યુટીમાં અઢી રૂપિયાનો ઘટાડો કરતા રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડો આજે મધરાતથી અમલી બનશે.

છેલ્લા ઘણા દિવસથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ  ઓઇલના ભાવ વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવ પ્રતિલિટર 80 રૂપિયાને વટાવી જતા ભાવ વધારા મુદ્દે વિરોધ પક્ષ અને લોકો દ્વારા ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલી આજે પત્રકાર પરિષદ સંબોધિત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં દોઢ રૂપિયાનો ઘટાડો કરશે અને એવી જ રીતે ઓઇલ કંપનીઓ પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કરશે. જેથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર અઢી રૂપિયાનો ઘટાડો થશે. અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ અપીલ કરી છે કે રાજ્યો પણ પેટ્રોલ ને ડિઝલના ભાવ પર તેમની એક્સાઇઝ ડ્યુટીમાં અઢી રૂપિયાનો ઘટાડો કરે.

કેન્દ્રની અપીલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કર્યું હતું કે કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ ભાવ ઘટાડો કર્યા બાદ રાજ્ય સરકાર પણ પેટ્રોલ ડિઝલના ભાવમાં અઢી રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી રહી છે. જેથી ગુજરાતમાં હવે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટરે પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે.  

લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠક અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણી રાજકોટ આવી પહોંચ્યા હતા. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકાર પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અંગે ભારે ચિંતિત હતી. માટે જ ભાદરવા મહિનામાં નવરાત્રીની ભેંટ સ્વરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટવાથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ ખેડૂતો સહિત તમામ લોકોને મોટો ફાયદો થશે.

કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતાનો ભૂતકાળ જોઈ લે., તેણે હંમેશા લોકોને ભરમાવ્યા છે. કોંગ્રેસના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા-જુદા છે. કોંગ્રેસના શાસનકાળમાં પેટ્રોલના ભાવ રૂ. 45 થી70  થવા છતાં ક્યારેય આટલું મોટું પગલું લેવાયું નથી. કોંગ્રેસ રાજ્યની સુખાકારી માટે લેવામાં આવેલ સારા નિર્ણયનો પણ વિરોધ કરે છે. સારા નિર્ણયને પણ ન આવકારનાર પ્રજાનું ક્યારેય કલ્યાણ ન કરી શકે.